Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કાલે ડેન્ગ્યુ દિવસઃઆ રોગને જાણો અને ભગાડો

રાજકોટ,તા.૧૫: ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતતા લાવવા તથા ટ્રાન્સમિશન સીઝન શરૂ થાય તે પહેલાં દેશમાં રોગના નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ભલામણ સાથે ૧૬ મી મેના રોજ 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

ડેન્ગ્યુ ફિવર (ડીએફ) એ વિષાણું (વાયરસ) થી થતો  અને મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. ડેન્ગ્યુ ફિવરના ગંભીર પ્રકારને ડેન્ગ્યુ હેમરેજીક ડિવર (ડી.એચ.એફ.) અને ડેન્ગ્યુ શોક સીન્ડ્રોમ (ડીએસએસ) તરીકે ઓળખાય છે. ડેન્ગ્યુ તાવના વાયરસ ફલેવી વાયરસ પ્રકારના છે અને તે સીરોટાઇ૫ ૧, ર, ૩ અને ૪ (ડેન્ગ્યુ ૧, ર ૩ અને ૪ ) તરીકે ઓળખાય છે.

ડેન્ગ્યુનો મચ્છર (એડિસ) ચોખ્ખા પાણીમાં  ઘરની અંદર રહેલ નાના – નાના પાત્રોમાં ઈંડા મુકે છે. તેના પોરા પાણીમાં ખુણો બનાવીને, જાણે ઊંધે માથે લટકતી સ્થિતિમાં તરે છે. તેને નરી આંખે સહેલાઈ થી જોઈ શકાય છે. આ મચ્છર ટાઈગર મચ્છર તરીકે જાણીતો છે. રંગે કાળો અને શરીરના પ્રુષ્ઠ ભાગ પર સફેદ રંગના ટ૫કા ધરાવે છે, અને આ મચ્છર ચેપી હોય તો ડેન્ગ્યુનો રોગ ફેલાવે છે. જયાં ઉત્૫ન્ન થાય છે. ત્યાં જ રોગ ફેલાવે છે. તેની ઉડ્ડયન ક્ષમતા ઓછી, આશરે ૧૦૦ મીટર હોવાથી, આ મચ્છર ઘર કે કાર્યસ્થળે પાણીના સંગ્રહ્રસ્થાનોમાં ઇંડા મુકતા જોવા મળે છે.

ડેન્ગ્યુના લક્ષણોઃ-

સખત તાવ માથાના આગળના  ભાગમાં દુખાવો અને કમરમાં દુખવો. આંખની પાછળ દુખાવો જે આંખના હલનચલનથી વધે છે.સ્નાયુ અને સાંધાનો દુખાવો.છાતી અને હાથ પર ઓરી જેવા દાણા. ઉબકા-ઉલટી.ભુખ ન લાગવી અને બે સ્વાદ, કબજીયાત.

ડેન્ગ્યુની સારવારઃ-

તાવ દરમ્યાન સંપુર્ણ આરામ.તાવ અને દુઃખાવા માટે ટેબ. પેરાસીટામોલ ૫ણ ટેબ. એસ્પીરીન ન જ લેવાય.સખત દુઃખાવા માટે દર્દનાશક અથવા સામાન્ય ઘેન લાવનાર દવા આ૫વી.ઠંડા પાણીના પોતા મુકવાં, નબળાઇ, પુષ્કળ ૫સીનો કે ઝાડા અથવા ઉલ્ટી હોય તો ઓ.આર.એસ. દ્રાવણ, પુષ્કળ પ્રવાહી, ફળોનો રસ વગેરે. ડેન્ગ્યુ હેમરેજીક ફિવર (ડીએચએફ) કે ડેન્ગ્યુ શોક સીન્ડ્રમ (ડી.એસ.એસ.) માટે હોસ્પિટલાઇઝેશન કરાવવું.

રોગનો ફેલાવોઃ-

(૧) ડેન્ગ્યુ વાયરસનો ચે૫ માણસમાં દિવસે કરડતા માદા એડિસ ઈજીપ્તી મચ્છર દ્વારા ફેલાય છે.

(ર) ડેન્ગ્યુ વાયરસના એકલ દોકલ કેસ સમગ્ર વર્ષ દરમ્યાન બનતા હોય છે. ડેન્ગ્યુ વાયરસનું જીવનચક્ર મનુષ્ય અને મચ્છર બંનેમાં ચાલુ રહે છે.

(૩) ડેન્ગ્યુના દર્દીને જયારે માદા એડીસ ઇજીપ્તાઇ મચ્છર કરડે છે ત્યારે ચે૫ મચ્છરમાં ફેલાય છે અને ૮ થી ૧૦ દિવસમાં આ મચ્છર ચેપી બને છે. આવો મચ્છર આજીવન ચેપી રહે છે.માદા મચ્છર ૩ અઠવાડીયા સુઘી સામાન્ય તા૫માનમાં જીવી શકે છે.

(૪ ) એડીસ મચ્છરો ઘરમાં બારશાખમાં અને અન્ય અંઘારી જગ્યામાં રહે છે.

(૫) આ એડિસ ઈજીપ્તી મચ્છર આપણા ઘરમાં જ પાણી ભરેલ પાત્રો અથવા વરસાદી પાણી જમા થતુ હોય તેવી જગ્યાઓએ ઉત્પન્ન થાય છે.

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. આ ઈંડામાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તથા પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા ૭ થી ૧૦ દિવસનો સમય લાગે છે. એડિસ પુખ્ત મચ્છર જો ડેન્ગ્યુ વાઈરસથી ચેપી હોય તો ડેન્ગ્યુથી ચેપી બનેલ મચ્છરના કરડયા બાદ  માણસના શરીરમાં વિષાણું દાખલ થયા પછી લીમ્ફ ગ્લાન્ડમાં તેની વૃધ્ધી થાય છે. વિષાણુઓના પુરતા પ્રમાણમાં વૃધ્ધી થયા બાદ વ્યકિતને ૭ થી ૧૦ દિવસમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાય છે. જેને ઈન્કયુબેશન પિરીયડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વરસાદ બાદ ૧૪ થી ર૦ દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ સ્વયંજાગૃત રહી ધરની સફાઈ કરવી જોઈએ. આ તકે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ  લોકોને ખાસ અપીલ છે કે દરેક નાગરિક ડેન્ગ્યુ નિયંત્રણ અંગેની આ ઝુંબેશમાં જોડાય. લોકોએ અઠવાડિયામાં ફકત ૧ વખત તેઓના ઘરમાં દરેક સ્થળે મચ્છરોના ઉદભવ સ્થાનોની સફાઈ કરવી.

(2:55 pm IST)