Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વિજયભાઇએ નર્સ બહેનોને કોરોનાના ફ્રન્ટ વોરીયર્સ કહેતા અમારા માટે ગર્વની વાત : સાજીદાબાનુ

કર્મ એ જ ધર્મના સુત્ર સાચા અર્થમાં ચરિતાર્થ કરતા સિવિલ નર્સ

અમ્મી હું ઠીક છું...

મારી ચિંતા ન કરીશ બસ તું તારું ધ્યાન રાખજે...

હું તમને પાછો વીડિયો કોલ કરીશ... મીસ યુ અમ્મી.

આ સંવાદ એ મા-દિકરી વચ્ચેનો છે જેની દિકરી જૂનાગઢ પોતાની વતન અને પરિવારથી દૂર રહીને રાજકોટ સિવિલના કોવીડ-૧૯ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવીને દેશ અને લોકોની સેવા કરી રહી છે. અને એ દિકરીનું નામ છે સાજીદાબાનુ મહિડા..

રાજકોટ સિવિલમાં છેલ્લા ૪ વર્ષથી નર્સ તરીકે કાયર્િાન્વત સાજીદાબાનું હાલ કોવીડ -૧૯ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. જંગલેશ્વર વિસ્તારનું નામ સાંભળતાની સાથે જ આપણા ચહેરા પર ડરના ભાવ ઉપજી આવે છે તે જ વિસ્તારમાં કોરોના પ્રથમ કેસથી લઈને આજ દિન સુધી કોરોનાના સેમ્પલ ટેસ્ટ લેવાની કામગીરી કરી રહ્યા છે.

અલ્લાહની રહેમતનો આભાર માનતા સાજીદાબાનુએ જણાવ્યું હતું કે,મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના ફ્રન્ટ વોરીયર્સ કહ્યું ત્યારે મને જે ગર્વની લાગણી અનુભવી તે મારા માટે અવિસ્મરણીય છે. તેમજ કોરોના ગ્રસ્ત દર્દી અમને દુઆઓ આપીને હોસ્પિટલની વિદાય લે છે ત્યારે લાગે છે અમારું જંગલેશ્વર વિસ્તારમાં જઈને કરેલી કામગીરી સફળ નીવડી છે. હાલ રોઝાનો મહિનો ચાલી રહ્યો છે તેથી રોઝા રહીને દિવસમાં ૫ વખત નમાઝ પઢીને કોરોનાના સેમ્પલ ટેસ્ટ લેવાની કામગીરી કરવામાં મને બેવડો આનંદ થાય છે. કારણ કે લોકોની સેવા એ જ સાચો ધર્મ છે.

સાજીદાબાનુની જેમ જ કોવીડ-૧૯ હોસ્પિટલમાં નર્સ તરીકે એડમીનનું કામ કરતાં મીનાબેન રામાનુજ છેલ્લા ૨૨ વર્ષથી નર્સિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. કોરોના વોરીયર્સ મીનાબેને સ્વાઈન ફલુના વોર્ડમાં પણ પોતાની ફરજ બજાવી ચૂકયા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે વીડિયો કોલીંગમાં કરેલી વાતચીતની પળોને યાદ કરતા જણાવ્યું હતું કે,  મુખ્યમંત્રીશ્રીએ નર્સ બહેનોને કોરોનાના ફ્રન્ટ વોરીયર્સ કહીને અમારી કામગીરીની નોંધ લીધી એ અમારા માટે બહુ મોટી વાત છે. વિજયભાઈ રૂપાણીએ દર્દીને પ્રેમ અને હુંફ મળી રહે તે રીતે સારવાર કરવાની ચિંતાસભર લાગણી વ્યકત કરી ત્યારે તેમના વિશાળ હદયના દર્શન થયા હતા. આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ પણ અમારી દરેક નર્સ બહેનોને તેમની ઉમદા કાર્ય બદલ શુભેચ્છા પાઠવી હતી.

કોવીડ -૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ વિશે વાત કરતાં મીનાબેન રામાનુજે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના પોઝીટીવ દર્દીઓ કોરોના મુકત થઈ જાય તે માટે હોસ્પિટલ દ્વારા સવિશેષ ધ્યાન આપવામાં આવે છે. દર્દીઓની બેડ શિટ અને કપડાઓને જંતુમુકત કરવા માટે સમયાંતરે વોશ કરવામાં આવે છે. દર્દીઓમાં રોગ પ્રતિકારક શકિત વધે તે માટે સવારે ગરમ હળદરવાળું દૂધ, બપોરના મગનું પાણી -પૌષ્ટીક જમવાનું, સાંજના ફ્રુટ આપવામાં આવે છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓને દ્યર જેવું વાતાવરણ અનુભવાય તેવા પ્રયાસો કરવામાં આવે છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફની એકતા, કર્તવ્ય પરાયણતા અને સાવચેતીપૂર્ણ કામગીરીને કારણે અત્યારસુધી એકપણ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયો નથી. આઈશોલેશન વોર્ડમાં વર્ગ ૪થી લઈને વર્ગ ૧ના કર્મચારીઓ કોઈ બહાના વગર પી.પી.ઈ કીટ પહેરીને સંનિષ્ઠ અને સચેત બનીને ખડેપગે કામ કરી રહ્યો છે.

 આમ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે અનેક લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માનવતા અને લોકોપકારી કાર્યો કરી રહ્યા છે. ત્યારે ધન્ય છે આરોગ્ય કર્મીઓને જે પોતાના પરિવારની સાથો સાથ કોરોના ગ્રસ્ત દર્દીઓનું પણ પરિવારના સભ્યની જેમ ધ્યાન રાખીને બેવડી જવાબદારી અદા કરી રહ્યા છે.

આલેખન :

પ્રિયંકા પરમાર

પ્રાદેશીક માહિતી કચેરી, રાજકોટ

(2:49 pm IST)