Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

બીનાબેન આચાર્ય મેયરઃ ઉદય કાનગડ સ્‍ટે. ચેરમેન : ડે. મેયરપદે અશ્વિન મોલિયાની વરણી

શાસક નેતા પદે દલસુખભાઈ જાગાણીઃ દંડક તરીકે અજયભાઈ પરમારની નિમણૂક : ભાજપ સંકલન બેઠકમાં આગામી ૨ાા વર્ષની ટર્મ માટે નવા પદાધિકારીઓના નામો જાહેર : વિવિધ સમિતિના ચેરમેન અને વા. ચેરમેન અને સભ્‍યોની પણ નિમણુંકઃ સોમવારે ચાર્જ સંભાળશે

રાજકોટ,તા.૧૫ :.  સૌરાષ્‍ટ્રના સૌથી મોટા રાજકોટ મહાનગરના મેયર અને ડે. મેયરની ચૂંટણી માટે આજે સવારે ૧૧ વાગ્‍યે સામાન્‍ય સભા યોજાયેલ. જેમા મેયર, ડે. મેયર તથા સ્‍ટેન્‍ડીંગ કમિટી સભ્‍યો અને વિવિધ ૧૫ સભ્‍યશ્રીઓના ચેરમેનોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મેયર પદ સામાન્‍ય વર્ગની મહિલા માટે અનામત હોય રાજકોટના ૨૦માં મેયર પદે બીનાબેન આચાર્યની નિમણૂક થયેલ જ્‍યારે ડે. મેયર પદે અશ્વિનભાઈ મોલીયા  અને સ્‍ટેન્‍ડીંગ કમિટીના સભ્‍યો તરીક ઉદયભાઈ કાનગડ વગેરેની નિમણૂક થયેલ. જે પૈકી ઉદયભાઈ કાનગડને બપોરે ૧ વાગ્‍યે મળેલી  સ્‍ટેન્‍ડીંગ કમિટિ બેઠકમાં સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પદે ચૂંટવામાં આવતા તેઓએ આજથી ચાર્જ સંભાળ્‍યો હતો.

રાજકોટના નવા મેયર બીનાબેન આચાર્ય પાંચ વર્ષ શિક્ષણ સમિતિના સભ્‍ય રહેલા. કોર્પોરેટર તરીકે પ્રથમ વખત વોર્ડ નં. ૨ માથી અને બીજી વખત અત્‍યારે વોર્ડ નં. ૧૦માથી ચૂંટાયેલા છે.

સવારે ૧૧ વાગ્‍યે સામાન્‍ય સભા યોજાઈ તે પૂર્વે શાસક પક્ષ ભાજપની સંકલન બેઠક યોજાઈ. જેમાં પ્રદેશ ભાજપના નિરીક્ષક દ્વારા મેયર સહિતના નવા પદાધિકારીઓના નામનું બંધ કવર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને સુપ્રત કર્યા બાદ શ્રી મિરાણીએ આગામી ૨ાા વર્ષ માટેના નવા મેયર, ડે. મેયર અને સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન તથા વિવિધ ૧૫ સમિતિના ચેરમેનોના નામો જાહેર કર્યા હતા અને આ તમામને જનરલ બોર્ડમાં યોજાનાર ચૂંટણીમાં ચૂંટવા-ભાજપના તમામ કોર્પોરેટરોને મેન્‍ડેટ આપ્‍યો હતો.

નવા મેયર, ડે. મેયર અને સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન તથા શાસકપક્ષ નેતા તેમજ દંડકના નામોની ભાજપ સંકલન બેઠકમાં જાહેરાત થતા તમામ નવા પદાધિકારીઓ ઉપર અભિનંદન વર્ષા થઈ હતી અને ફુલહારથી નવા પદાધિકારીઓનું સ્‍વાગત કરાયુ હતું.

આ નવા પદાધિકારીઓની ચૂંટણી વખતે જ શાસક પક્ષના નવા નેતા તરીકે દલસુખભાઈની નિમણૂક કરાયેલ જ્‍યારે દંડક તરીકે અજયભાઈ પરમારને ફરજ સોંપવામાં આવી હતી.

સંકલન બેઠકમાં અધ્‍યક્ષ સ્‍થાને શહેર પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપના નિરીક્ષક તથા ભાજપના પ્રદેશ અગ્રણી અને સિનીયર કોર્પોરેટર નિતીનભાઈ ભારદ્વાજ, ઉદયભાઈ કાનગડ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સંકલન બેઠક બાદ તુર્ત જ જનરલ બોર્ડ બેઠક મળી હતી. જેમા ઉપરોકત તમામ નવા પદાધિકારીઓની સત્તાવાર ચૂંટણી યોજાતા સર્વાનુમતે તમામ નિમણૂકો થયેલ હતી.

(3:10 pm IST)