Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

લોકડાઉનમાં કમાણીનો નવતર કિમીયો!

એક મહિનાથી છપાતા'તા નકલી પાસઃ ૧૭ ઝડપાયા

રાજકોટમાં સતત બીજું કારસ્‍તાનઃ સુત્રધાર સ્‍ટુડિયો સંચાલક સિંધી યુવાનનુ રટણ...શું કરવું? ઘરના ભાડાના પૈસા પણ નહોતાં એટલે આવા ધંધા કરવા પડયા!! : ક્રાઇમ બ્રાંચની કામગીરીઃ પરસાણાનગરમાં રહેતાં અમિત મોટવાણીએ ઝુલેલાલ મંદિર પાસેના પોતાના રાજાવીર સ્‍ટુડિયોમાં ફોટોશોપની મદદથી કલેક્‍ટર તંત્રના લોકડાઉન મુક્‍તિ પાસ છાપવાનું શરૂ કર્યુ હતું: મિત્રો અનિલ મંગવાણી અને પરેશ પંજાબી ગ્રાહકો શોધતાં: કોઇએ પાસ બનાવડાવ્‍યા હોય તો સામેથી પોલીસનો સંપર્ક કરશે તો સાહેદમાં લેવાશે : એક પાસ બનીને પ્રિન્‍ટ નીકળી જાય પછી તરત અમિત તેને ડિલીટ કરી નાંખતો હતો : અમિત એક પાસના ૩૦૦ લેતોઃ અનિલ અને પરેશ આ પાસ ૧૦૦૦ કે ૧૨૦૦માં વેંચી રોકડી કરતાં! : અમિત પાસે સોૈ પહેલા અનિલ નમુનાનો પાસ લઇને આવતાં અમિતે પ્રથમ નકલી પાસ બનાવ્‍યોઃ ત્‍યારબાદ પરેશ પંજાબી કોૈભાંડમાં જોડાયોઃ ઇલેક્‍ટ્રીશીયન, મિષાી, એ.સી.-આર.ઓ. રિપેરર સહિતના ૨૦ જેટલાને પાસ વેંચ્‍યાનું કબુલ્‍યું: પાસ ખરીદનારાઓની પણ ધરપકડ : મહિલા કોલેજ અન્‍ડર બ્રિજ ચોકી ખાતે પીએસઆઇ એચ. બી. ધાંધલ્‍યા, હેડકોન્‍સ. રઘુભા વાળા, પ્રદિપસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, સુભાષભાઇ સહિતની ટીમને બે ઇલેક્‍ટ્રીશીયન યુવાનો પાસે નકલી પાસ હોવાની માહિતી મળતાં કોૈભાંડ ખુલ્‍યું : આરોપીઓના કોરોના ટેસ્‍ટ કરાવવા તજવીજ

નકલી પાસનું કોૈભાંડઃ પરસાણાનગરમાં સ્‍ટુડિયો સંચાલક અમિત મોટવાણીએ લોકડાઉન મુક્‍તિના કલેક્‍ટર તંત્ર તરફથી અપાતા નકલી પાસ બનાવવાનું શરૂ કર્યુ હતું. ક્રાઇમ બ્રાંચે કોૈભાંડ પકડી પાડી કુલ ૧૭ની ધરપકડ રાતોરાત કરી છે. સવારે પીએસઆઇ જોગરાણા અને ટીમ મુખ્‍ય આરોપીઓને સાથે રાખી તેના સિંધી કોલોનીના સ્‍ટુડિયો પર તપાસ કરવા પહોંચી તે દ્રશ્‍યો, ઇન્‍સેટમાં સુત્રધાર અમિત મોટવાણી જોઇ શકાય છે.  જ્‍યારે અન્‍ય તસ્‍વીરમાં માહિતી આપી રહેલા એસીપી જયદિપસિંહ એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ એચ. બી. ધાંધલ્‍યા તથા પીએસઆઇ યુ. બી. જોગરાણા જોઇ અને નીચેની તસ્‍વીરમાં કબ્‍જે થયેલા નકલી પાસ અને નમુનાનો નકલી પાસ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૫: કોરોના સંદર્ભે લોકડાઉનમાંથી મુક્‍તિ આપવા માટેના નકલી પાસ બનાવવાના બે કોૈભાંડ પરમ દિવસે સામે આવતાં બી-ડિવીઝન અને થોરાળા પોલીસે બે ગુના નોંધી ત્રણને દબોચ્‍યા હતાં. ત્‍યાં વધુ એક આવુ કોૈભાંડ સામે આવ્‍યું છે. જેમાં જંકશન પ્‍લોટ પરસાણાનગરમાં રહેતાં અને સિંધી કોલોનીમાં ઝુલેલાલ મંદિર પાસે રાજાવીર સ્‍ટુડિયો નામે ફોટોગ્રાફીનું કામ કરતાં અમિત જયકિશનભાઇ મોટવાણી (ઉ.૨૯) નામના સિંધી શખ્‍સે બે સાગ્રીતો સાથે મળી લોકડાઉન મુક્‍તિના નકલી પાસ પોતાના સ્‍ટુડિયોમાં જ ફોટોશોપની મદદથી બનાવી ઇલેક્‍ટ્રીશીયન, મિષાી સહિતના કારીગરોને વેંચ્‍યા હોવાનું સામે આવતાં ક્રાઇમ બ્રાંચે આ મામલે તપાસ કરી ત્રિપુટી અને તેની પાસેથી નકલી પાસ લેનારા મળી કુલ ૧૭ સામે ગુનો નોંધી રાતોરાત સકંજામાં લીધા છે. ફોટોગ્રાફરે લોકડાઉનમાં ધંધો ઠપ્‍પ થયો હોઇ અને ઘરનું ભાડુ ચડી ગયું હોઇ રોકડી કરવા બે મિત્રો સાથે મળી આવો ગોરખધંધો એકાદ મહિનાથી શરૂ કર્યાનું રટણ કર્યુ છે. તેમજ માત્ર વીસ જેટલા નકલી પાસ જ બનાવ્‍યાનું રટણ કર્યુ છે.

આ કોૈભાંડમાં ક્રાઇમ બ્રાંચના હેડકોન્‍સ. રઘુભા જશુભા વાળાની ફરિયાદ પરથી અમિત જયકિશનભાઇ મોટવાણી (સિંધી)  (ઉ.૨૯-ધંધો સ્‍ટુડિયો, રહે. પરસાણાનગર-૫), પરેશ મંછારામ પંજાબી (સિંધી) (ઉ.૩૬-ધંધો આર. ઓ. રિપેરીંગ, રહે. રેલનગર સાધુ વાસવાણી કુંજ શ્‍યામ બંગલો-૭), અનિલ કનૈયાલાલ મંગવાણી (સિંધી) (ઉ.૪૩-ધંધો વાયરમેન-રહે.  હંસરાજનગર-૩, રાજાવીર ભુવન), જૈકી સંજયભાઇ નાગદેવ (સિંધી) (ઉ.૨૦-ધંધો ઇલેક્‍ટ્રીક કામ-રહે. રેલનગર ડો. હેડગેવાર ટાઉનશીપ બ્‍લોક નં. બી-૫૦૨), સંજય બાબુભાઇ વાસાણી (પટેલ) (ઉ.૩૩-ધંધો ઇલેક્‍ટ્રીક કામ, રહે. મોરબી રોડ મહેશ્વરી પાર્ક મેઇન રડ), નિલેષ મુળજીભાઇ રાઠોડ (કડીયા) (ઉ.૫૪-ધંધો ઇલેક્‍ટ્રીક કામ, રહે. સંતોષીનગર પેટ્રોલ પંપ સામે રેલનગર), જયેશ ઉર્ફ પપ્‍પુ વાસુદેવભાઇ અડવાણી (સિંધી) (ઉ.૪૨-ધંધો એ.સી. રિપેરીંગ, રહે. પોપટપરા રઘુનંદન સોસાયટી-૪), ભરત બાબુભાઇ પરમાર (વાલ્‍મિકી) (ઉ.૩૫-ધંધો વાયરમેન, રહે. રેલનગર લાલબહાદુર શાષાી ટાઉનશીપ મારૂતિ સર્વિસ સ્‍ટેશન પાછળ બ્‍લોક નં. સી-એલ-૧૧), સુનિલ મોરારજીભાઇ માંકડીયા (સિંધી) (ઉ.૪૩-ધંધો વાયરમેન, રહે. પોપટપરા રઘુનંદન સોસાયટી-૧૬), વિક્કી દિલીપભાઇ માકડીયા (ઉ.૨૬-ધંધો ઇલેક્‍ટ્રીશિયન- રહે. રેલનગર-૨ શેરી નં. ૧૦ આસ્‍થા ચોક), હિતેષ ભુપતભાઇ પીઠડીયા (સુથાર) (ઉ.૩૭-ધંધો ફર્નિચર કામ તથા ડીશ ટીવી ફિટીંગ-રહે. રણુજા મંદિર પાછળ પટેલ પાર્ક-૧), ભરત બાબુભાઇ માલવીયા (પટેલ) (ઉ.૨૧- ધંધો આર.ઓ. રિપેરીંગ, રહે. પાળ ગામ તા. લોધીકા), અલ્‍પેશ વેલજીભાઇ સોજીત્રા (પટેલ) (ઉ.૩૧-ધંધો ઇલેક્‍ટ્રીક કામ અને આર.ઓ. પ્‍લાન્‍ટ રિપેરીંગ, રહે. શિવધારા સોસાયટી મોરબી રોડ ઘનશ્‍યામ હેબીટેટ ફલેટ-૧૦૧), મહેશ વાસુદેવભાઇ અડવાણી (સિંધી) (ઉ.૩૫-ધંધો એ.સી. રિપેરીંગ, રહે. પોપટપરા રઘુનંદન સોસાયટી-૪), રામ લાલચંદભાઇ અડવાણી (સિંધી) (ઉ.૩૧-ધંધો એ.સી. રિપેરીંગ,રહે. ગાયકવાડી-૫ જંકશન પ્‍લોટ), નયન વાસુદેવભાઇ અડવાણી (સિંધી) (ઉ.૩૯-ધંધો એ.સી. રિપેરીંગ, રહે. રઘુનંદન સોસાયટી-૪) અને જીજ્ઞેશ મનોજભાઇ અડવાણી (ઉ.૨૫-ધંધો એ.સી. રિપેરીંગ, રહે. ગાયકવાડી-૫, જંકશન પ્‍લોટ) તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૨૬૯, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૬, ૧૧૪ મુજબ કોરોના મહામારી સંદર્ભે લોકોને ઘર બહાર નીકળવાની મનાઇ હોઇ અને અગત્‍યના કામ માટે કલેકટરશ્રીની મંજુરી હોય તેને જ પાસ આપી લોકડાઉન મુક્‍તિ આપવામાં આવી હોઇ તેનો ગેરલાભ ઉઠાવી સ્‍ટુડિયો સંચાલક અમિત મોટવાણીએ મિત્ર અનિલ પાસેથી કોરા પાસની કલર ઝેરોક્ષ મેળવી પોતાના સ્‍ટુડિયોમાં બેસી ફોટો શોપ સીએસ-૨ની મદદથી એડીટીંગ કરી કોરો પાસ બનાવી બાદમાં જે તે વ્‍યક્‍તિનો ફોટો એડ કરી વ્‍હોટ્‍સએપમાં ફરતાં કલેકટરશ્રીના સહી સિક્કાવાળા લખાણોમાંથી કોપી પેસ્‍ટ કરી પાસ પર આ સિક્કા લગાડી ડુપ્‍લીકેટ પાસ બનાવી વેંચવા સબબ ગુનો નોંધ્‍યો છે.

 અન્‍ય તમામે નકલી પાસ ખરીદવા વેંચવામાં ભાગ ભજવ્‍યો હોઇ તમામ સામે ગુનો નોંધી અટકાયતમાં લેવામાં આવ્‍યા છે. ખરીદનારાઓને ખબર હતી કે નકલી પાસ છે છતાં ખરીદ કર્યા હોઇ આ કારણે આ તમામને પણ આરોપી બનાવાયા છે.

રઘુભા વાળાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું તથા હેડકોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા, હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. રાજેશભાઇ બાળા, સુભાષભાઇ, કોન્‍સ. શક્‍તિસિંહ ગોહિલ, શક્‍તિસિંહ ગુમાનસિંહ તથા પીએસઆઇ એચ. એમ. ધાંધલ્‍યા લોકડાઉનની કામગીરી સબબ મહિલા કોલેજ અન્‍ડરબ્રીજ ચોકી ખાતે હતાં ત્‍યારે પ્રશાંત બાબુભાઇ ભેંસાણીયા (ઇલેક્‍ટ્રીશિયન-રહે. હડાળા જીવનધારા સોસાયટી) તથા ભાવેશ નરેન્‍દ્રભાઇ ગોપાલકા (ઇલેક્‍ટ્રીશિયન-રહે. પાણીના ઘોડા પાસે રણછોડનગર) નામના યુવાનો પાસે કલેક્‍ટર કચેરીના સંક્રમણ નિયંત્રણ ફરજ ઉપર એવા લખાણ સાથેના બે પાસ હોઇ આ બાબતે પુછતાછ કરતાં આ પાસ નકલી હોવાનું સામે આવ્‍યું હતું.

આ પાસ બંનેએ થોડા દિવસ પહેલા પરસાણાનગરના અમિત મોટવાણી પાસેથી કઢાવ્‍યાનું અને આ ડુપ્‍લીકેટ હોવાનું કહેતાં જ અમો કાર્યવાહી માટે અમિતના ઘરે પહોંચ્‍યા હતાં. તે ઘરેથી મળી આવતાં સકંજામાં લઇ પુછતાછ કરી હતી. તેણે પોતાના સિંધી કોલોનીમાં આવેલા રાજાવીર સ્‍ટુડિયો ખાતે કોમ્‍પ્‍યુટર, કલર પ્રિન્‍ટર વીથ સ્‍કનેરની મદદથી આ પાસ બનાવ્‍યાનું કબુલ્‍યું હતું.

વિશેષ પુછતાછમાં અમિતે કહ્યું હતું કે પોતાને સોૈ પહેલા મિત્ર અનિલ કનૈયાલાલ મંગવાણીએ કલેક્‍ટર કચેરીનો એક નમુનાનો પાસ આપ્‍યો હતો અને તેમાંથી એક ડુપ્‍લીકેટ પાસ બનાવી આપવાનું કહેતાં તેણે પોતાના સ્‍ટુડિયોમાં બેસી કોમ્‍પ્‍યુટર ફોટોશોપની મદદથી એડીટીંગ કરી કોરો પાસ બનાવ્‍યો હતો. બાદમાં જે તે વ્‍યક્‍તિનો ફોટો પેસ્‍ટ કરી નકલી પાસ ઉભો કર્યો હતો. પાસ પર કલેક્‍ટર કચેરીના સિક્કા, સહીઓ વગેરે કેવી રીતે લગાવ્‍યા? તે અંગે પુછાતાં તેણે કબુલ્‍યું હતું કે કલેક્‍ટર કચેરીની અલગ-અલગ જાહેરાતો સોશિયલ મિડીયામાં ફરતી હોઇ તેમાંથી સહી સિક્કા કોપી પેસ્‍ટ કરી લીધા હતાં અને થોડો આછો સિક્કો બનાવી પાસ પર પેસ્‍ટ કરી દેતો હતો.

આ પછી તેણે રૂા. ૩૦૦ના એક લેખે નકલી પાસ વેંચવાનું શરૂ કર્યુ હતું. આ કામમાં બીજા મિત્ર પરેશ મંછારામ પંજાબી તથા ભરત બાબુભાઇ માલવીયા અને જયેશ વાસુદેવ અડવાણી મારફત વીસ જેટલા નકલી પાસ બનાવીને વેંચ્‍યા હતાં. એકાદ મહિનાથી આવુ કામ શરૂ કર્યાનું રટણ પણ તેણે કર્યુ હતું.  પોલીસે અમિત પછી તેના મિત્ર અનિલ, પરેશ અને બીજા ૧૪ કે જેણે નકલી પાસ ખરીદ કર્યા હતાં એ તમામને દબોચી લીધા હતાં. પકડાયેલા આ તમામ મિષાી, ઇલેક્‍ટ્રીશીયન અને બીજા મજૂરી કામ સાથે જોડાયેલા છે.

એવી પણ પ્રાથમિક વિગતો બહાર આવી છે કે અમિત રૂા. ૩૦૦માં નકલી પાસ બનાવી પરેશને આપતો હતો. પરેશ આ પાસ બીજા બે મિત્રો ભરત અને જયેશ મારફત બીજા લોકોને ૧૦૦૦ કે ૧૨૦૦ રૂપિયામાં વેંચતો હતો. આ રીતે બધા રોકડી કરતાં હતાં. હાલ તો માત્ર વીસ જ પાસ બનાવ્‍યાનું મુખ્‍ય સુત્રધારે રટણ કર્યુ છે. એક પાસ બની જાય પછી તેની પ્રિન્‍ટ કાઢી તુરત જ કોમ્‍પ્‍યુટરમાંથી તેની ઇમેજ ડિલીટ કરી નાંખવામાં આવતી હતી. ઘરનું ભાડુ ભરવાના પણ પૈસા ન હોઇ જેથી આવું કર્યાનું રટણ અમિતે કર્યુ છે. તમામ આરોપીઓના કોરોના ટેસ્‍ટ કરાવવા પણ તજવીજ હાથ ધરાઇ છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્‍યા, પીએસઆઇ યુ.બી. જોગરાણા તથા સમગ્ર ટીમ વિશેષ તપાસ કરે છે. પકડાયેલા સુત્રધાર કે તેના મળતીયાઓ પાસે હજુ પણ કોઇએ નકલી પાસ બનાવ્‍યા હોય તો તેણે સામેથી પોલીસનો સંપર્ક કરવો, તેને પોલીસ સાહેદ બનાવશે. જો પાછળથી પોલીસ તેને પકડશે તો તેને પણ આરોપીના લિસ્‍ટમાં સામેલ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

પાસ ધારકોએ અસલી પાસ સાથે રાખવાના ઝેરોક્ષ કોપી નહિ ચાલે

ફેક્‍ટરી માલિકોએ કારીગરોના લિસ્‍ટ સાથે કર્મચારીનો ફોટો ચોંટાડવો અને સિક્કા પણ લગાવવાના રહેશે

* નકલી પાસનું કોૈભાંડ ઝડપાતાં પોલીસે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ પાસ ધારકો હોય તેણે ફરજીયાત અસલી પાસ સાથે રાખવાનો રહેશે, ઝેરોક્ષ કોપી ચાલશે નહિ. તેમજ ફેક્‍ટરી માલિકોએ પોતાના કામદારોને મંજુરી પત્ર આપ્‍યો હતો અને સાથે કામદારનું લિસ્‍ટ પણ હોય તેમાં જે તે કામદારના નામ સામે તેનો ફોટો લગાડવાનો રહેશે અને સાથે તેમાં જે તે ફેક્‍ટરીના સિક્કા લગાવવાના રહેશે. જેથી કરીને કોઇ નકલી પાસનો ઉપયોગ કરી શકે નહિ.

પોલીસ કમિશનરે લોકડાઉન બંદોબસ્‍ત અને પેટ્રોલીંગમાં રહેલા તમામ અધિકારીઓ, કર્મચરીઓને ખાસ સુચના આપી છે કે બંદોબસ્‍ત દરમિયાન કોઇ પાસવાળા લોકો નીકળે તો તેના પાસ વ્‍યવસ્‍થીત ચેક કરવા તેમજ જો ઝેરોક્ષ બતાવે તો અસલ પાસ મંગાવી ચકાસણી કરવી.

૧૮-બોગસ પાસ, કોમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર, લેમિનેશન મશીન સહિતનો મુદ્દામાલ કબ્‍જે

પોલીસે આ ગુનામાં મુખ્‍ય આરોપી અમિત મોટવાણી પાસેથી ૧૮ નંગ બોગસ પાસ, સ્‍ટુડિયોમાંથી કોમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર વીથ સ્‍કેનર, લેમિનેશન મશીન, ફોટો કોપી કાઢવાના પેપર, બોગસ બનાવટી કોરા પાસ સહિતની ચીજવસ્‍તુ કબ્‍જે કરવામાં આવી છે.

કામગીરી કરનાર અને તપાસ કરનાર ટીમોને પોલીસ કમિશનર તરફથી રોકડ પુરષ્‍કાર

* નકલી પાસ કોૈભાંડમાં દરોડાની કાર્યવાહી કરનાર તેમજ આગળની તપાસ કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમોના પીએસઆઇ તથા સ્‍ટાફને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તરફથી રૂા. ૧૫-૧૫ હજારના ઇનામ આપી કામગીરીને બિરદાવવામાં આવી હતી.

બપોરે બે થી ત્રણ પોલીસ ચેકીંગ પ્રમાણમાં ઓછુ હોય ત્‍યારે સ્‍ટુડિયોમાં ઘુસી નકલી પાસ બનાવી લેતો'તો

* બપોરે બે થી ત્રણ વચ્‍ચેના સમયમાં પોલીસ સ્‍ટાફ જમવામાં રોકાયો હોય અને પ્રમાણમાં ચેકીંગ ઓછુ હોય ત્‍યારે તક જોઇ અમિત સ્‍ટુડિયો ખોલી અંદર ઘુસી જતો હતો અને ફટાફટ કામ પતાવી નીકળી જતો હતો.

 

(3:18 pm IST)