Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રાપરના હત્યાની કોશિષના ગુનામાં ફરાર દિનેશ રાજદે રાજકોટમાં પકડાયો

રિસામણે બેઠેલી પત્નિને પરત મોકલવામાં તેના કાકા શાંતિલાલ આડે આવતાં હોવાની શંકા કરી કડીયારી લાકડી ફટકારી'તીઃ આ વૃધ્ધ હજુ પણ સારવાર હેઠળ :એ-ડિવીઝન પોલીસે પકડી લઇ રાપર પોલીસને જાણ કરી

રાજકોટ તા. ૧૫:કચ્છના રાપરના લોહાણા શખ્સે પોતાની પત્નિ રિસામણે બેઠી હોઇ તેને પાછી સાસરે આવવા દેવામાં તેણીના કાકા અટકાવતાં હોવાની શંકા કરી કડીયારી લાકડી સાથે એકટીવામાં કાકાજી સસરાની દૂકાને જઇ લાકડીથી હુમલો કરતાં લોહાણા વૃધ્ધને ગંભીર ઇજા થઇ હતી. તેઓ હાલ પણ ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે રાપર પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં ફરાર શખ્સને રાજકોટમાંથી એ-ડિવીઝન પોલીસે પકડી લીધો છે.

રાપર રહેતો દિનેશ કાંતિલાલ રાજદે (ઠક્કર) (ઉ.૪૦-રહે. અયોધ્યા પુરી મેઇન રોડ, રાપર જી. કચ્છ) નામનો શખ્સ હત્યાની કોશિષના ગુનામાં ફરાર હોઇ અને તે રાજકોટ બસ સ્ટેશન પાસે આવ્યો હોવાની બાતમી ડી. સ્ટાફના હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા અને કોન્સ. કરણભાઇ વિરસોડીયા તથા હાર્દિકસિંહ પરમારને મળતાં તેને સકંજામાં લઇ ૪૧ (૧) આઇ મુજબ અટકાયત કરી રાપર પોલીસને જાણ કરતાં ત્યાંની પોલીસે કબ્જો મેળવવા તજવીજ કરી છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી. એસ. ભટ્ટ તથા એસીપી પૂર્વની સુચના અને પી.આઇ. બી. પી. સોનારાની રાહબરી હેઠળ એએસઆઇ એસ. એન. જાડેજા, હેડકોન્સ. ભરતસિંહ ગોહિલ, ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, ભાવેશભાઇ વસવેલીયા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ, વિરેન્દ્રસિંહ, હાર્દિકસિંહ, શૈલેષભાઇ, કરણભાઇ, જગદીશભાઇ અને ક્રિપાલસિંહે કાર્યવાહી કરી હતી.

દિનેશ રાજદે વિરૂધ્ધ રાપર ઘનશ્યામ કો. ઓપરેટિવ સોસાયટીમાં રહેતાં અને શિયાળીયા વાસમાં પારલેની ચોકલેટ બિસ્કીટની એજન્સી ધરાવતાં પ્રકાશભાઇ શાંતિલાલ રામાણી (ઠક્કર) (ઉ.૪૬)ની ફરિયાદ પરથી દિનેશ કાંતિલાલ રાજદે સામે આઇપીસી ૩૦૭, ૨૯૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો. પ્રકાશભાઇના પિતાજી તા. ૪ના રોજ દૂકાને હતાં ત્યારે દિનેશ કડીયારી લાકડી સાથે એકટીવા લઇને આવ્યો હતો અને 'તમે કેમ મારી ઘરવાળી હંસાને મારા ઘરે પાછી આવવા દેવામાં આડા આવો છો?' તેમ કહી ઝઘડો કરતાં પ્રકાશભાઇએ અમે કંઇ આડા આવતા નથી તેમ જણાવતાં દિનેશે ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી હતી અને ઝઘડો કર્યો હતો. શાંતિલાલ વચ્ચે પડતાં તેના માથામાં લાકડી ફટકારી દેતાં તેઓ બેભાન થઇ પડી ગયા હતાં. તેને તાકીદે રાપરથી અમદાવાદ લઇ જવાયા હતાં અને ખોપરીની હાડકી ભાંગી ગઇ ઓપરેશન કરાયું હતું. આજે પણ તેઓ અમદાવાદ સારવાર હેઠળ છે.

આ ગુનામાં ફરાર દિનેશને રાજકોટ એ-ડિવીઝન પોલીસે પકડી લેતાં રાપરના પીએસઆઇ એ. બી. ચોૈધરીએ તેનો કબ્જો મેળવવા કાર્યવાહી કરી છે. દિનેશે જેના પર હુમલો કર્યો એ શાંતિલાલના મામા ચમનલાલ છે અને તેમની દિકરી હંસા સાથે દિનેશના લગ્ન થયા છે. દિનેશના ત્રાસને કારણે દોઢ વર્ષથી હંસા રિસામણે છે. તેણીને પાછી સાસરે મોકલવામાં શાંતિલાલ આડે આવતાં હોવાની શંકા પરથી તેણે હુમલો કર્યો હતો.

(12:42 pm IST)