Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ચાલો બેસો, મુકી જાવ...સિવિલ હોસ્પિટલમાં મહિલાને જોઇ લાળ ટપકાવતો ઢગો પકડાયોઃ ટોળાએ ઢીબ્યો

સિકયુરીટીએ પકડીને પોલીસને જાણ કરી પણ ભોગ બનનાર મહિલાએ ફરિયાદ ન કરી

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાંથી અગાઉ મોબાઇલ ફોન ચોરતા શખ્સો, પર્સ બઠ્ઠાવતી મહિલા પકડાયા બાદ આજે એક કહેવાતો રોમીયો ઝપટે ચડ્યો હતો. ઓપીડી ૨૭ નંબરમાં દવા લેવા આવેલા એક મહિલાએ એક ઢગો પોતાને હેરાન કરતો હોવાનું કહી દેકારો મચાવતાં સિકયુરીટી સુપરવાઇઝર દક્ષાબેન દોડી ગયા હતાં અને તેને પકડી લીધો હતો. એ દરમિયાન ટોળુ ભેગુ થઇ જતાં આ ઢગાને ટાપલી-દાવ કરી લીધો હતો. મહિલાએ કહ્યું હતું કે પોતાને ગામનું નામ પુછ્યા બાદ આ શખ્સે પોતાની ઓળખ આપી હતી અને તમને કોર્ટમાં જોયા છે...તેમ કહી વાત કરી હતી. મહિલાએ પોતાને કોર્ટ કેસ ચાલુ હોવાનું અને એ કારણે કોર્ટમાં આવતાં હોવાનું કહેતાં આ ઢગાએ 'ચાલો મારા બાઇકમાં બેસી જાવ, મુકી જાવ...તમારા કેસની પતાવટ કરાવી દઉં' તેમ કહેતાં મહિલા ડઘાઇ ગઇ હતી અને દેકારો મચાવ્યો હતો. સિકયુરીટી ઇન્ચાર્જ એ. ડી. જાડેજા અને ટીમે આ શખ્સની પુછતાછ કરી હતી. પોતે અહિ શા માટે આવ્યો? તે અંગે યોગ્ય ખુલાસો કરી શકયો નહોતો. પડધરી તરફના આ શખ્સને પોલીસને સોંપાયો હતો. જો કે બાદમાં ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવવાનું ટાળતાં આ ઢગાએ આકરો ઠપકો આપી જવા દેવામાં આવ્યો હતો.

(4:27 pm IST)