Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રાજ્ય સરકાર મધ્યમ વર્ગને ૨ ટકાના વ્યાજે રૂ.૧ લાખ સુધીની લોન આપશે

વિજયભાઇનાં સંવેદનશીલ નિર્ણયને આવકારતા પદાધિકારીઓ

રાજકોટ,તા.૧૫: કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. જેના અનુસંધાને ૨૫ માર્ચ ૨૦૨૦થી સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાને હરાવવા રાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની સરકાર તથા તંત્ર દ્વારા અથાગ મહેનત કરવામાં આવી રહી છે અને ગરીબ વર્ગના, મધ્યમ વર્ગના, વિધવાઓ, ખેડૂતો, કોરોના સામે કામગીરી કરી રહેલ કર્મચારીઓ, વિગેરે માટે રાજય સરકાર દ્વારા અનેક સંવેદનશીલ નિર્ણયો કરવામાં આવેલ છે.તેમ મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, તથા દંડક અજયભાઈ પરમારની સંયુકત યાદીમાં જણાવ્યું છેે.

આ અંગે પી.એટુ મેયરની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ,ગઈકાલે સંવેદનશીલ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ રાજયના નાના વેપારી, મધ્યમ વર્ગ, કારીગરો, રીક્ષા ચાલકો, પરંપરાગત વ્યવસાયિકો, વિગેરેને વાર્ષિક ફકત ૨% ના વ્યાજે રૂ.૧ લાખ સુધીનું ધીરાણ આપવાનું મંજુર કરી સંવેદનશીલ નિર્ણય કરેલ છે.

આ ધીરાણ લેનાર લાભાર્થીએ શરૂઆતના ૬ મહિના વ્યાજ અને મુદત ભરવું નહી પડે, ત્યારબાદ ૩૦ સરખા હપ્તામાં ધીરાણ પરત કરવું રહેશે. તેમજ ધીરાણ મેળવવા માટે રાજય સરકાર દ્વારા સ્ટેમ્પ ફી માંથી મુકિત આપવામાં આવી છે. ધીરાણ આપનાર સહકારી બેંકો, ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઓને બાકીનું વાર્ષિક ૬% વ્યાજ રાજય સરકાર ભોગવશે. સરકારના આ નિર્ણયથી નાના વેપારી, મધ્યમ વર્ગ, કારીગરો, રીક્ષા ચાલકો, પરંપરાગત વ્યવસાયિકો, વિગેરેને ખૂબ જ આશીર્વાદરૂપ થશે.

સંવેદનશીલ નિર્ણય કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સરકારનો રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ અભિનંદન સાથે આભાર વ્યકત કરેલ.

(3:49 pm IST)