Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી લેતી 'ત્રિપુટી'ને ગાંધીગ્રામ પોલીસે પકડીઃ બે સાગ્રીતની શોધખોળ

ત્રણ દિ' પહેલા રૈયા ચોકડીએથી ભેંસાણના યુવાનને બેસાડી જામનગર રોડ પર લઇ જઇ લૂંટી લેવાયો'તો : કરણ ઉકેડીયા, અમિત ઉકેડીયા અને હાર્દિક ઉર્ફ ટાટીયો ભાલાળાની ધરપકડઃ અજય પરસોડા અને સુરેશ ઉકેડીયાની શોધ : એડી. ડીસીપી હર્ષદ મહેતા, પી.આઇ. એચ. આર. ભાટુ, પીએસઆઇ ઓ. જે. ચીહલા, જી.એન. વાઘેલા તથા ટીમ અને લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણ શખ્સો જોઇ શકાય છે. જેમાં એક મારામારીના ગુનામાં વોન્ટેડ હોવાનું ખુલ્યું છે

રાજકોટ તા. ૧૫: મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી લેતી ટોળકીના ત્રણ શખ્સોને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લઇ ત્રણ દિવસ પહેલા થયેલી લૂંટનો ભેદ ખોલ્યો છે. બીજા બે શખ્સના નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.

ત્રણ દિવસ પહેલા તા. ૧૨/૬ના રાત્રે બે વાગ્યે ભેંસાણના ચીમનભાઇ નરસીભાઇ સોલંકી (ઉ.૪૦) નામના દલિત યુવાન રૈયા ચોકડીએથી ગોંડલ રોડ ચોકડીએ જવા માટે રૂ. ૨૦ના ભાડાથી રિક્ષામાં બેઠા હતાં. રિક્ષામાં ચાલક સહિત પાંચ શખ્સો હતાં. કેકેવી ચોકથી ગેસ પુરાવવાના બહાને જુના બસ સ્ટેશન તરફ રિક્ષા વાળી ગેસ પુરાવવાના બહાને આગળ હંકારી જામનગર રોડ પર અવાવરૂ સ્થળે લઇ જઇ ઢીકા-પાટુનો માર મારી રૂ. ૫૫૦૦ની લૂંટ ચલાવી હતી. આ બારામાં ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં શહેર પોલીસના આઇવે પ્રોજેકટના સીસીટીવી કેમેરા ચેક કરતાં જીજે૩એયુ-૨૨૩૩ નંબરની શંકાસ્પદ રિક્ષા દેખાતાં તેના આધારે તપાસ કરી ત્રણ શખ્સો પોપટપરા-૧૨ના કરણ નાનજીભાઇ ઉકેડીયા (કોળી) (ઉ.૧૯), અમિત દિનેશભાઇ ઉકેડીયા (ઉ.૧૯-રહે. પોપટપરા ૫૩ કવાર્ટર) અને હાર્દિક ઉર્ફ ટાટીયો મનસુખભાઇ ભાલાળા (કોળી) (ઉ.૧૯-રહે. પોપટપરા-૧૪)ને પકડી લીધા છે.

આ ત્રણેયની પુછતાછ થતાં તેણે લૂંટની કબુલાત આપી પોતાની સાથે પોપટપરાના અજય માનસીંગભાઇ પરસોડા તથા સુરેશ કેશુભાઇ ઉકેડીયા પણ સામેલ હોવાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસે રિક્ષા તથા રૂ. ૧૪૫૦ની રોકડ કબ્જે લીધા છે. મોજશોખ માટે લૂંટ કર્યાનું  ત્રણેયે કબુલ્યું હતું. ગાંધીગ્રામના પી.આઇ. એચ.આર. ભાટુ, પીએસઆઇ ઓ. જે. ચીહલા, જી.એન. વાઘેલા, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, રશ્મિનભાઇ પટેલ, ઘનશ્યામભાઇ મેણીયા, વનરાજભાઇ લાવડીયા, શૈલેષભાઇ પટેલ, યુવરાજસિંહ જાડેજા, કનુભાઇ બસીયા અને વિમલસિંહે  આ કામગીરી કરી હતી. એડી. ડીસીપી હર્ષદ મહેતાની હાજરીમાં ત્રણેયની વિશીષ્ટ પુછતાછ થઇ હતી. અગાઉ કરણ પ્ર.નગર પોલીસ મથક વિસ્તારમાં મારામારી કરી ચુકયો હોઇ એ ગુનામાં પકડવાનો પણ બાકી છે. ત્રણેયના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(4:25 pm IST)