Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

પૂરવઠામાં સર્વરના ધાંધીયાનું નિરાકરણ લાવોઃ નવેમ્બરથી કેરોસીન બંધ કરાય તો દૂકાનદારોને ''ફિકસ'' પગાર આપો

દુકાનદારોના પરિવારનું શુઃ ફ્રી સેલનું કેરોસીન વેચાણની અને ગેસ એજન્સી અંગે મંજુરી આપો... : નવેમ્બર સુધીમાં નિકાલ નહી આવે તો મહાસંમેલન અને બાદમાં સામૂહિક રાજીનામાઃ કલેકટરને આવેદન...

રાજકોટ તા.૧૫: શહેરના સસ્તા અનાજના દૂકાનદાર એસો.ના ચેરમેન નરેન્દ્ર ડવ, માવજી રાખશીયા તથા અન્ય આગેવાનોએ આવેદનપત્ર આપી ઉમેર્યુ હતું કે, દુકાનદારો દ્વારા લેવામાં આવતા અંગુઠા માટેનું સર્વર સાવ ધીમુ ચાલે છે. અને અન્ય પ્રશ્ન અંગે પણ નિરાકરણ જરૂરી છે.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, અમો રાજકોટ શહેરના પ્રમાણિત સસ્તા અનાજના વેપારીઓ છેલ્લા ઘણા મહિનાઓથી પરેશાન છીએ. જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને, તથા ઝોનલ સચિવ શ્રી અને નાયબ સચિવ શ્રીને અનેક વખત સર્વર ધીમુ ચાલતું હોવાનું, ખામી યુકત એરર જ બતાવતું હોવાનું કે મહિનામાં અનેક દિવસ રિપેરીંગના બહાને સાવ બંધ જ હોય છે. તેની ફરીયાદો કરેલ છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છનું અલગ -સર્વર આપો અથવા સર્વરની સ્પીડ વધારવા ટેકનીકલ ઉપાયો કરો, છતાંઙ્ગ અમારા આ પ્રશ્નને કોઇ જ ઉકેલ આવેલ નથી. હાલમાં સર્વર સવારે ૮ થી ૯-૪૫ સુધી જ ચાલે છે. બાકીના સમયમાં સાવ ચાલતુ જ નથી. સવા ધીમું જ ચાલે છે. અને ૨૦ મિનિટે એક બીલ જનરેટ થાય છે. આથી ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે ખુબ ઘર્ષણ થાય છે. જેથી આ પ્રશ્નનો તાત્કાલીક ઉકેલ લાવવા વિનંતી છે.

નવેમ્બર માસ થી કેરોસીનનો જથ્થો બંધ કરવામાં આવે છે. આથી સસ્તા અનાજના વેપારીઓ અને માત્ર કેરોસીન વિતરણ કરતા વેપારીઓ ના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહેશે. બાળકો ની શિક્ષણ ફી, પરિવારની ખાધા-ખોરાકી, સાજા-માંદા થયે દવા વિગેરે કયાંથી આ બધા ખર્ચ ચુકવશું?

આથી રાજકોટ શહેર જિલ્લાના માત્ર કેરોસીન વિતરણ કરતા વેપારીઓને તથા સસ્તા અનાજના દુકાનદારોને ફીકસ પગાર આપો અથવા ગેસની એજન્સી આપો. તેમજ ફ્રી સેલ કેરોસીન અમોને વિતરણ કરવાનો હક્ક આપો. તેવી અપીલ કરી છે.

જો ઉપરોકત પ્રશ્નો અંગે નિરાકરણ નહિ આવે તો નવેમ્બર માસમાં રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત રાજયના વેપારીઓનું મહા-સંમેલન યોજી અને દુકાનના રાજીનામાં આપશું, અથવા લોક જાગૃતિ લાવી ને ગલીએ-ગલીએ જઇ સરકારની ખરાબ નીતિઓ બાબતે લોકજાગૃતિ કરીશું, અને અમદાવાદ-ગાંધીનગરમાં પરિવાર સાથે ભુખ-હડતાલ કરીશું. અને તેની તમામ જવાબદારી રાજય સરકારની રહેશે. તેમ આવેદનમાં ઉમેરાયું હતું.

(4:18 pm IST)