Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભુખથી ભાંભરડા નાખતા પશુઓ માટે ગૌસેવા જીવદયા અભિયાન સમિતિએ શરૂ કર્યો સેવાયજ્ઞ

શહેર બહાર અલગ અલગ સ્થળે ઢોરવાડા શરૂ કરાયા : જીવદયાપ્રેમીઓ-દાતાઓને આહવાન

રાજકોટ તા. ૧૫ : દર વર્ષે નબળા ચોમાસાને કારણે કચ્છમાં પાણી અને ઘાસચારાની કારમી અછત સર્જાય છે. હાલમાં કોઇપણ ખેતરમાં કે મેદાનોમાં ગાય કે ઓબોલ જીવને ખોરાક ન મળતો હોવાથી ત્રણ ચાર મહિના પશુઓને નિભાવવા મુશ્કેલ સ્થિતી સર્જાય છે. માલધારીઓ પણ મજબુર બની પોતાના વ્હાલા પશુધનને રેઢા મુકવા મજબુર બની જતા ગૌશાળાઓ- પાંજરાપોળો, નિરાધાર, અંધ, અપંગ અને બીમાર પશુઓથી ભરચકક બનવા લાગી છે. આ સ્થિતીમાં રાજકોટમાં શ્રી ગૌસેવા જીવદયા અભિયાન સમિતિની રચના એક અનોખો સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે. રાજકોટના સીમાડે આવા હિઝરતી પશુઓ માટે કામચલાઉ ઢોરવાડા ઉભા કરાયા છે. તેમજ રાપર તાલુકાના ખાંડેક, આડેસર, નાગપુર જેવા વિસ્તારમાં ગાયોનું જતન થઇ રહ્યુ છે.છેલ્લા પાંચેક માસથી કચ્છ અને અન્ય વિસ્તારોમાંથી આવેલા અને ઘાસ-પાણી માટે ટળવળતા ગૌવંશ અને અન્ય અબોલ પશુઓની સેવામાં, ગૌસેવા-જીવદયા અભિયાન સમિતિએ શહેર બહાર અલગ અલગ સ્થળોએ વ્યવસ્થા કરી છે. ઢોરવાડામાં છાંયડો, પાણી, સ્વચ્છતા, આરોગ્ય ચકાસણી અને ઘાસચારા સહિતની વ્યવ્યવસ્થા કરાઇ રહી છે. અંદાજીત હિઝરત કરી આવેલ ૧૨૦૦ જેટલી ગૌમાતાઓને અહી આશરો અપાયો છે.

ભાંભરડા નાખતી ગૌમાતાઓ અને અબોલ જીવોની વેદના હળવી કરવા આરંભાયેલ આ સેવાયજ્ઞમાં જીવદયાપ્રેમીઓ દાતાઓએ આગળ આવવા શ્રીજી ગૌશાળા દ્વારા અનુરોધ કરાયો છે. વિશેષ માહીતી માટે મો.૯૯૦૯૯ ૭૧૧૧૬ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રીજી ગૌશાળાના રમેશભાઇ ઠકકકર તેમજ ભરતભાઇ ભીમાણી વિક્રમસિંહ જાડેજા (મો.૯૮૯૮૧ ૪૫૬૪૫) વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:32 pm IST)