Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે સેન્‍સ લેતા નિરીક્ષકોઃ બક્ષીપંચ-પાટીદાર વચ્‍ચે જંગ

અલ્‍પાબેન ખાટરિયા, ભાવનાબેન ભૂત, રેખાબેન પટોળીયા વગેરે સ્‍પર્ધામાં: ૧૯મીએ ફોર્મ ભરાશે

રાજકોટ, તા. ૧૫ :. સૌરાષ્‍ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે આજે સેન્‍સ પ્રક્રિયા શરૂ થઈ છે.  તે પૂર્વે પંચાયત વર્તુળમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના એકથી વધુ જુથ સામસામે આવી ગયા હોય તેવુ દેખાય છે. મુખ્‍યત્‍વે પ્રમુખ પદ માટે પાટીદાર અને બક્ષીપંચ દાવેદારો વચ્‍ચે જંગ દેખાય રહ્યો છે. ભાજપે કોંગ્રેસની આંતરીક સ્‍થિતિનો લાભ લેવાની તૈયારી રાખી છે. જો કોંગ્રેસનું મોટુ જુથ જુદુ પડે તો ભાજપમાં ભેળવવાની અથવા બહારથી ટેકો આપી બળવો કરાવવા સુધીની તૈયારી થઈ રહ્યાનું ચર્ચાય રહ્યુ છે. મુખ્‍યત્‍વે અલ્‍પાબેન અર્જુનભાઈ ખાટરીયા, ભાવનાબેન ભુત અને રેખાબેન પટોડીયા વચ્‍ચે સ્‍પર્ધા દેખાય છે.

ખાટરીયા જુથનું કહેવુ છે કે, અઢી વર્ષ પહેલા સિનીયોરીટીની દ્રષ્‍ટિએ ખાટરીયા પોતે પ્રમુખ પદ માટે હક્કદાર હોવા છતા અનામત આંદોલનને ધ્‍યાને રાખી પાટીદાર માટે પ્રમુખ પદનો હક્ક જતો કરેલ. તેથી હવે તે વખતના વચન મુજબ પ્રમુખ પદ તેમના ધર્મપત્‍નિ અલ્‍પાબેનને જ મળવુ જોઈએ. ધારાસભાની ચૂંટણી વખતે પાટીદારને પ્રમુખ પદ આપે તો હવે લોકસભાની ચૂંટણી ધ્‍યાને રાખી બક્ષીપંચને પ્રમુખ પદ આપવુ જોઈએ.

બીજી તરફ ખાટરીયા વિરોધી જુથની સ્‍પષ્‍ટ દલીલ છે કે, પ્રમુખ પદ સામાન્‍ય વર્ગની મહિલા માટે છે તો તેમા બક્ષીપંચની મહિલાની પસંદગી શા માટે ? પ્રથમ અઢી વર્ષ પ્રમુખ પદના બદલામાં ખાટરીયાને કારોબારી સમિતિનુ મહત્‍વનું અધ્‍યક્ષ પદ આપવામાં આવેલ. તેમજ ખાટરીયાને ખુદને ગોંડલ ધારાસભાની ટીકીટ પાર્ટીએ આપી હતી તેથી આ વખતે પાટીદાર મહિલાને જ પ્રમુખ પદ મળવુ જોઈએ. આવી તરફેણ કરનારા સભ્‍યો નવાજૂની તરફ ઈશારો કરી રહ્યા છે.

જિલ્લા પંચાયતના સભ્‍ય વર્તુળોમાં ઉપરોકત વિરોધાભાસી દલીલ વચ્‍ચે આજે સવારથી નિરીક્ષકો જવાહર ચાવડા અને વિનુભાઈ અમીપરાએ સેન્‍સ પ્રક્રિયા શરૂ કરી છે.  અત્‍યારે તો દાવેદારોએ પોતાના તરફી વધુમાં વધુ સેન્‍સ જાય તેવા પ્રયાસો તેજ કર્યા છે. જસદણ પંથકના કોળી સમાજના સભ્‍યો જેની સાથે રહેશે તેનુ પલડુ સંખ્‍યાની રીતે ભારે બની જશે. તા. ૨૦મીએ ચૂંટણી છે, ૧૯મીએ ફોર્મ ભરવાના છે તે પૂર્વે ખરાખરીનો રાજકીય ખેલ શરૂ થઈ ચૂકયો છે.

 

(10:59 am IST)