Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ઢેબર રોડ ફાટક પાસે યોગેશભાઇ કુંભારને જુના મકાન માલિકે લાકડીથી માર માર્યો

કુંભાર યુવાનની પત્નિ છુટાછેડા લઇ જુના મકાન માલિક અતુલ દેવડા સાથે રહે છેઃ તેનો પુત્ર માતાને મળવા જતાં અતુલને ન ગમતાં હુમલો કર્યો

રાજકોટ તા. ૧૫:કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં રહેતાં કુંભાર યુવાનને ગોંડલ રોડ ફાટક પાસે તેના જુના મકાન માલિકે અગાઉના મનદુઃખને લીધે ઝઘડો કરી લાકડી ફટકારી લેતાં સારવાર લેવી પડી હતી.

હુડકો કવાર્ટર એ-૧૨૧માં રહેતાં અને ઓટો પાર્ટસના સેલ્સમેન તરીકે કામ કરતાં યોગેશભાઇ નરોત્તમભાઇ હરણેશા (ઉ.૪૩) નામના કુંભાર યુવાન ગઇકાલે પીડીએમ કોલેજ સામેના ઢેબર ફાટક પાસે હતાં ત્યારે તેના જુના મકાન માલિક અતુલ મનસુખભાઇ દેવડાએ ઉભો રહે તો તારું કામ છે...કહી વાત કરવાના બહાને બોલાવી લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.   હેડકોન્સ. નરેન્દ્રભાઇએ યોગેશભાઇની ફરિયાદ પરથી અતુલ દેવડા (રહે. ત્રિશુલ ચોક) સામે ગુનો નોંધ્યો છે. યોગેશભાઇએ પોલીસને જણાવ્યું હતું કે તેની પત્નિ છુટાછેડા લઇને હાલ જુના મકાન માલિક અતુલ દેવડા સાથે રહે છે. ગઇકાલે પોતાના ૧૫ વર્ષના પુત્રનો જન્મ દિવસ હોઇ તે માતાને મળવા અતુલ દેવડાના ઘરે જતાં તે બાબતે અતુલે ખાર રાખી હુમલો કર્યો હતો.

(12:43 pm IST)