Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મુશ્કેલીના સમયે મદદરૂપ બનતી સહકારી બેંકો ગુજરાતને આત્મનિર્ભર બનાવવા પુરા જોમ અને જુસ્સાભેર મેદાનમાં : ડો. પુરૂષોતમ પીપરીયા

રાજયની ૨૧૮ જેટલી સહકારી બેંકો, ૧૮ જિલ્લા સહકારી બેંકો સાથે મળીને લગભગ ૨૪૦૦ જેટલી શાખાઓમાંથી અને ૬,૦૦૦ જેટલી ક્રેડિટ સોસાયટીના માધ્યમથી નાના માણસોને લોન મળી રહે તે માટે કટીબધ્ધ : ૧૨ થી ૧૩ ટકાના દરે લોન આપતી બેંકો સરકારની સબસીડીનો લાભ આપી ૨% ના દરે લોન આપશે : આ યોજનાનો લાભ ૧૦ લાખ લોકોને મળશે : ચેરમેન વિક્રમભાઇ તન્ના

રાજકોટ તા. ૧૫ : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈની આત્મનિર્ભર ભારતની હાકલના પ્રતિસાદ રૂપે અને કોરોના સામેના યુદ્ઘમાં ગુજરા સફળતાથી બહાર નીકળે, આત્મનિર્ભર બને તે માટે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની ઘોષણા કરી છે ત્યારે રાજયની સહકારી બેંકો આ યોજનાને સાકાર કરવા પૂર્ણ રીતે કટીબધ્ધ હોવાનું સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપ. બેંકસ ફેડરેશનના સીઇઓ ડો. પુરૂષોતમ પીપરીયાએ જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે નોવેલ કોરોના વાઈરસ (૮૦૫૦-૧૯) ની પરિસ્થિતિમાં આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યકિતઓ, વ્યકિતગત કારીગરો, શ્રમિક વર્ગને બિન તારણ ધિરાણ ઉપર વ્યાજ સહાય માટે 'આત્મનિર્ભર ગુજરાત સહાયયોજના' જાહેર કરવામાં આવી છે.

ગુજરાતની ૨૧૮ જેટલી સહકારી બેંકો, ૧૮ જિલ્લા સહકારી બેંકો સાથે મળીને લગભગ ૨૪૦૦ જેટલી શાખાઓમાંથી અને ૬,૦૦૦ જેટલી ક્રેડિટ સોસાયટીના માધ્યમથી નાના માણસોને લોન મળી રહે તે માટેનું આયોજન રાજય સરકારે કરેલ છે. જે તમામને હાલમાં સહકારી બેંકો ૧૨ થી ૧૩ ટકા ના દરે લોન આપે છે, તેની સામે ફકત ૮ ટકાના દરથી લોન ઉપલબ્ધ કરાશે. રાજય સરકાર તેમાં ૬ ટકાની સબસીડી આપશે. જેના પરિણામે ધિરાણ મેળવનારને નેટ ૨% વ્યાજ દરે લોન મળી રહેશે.

આ સ્કીમ રાજય સરકારની સાથે મળીને ગુજરાતના સહકારી ક્ષેત્રના આગેવાનો અને બેંકોના ચેરમેન અને અધિકારીઓ સાથે મળીને ઘડી કાઢી છે. સહકારી બેંકો જયારે જયારે દેશને કે રાજયને મુશ્કેલી પડે છે, જનતાને તકલીફ પડે છે, ત્યારે ખરે વખતે લોકોની વચ્ચે રહીને તેમની વહારે ધાય છે. હાલની કટોકટીમાં, મુશ્કેલ સમયમાં ગુજરાતના લોકો આર્થિક ક્ષમતા ફરી હાંસલ કરે, આત્મનિર્ભર બને તે માટે સરકાર અને સહકાર સાથે મળીને આ યોજનાનો અમલ કરશે.

સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપ. બેંકસ ફેડરેશનના ચેરમેન શ્રી વિક્રમભાઇ તન્ન અને સીઇઓ ડો. પુરૂષોતમભાઇ પીપરીયાએ જણાવેલ છે કે સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે કે ખરા સમયે જયારે ગુજરાને જરૂર છે. ત્યારે, ગુજરાતના વેપારીઓને જરૂર છે ત્યારે, નાના લોકોને જરૂર છે ત્યારે, તેમની પડખે મજબૂતીથી ઉભા રહેશે.

આ યોજનાનો લાભ ૧૦ લાખ લોકોને મળશે. બેંકો માત્ર અરજીના આધારે લોન મંજૂર કરશે. ૧ લાખ સુધીની લોન આગળ જણાવ્યું તેમ માત્ર ર % ના વાર્ષિક વ્યાજ દરથી મળશે. પ્રથમ ૬ માસ વ્યાજ અને મુદ્દલ ચુકવવાની જરૂર નહિ હોય. લોન લેનારે કોઈ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ ભરવાનો થશે નહિ. સહકારી ક્ષેત્ર સમાજના આર્થિક પુનરુત્થાનમાં ભાગીદાર બનવાની તક મળવાથી ખુશી અનુભવે છે.

(3:41 pm IST)