Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

૬ સભ્યોની ગ્રાન્ટના ૫૫ લાખના કામો લોકડાઉનમાં અટવાયાઃ સામાન્ય સભામાં ખાસ ઠરાવ કરવો પડશે

રાજકોટ જિલ્લા પંચાયતની બોર્ડ બેઠક ૩ાા મહિનાથી મળી નથી

રાજકોટ, તા. ૧૫ :. જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના ૬ સભ્યોના ગ્રાન્ટમાંથી સૂચવેલા વિકાસ કામો લોકડાઉનની પરિસ્થિતિના કારણે વહીવટી મંજુરીના અભાવે અટવાય ગયા છે. હાલ સામાન્ય સભા બોલાવી શકાય તેમ નથી. લોકડાઉન પૂર્ણ થયા બાદ આ બાકી રહી ગયેલા કામોને વહીવટી મંજુરી માટે સામાન્ય સભામાં ખાસ ઠરાવ કરવો પડશે તેમ પંચાયતના વર્તુળો જણાવે છે. એક-બે સભ્યોના કામમાં ટેકનિકલ કારણસર ફેરફાર કરવો પડયો હોવાથી અટકી પડયા છે.

પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીમાં મળેલી સામાન્ય સભામાં તે વખતના નાણાકીય વર્ષ માટે સભ્યોને વધુ ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવાયેલ. તેમજ ૨૦૨૦-૨૧ના વર્ષ માટે ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ. ગયા નાણાકીય વર્ષની ગ્રાન્ટના ઉપયોગ માટે ૩૧ માર્ચ સુધીમાં વહીવટી મંજુરી મળી જવી જરૂરી હતી. ૬ સભ્યોના મળીને ૫૫ લાખ રૂપિયા જેટલા વિકાસ કામોની મંજુરીની પ્રક્રિયા ચાલતી હતી તે જ વખતે માર્ચના છેલ્લા અઠવાડીયામાં લોકડાઉન આવી જતા વહીવટી કામગીરી અટકી પડી હતી. નાણાકીય વર્ષની મુદત જૂન સુધીની લંબાઈ ગઈ છે પરંતુ ૩૧ માર્ચ પહેલા સભ્યોની ગ્રાન્ટના જે કામોને વહીવટી મંજુરી નથી મળી તેને હવે મંજુરી આપવા માટે સામાન્ય સભાનો ઠરાવ જરૂરી હોવાનું પંચાયતના વર્તુળો માને છે. પંચાયત પ્રમુખે મેના પ્રારંભે સામાન્ય સભા બોલાવવા ડી.ડી.ઓ.ને પત્ર લખી અભિપ્રાય માગેલ. ડી.ડી.ઓ.એ તેનો નકારમાં પ્રત્યુત્તર આપ્યો હતો. છેલ્લી સામાન્ય સભા ફેબ્રુઆરીના પહેલા અઠવાડીયામાં મળી હતી. લોકડાઉન પૂર્ણ થાય પછી તૂર્ત જ સામાન્ય સભા બોલાવી અટકેલા વિકાસ કામોને આગળ વધારવા પ્રયાસ થશે.

જે સભ્યોના ગ્રાન્ટના કેટલાક કામ વહીવટી મંજુરીના અભાવે અટકયા છે તેમા બેડીના સ્વ. નાનજીભાઈ ડોડીયા, કોટડાસાંગાણીના અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયા, વેરાવળ-શાપરના કુસુમબેન ચૌહાણ, ચરખડીના કિરણબેન આંદીપરા, મોટી પાનેલીના બાલુભાઈ વિંઝુડા અને કંડોરણાના મનોજ બાલધાનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. આ ગ્રાન્ટનો સરવાળો ૫૫ લાખ જેટલો થાય છે. ઉપરાંત પ્રમુખે પોતાની વિવેકાધિન ગ્રાન્ટમાંથી રામોદ, નારણકા અને ખાંડાધાર માટે રૂ. ૬.૨૫ લાખના કામ સૂચવેલ તે પણ અટકેલા પડયા છે. બન્ને પ્રકારના કામ મળીને કુલ ૬૧ લાખ જેટલા થાય છે.

(11:44 am IST)