Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

પીડાનો ચિતાર રજુ કરતુ નાટક ‘ધ મેઇડસ'

વિશ્વભરમાં અનેક ભાષામાં ભજવાયેલ આ નાટકનો ગુજરાતમાં ૧૭ મીએ પ્રથમ પ્રયોગ : કામવાળી તરીકેસ્ત્રીઓએ કેવા કેવા સંઘર્ષ ખેડવા પડે છે તેની ગાથા રજુ : રાજકોટની હીર અંતાણી, મહીમા ભટ્ટ અને દર્શી શુકલનો કાબીલેદાદ અભિનય : કોમેડી વગર ગંભીર કથાવસ્‍તુ પર દર્શકોના દિલ જીતવા ડાયરેકટર આશીફ અજમેરીનો કસોટીરૂપ પ્રયાસ

રાજકોટ તા. ૧૫ : અમેરીકા, લંડન, ઓસ્‍ટ્રેલીયા સહીતના દેશોમાં અનેક ભાષામાં રજુ થઇ ચુકેલ નાટક ‘ધ મેઇડ' નો ગુજરાતમાં સૌપ્રથમ શો અમદાવાદ ખાતે આગામી તા. ૧૭ ના રવિવારે થવા જઇ રહ્યો છે.

આ નાટક અંગેની રસપ્રદ વિગતો વર્ણવતા ડાયરેકટર આશીફ અજમેરીએ જણાવેલ કે આ એક હિન્‍દી એકાંકી નાટક છે. કામવાળી તરીકેના ત્રણસ્ત્રી પાત્રોને લઇને આગળ વધતા આ નાટકમાં સંઘર્ષ અને પીડાનો ચિતાર રજુ કરવા પ્રયાસ થયો છે. આમ ગણો તો વિષય થોડો ગંભીર છે. ઓછી કોમેડીના દ્રશ્‍યો સાથે દર્શકોને ગડમથલ સાથે વિચાર કરતા કરી દે તેવુ આ નાટક રજુ કરીને અમો પણ એક સાહસ ખેડવા જઇ રહ્યા છીએ. જોકે પુર્ણ વિશ્વાસ સાથે કહીશુ કે લોકો તેને સહર્ષ સ્‍વીકારી લેશે.

નાટકમાં ‘સોલાન્‍ઝ' નું પાત્ર ભજવતી રાજકોટની હિર અંતાણી કહે છે આમ તો આ પહેલા ‘ગ્રહણ' લીડ રોલ અને ‘માણસ હોવાનો ડંખ' નાટકમાં પણ અભિનય આપી ચુકી છુ. પરંતુ આ નાટકમાં કામ કરીને મને જે અનુભુતિ થઇ રહી છે તે અનોખી છે. અહીં એ વાત અલગ પડશે કે અભિનય કરનારા કરતા દર્શકોએ વધુ દિમાગ ચલાવવુ પડશે. અહીં એવા વિચારો રજુ કરીને મુકી દેવાયા છે કે જેનો અંત દર્શકોએ જે શોધવો પડે. એક એક લુક, વર્ડ, બીટ બાય બીટ બધુ જ અફલાતુન છે.

એજ રીતે નાટકમાં ‘કલેર' નું પાત્ર નિભાવી રહેલ રાજકોટની જ મહીમા ભટ્ટ કહે છે હું છેલ્લા બે અઢી વર્ષથી અભિનય ક્ષેત્રે આવી છુ. કોમેડી રોલ વધુ કરૂ છુ. છતા આ નાટકમાં મારી સામે ગંભીર રોલનો પડકાર હતો, જે મે ઝીલી બતાવ્‍યો છે. બોડીલેંગ્‍વેઝ, મુવમેન્‍ટ જેવી વસ્‍તુઓ મને આ નાટકમાંથી શીખવા મળી છે.

ત્રીજુ મહત્‍વનું ‘મેડમ' તરીકેનું પાત્ર ભજવતી રાજકોટની દર્શી શુકલ કહે છે આ પહેલા મે વિજયપથ, મુક્‍તિ દાતા, જીથરો ભાભો જેવા નાટકોમાં કામ કરેલ છે. પરંતુ કઇક ડીફરન્‍ટ કહી શકાય તેવું કામ કરવાની તક મને ‘ધ મેઇડ' નાટકમાં મળી છે.

નાટકના પ્રોડયુસર અને કલા દર્પણ - કહાની ક્રિેએશન સાથે સંકળાયેલા નીપા અંતાણીએ અહીં જણાવેલ કે કામવાળીસ્ત્રીની શું વ્‍યથા હોય છે તેને વાચા આપવા આ નાટકમાં સરસ પ્રયાસ થયો છે. દુઃખ એ શું વસ્‍તુ છે તેની અનુભુતી કરાવા કલાકારોએ પણ દીલ રેડીને કામ કર્યુ છે.

નાટકના ગુજરાતી અનુવાદક હસમુખ બારાડી છે. હિન્‍દી અનુવાદક અને દિગ્‍દર્શક આસીફ અજમેરી છે. મંચ વ્‍યવસ્‍થા શૈલી ગોડા, પ્રીન્‍સી રામાણીએ તેમજ સંગીત સંચાલન મિલન જાજલે સંભાળ્‍યુ છે. સહાયક દિગ્‍દર્શક જાતિન ડોડીયા, નિર્માણ સહાયક ધારેશ શુકલા, કથા અંતાણી અને બેક સ્‍ટેજમાં સાગર ધોરાજીયાએ સેવા આપી છે.

તા. ૧૭ ના રવિવારે રાત્રે ૮ વાગ્‍યે અને ૯.૩૦ વાગ્‍યે એમ બે ટીકીટ શો અમદાવાદના ઓરોબોરો બ્‍લેક બોકસ થીએટર ખાતે થવા જઇ રહ્યા છે. બાદમાં અન્‍ય શહેરોમાં પણ ગોઠવણી થઇ રહી  હોવાનું આશીફ અજમેરી (મો.૯૮૨૪૭ ૩૧૯૪૦) અને નીપા અંતાણીએ જણાવ્‍યુ હતુ.

તસ્‍વીરમાં ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ‘ધ મેઇડ' માં મુખ્‍યસ્ત્રી પાત્રોને જીવંત કરનાર દર્શી શુકલ, હીર અંતાણી, મહીમા ભટ્ટ તેમજ બાજુમાં આશીફ અજમેરી, નીપા અંતાણી નજરે પડે છે. (તસ્‍વીર : વિક્રમ ડાભી)

(3:57 pm IST)