Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

લાખોનો માલ લઇને આપેલ ચેક રિટર્ન થતાં ખંભાતના વેપારી સામે સમન્‍સ

રાજકોટ, તા., ૧૫: ઉધાર મા ખરીદ કરીને આપેલ રૂા. ૯ લાખ ૮ર હજારનો ચેક પાછો ફરતા ખંભાતના વેપારી સામે કોર્ટમાં ફરીયાદ થતા પડધરી કોર્ટે આરોપી સામે સમન્‍સ કાઢીને હાજર થવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે શિવશકિત ટ્રેડીંગના પ્રોપરાઇટર ચંદ્રેશભાઇ સવજીભાઇ મોલીયા રહે. શીવપુર, ગામ-તરઘડી, તા.પડધરી, જી. રાજકોટ ખાતે શાકભાજી અને ફ્રુટનો ધંધો કરે છે. તેઓએ જય મહાકાળી ટ્રેડીંગના પ્રોપરાઇટર રાજેશભાઇ શંકરભાઇ પટેલ રહે. શિમળા સોસાયટી, નાના કલોદરા, તા. ખંભાત, જી.આણંદને તા.પ-૩-ર૦૧૮ના રોજ સુકાસરગવાની સીંગ અને બીજ બંન્‍ને મળી કુલ વજન ૧૨,૧૧૮ કિલોગ્રામનો માલ રૂા.૯,૮૨,૦૦૦/- અંકે રૂપિયા નવ લાખ બ્‍યાસી હજાર પુરાનો મોકલાવેલો. જે રકમ આપવા બાબતે આ કામના આરોપીએ તેમના ખાતા વાળી વિજયા બેંક, ખંભાત બ્રાંચ, તા.ખંભાત જી.આણંદનો ચેક આપેલો જે ચેક ફરીયાદીએ તેમના પેઢીના ખાતા વાળી બેંક ઓફ ઇન્‍ડિયા, પડધરી બ્રાંચ, તા.પડધરી, જી.રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક  ‘ફંડ્‍સ ઇન્‍સફીશીયન્‍ટ'ના શેરા સાથે પરત ફરેલ હતો.

આમ ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોક્‍ત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતા આ કામના આરોપીએ અમે કોઇ માલ લીધેલ નથી અને આવો કોઇ ચેક આપેલ નથી. આવો જવાબ આપતા આ કામના ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી.ફળદુ તથા કૌશીક આર.ભંડેરી મારફત ધી નેગોસીયેબલ ઇન્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ મુજબ પડધરી કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરતા પડધરીના જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટે આરોપી શ્રી રાજેશભાઇ શંકરભાઇ પટેલને સમન્‍સ ઇસ્‍યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(3:50 pm IST)