Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

આપાગીગાના ઓટલે પવિત્ર પુરૂષોતમ માસની પુર્ણાહુતિ પ્રસંગનું દબાદબાભેર સમાપન

સમગ્ર પુરૂષોતમ માસ તથા અંતિમ દિવસે ભાઇઓ-બહેનો-માતાઓ-વડીલો તથા યુવાનોએ આ પાવનપર્વનો લાભ લીધો : હજારોની સંખ્‍યામાં લોકોને અન્નકોટ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવાનો અવસર મળ્‍યો

રાજકોટઃ ૧૮ કોમ (વરણ) તેમજ દરેક જ્ઞાતિની આસ્‍થા અને શ્રધ્‍ધાનું કેન્‍દ્ર સમાન શ્રી આપાગીગાનો ઓટલો (ચોટીલા રાજકોટ હાઇવે) દ્વારા પુરૂષોતમ માસ ના અંતિમ દિને જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ-સતાધારધામના આદેશથી સેવકગણ ભાવિકજનો માટે ભવ્‍યાતિભવ્‍ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. હિંદુ ધર્મના દરેક તહેવારની શ્રી આપાગીગના ઓટલે ભકિતભાવ સભર ઉજવણી કરવામાં આવે છે.

 

 આ તકે મહંતશ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા ઉપસ્‍થિત સંતો મહંતોનું ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જેમા મહંતશ્રી દાદબાપુ દાનવીર હનુમાન- મોલડી, મહંતશ્રી બંસીદાસબાપુ- શ્રી આપાઝીલાની જગ્‍યા-મેસરીયા, મહંતશ્રી કિશોરીબાપુ-સોનગઢ, મહંતશ્રી ગોપાલગીરીબાપુ-મોલડી (જુના અખાડા આંતરરાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી), મહંતશ્રી શાંતીદાસબાપુ ખેરડી, મહંતશ્રી જગુબાપુ-રામજીમંદીર ખેરડી, શ્રી જીવણદાસબાપુ- મહંતશ્રી હનુમાનજી મંદીર તથા અનેક સંતો-મહંતો વિશેષ ઉપસ્‍થિત રહયા હતા. ત્‍યારબાદ સંતો મહંતોની ઉપસ્‍થિતિમાં ઠાકોરજીને ૫૬ ભોગ અન્નકોટનો પ્રસાદ ધરવામાં આવ્‍યો હતો. સમગ્ર સેવકગણ માટે ઠાકોરજીને ધરાવેલ અન્નકોટ દર્શન ખુલ્લા મુકવામાં આવ્‍યા હતા.

 આ તકે મહંતશ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુના નિમત્રંણને ખાસ માન આપીને પધારેલા અકિલા પ્રેસ રાજકોટના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાનું શ્રી નરેન્‍દ્રબાપુ દ્વારા ખુબજ ઉષ્‍માભેર સ્‍વાગત કરાયું હતું. ત્‍યારબાદ તેઓએ ઉપસ્‍થિત સંતો-મહંતોના આર્શીવાદ મેળવ્‍યા  હતા તથા શ્રી આપાગીગાના ઓટલે ઠાકોરજીને ધરવામાં આવેલ ૫૬ ભોગ અન્નકોટ દર્શનનો દિવ્‍ય લાભ લીધેલ હતો સંતો-મહંતો સાથે પતંગમાં તેઓએ ભોજન - મહાપ્રસાદ લેવાનો અમુલ્‍ય અને લૌકીક અવસર પ્રાપ્ત થયો હતો. શ્રી કિરીટભાઇ ગણાત્રા હરહંમેશ શ્રી આપાગીગાના ઓટલે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સમગ્ર અકિલા પ્રેસ તરફથી મહામુલ્‍ય અવસર પ્રાપ્‍ત થયા તે બદલ તેઓએ ખુબજ ધન્‍યતા અનુભવી હતી.

 અન્નકુટ દર્શન બાદ શ્રી આપાગીગાના ઓટલે ભોજન મહાપ્રસાદનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. તેમાં ૨૪ કલાક ચાલતા અન્નક્ષેત્રમાં દર તહેવારોની જેમ આ તહેવાર નિમિતે પણ નિત્‍યક્રમમાં દાળ-ભાત-શાક-રોટલી-મીઠાઇ-ફરસાણ તથા ઠાકોરજીને ધરાવેલ ૫૬ ભોગ અન્નકોટની પ્રસાદી પીરસવામાં આવી હતી. પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે દરેક ભાવિકજનો તેમજ સેવણગણને ઉનાળાની સીઝનમાં ભોજન મહાપ્રસાદમાં કેરીનો રસ પણ પીરસવામાં આવ્‍યો હતો.

 શ્રી આપાગીગાના ઓટલે ૨૪ કલાક વિનામુલ્‍યે અન્નક્ષેત્ર ધમધમી રહયું છે. તેમજ ૨૪  કલાકમાં રહેવા જમવાની સંપુર્ણ વિનામુલ્‍યે ભકતજનો દ્વારા સેવા કરવામાં આવી રહી છે. રોજના હજારો લોકો તેનો લાભ લઇ રહયા છે. તેમ મહંતશ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ અખબારી યાદીમાં જણાવ્‍યું હતું.

(12:18 pm IST)