Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

શનિવાર સુધી વાતાવરણ અસ્થિર બનશે એકાદ-બે દિવસ છાંટાછુટી-થંડરસ્ટ્રોમની સંભાવના

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૨ મે સુધીની આગાહી : હાલમાં તાપમાન નોર્મલ (૪૦ - ૪૧ ડિગ્રી) નજીક રહેશે, પણ તા.૨૧-૨૨ ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ જિલ્લાઓમાં પારો એક-બે ડિગ્રી વધશે : સવારે અને હવે સાંજના પણ બફારાનો અહેસાસ થશે

રાજકોટ, તા.૧૫ : છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. પરંતુ તાપ સાથે બફારાનો પણ અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી શનિવાર સુધી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. એકાદ - બે દિવસ છાંટાછુટીની સંભાવના હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે, ઘણા સમયથી મહત્તમ તાપમાન નોર્મલ ૪૦-૪૧ ડિગ્રી આસપાસ રહે છે. ગઈકાલે અમદાવાદમાં ૪૧.૫, અમરેલી - ૪૦.૪, રાજકોટ-૪૦.૭ (આ તમામ નોર્મલ), જયારે ભુજમાં ૩૬.૪ (નોર્મલથી ૩ ડિગ્રી નીચુ) તાપમાન નોંધાયેલ.  એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાનને લાગુ પાકિસ્તાન ઉપર છે. જેનો ટ્રફ ૫.૮ કિ.મી.ની ઉંચાઈએ અને ૬૨ ડિગ્રી ઈસ્ટ ઉપર છે. જયારે બીજુ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ ૩.૧ કિ.મી.ના લેવલે પૂર્વ ઈરાન આસપાસ છવાયેલ છે. જેનો ટ્રફ પશ્ચિમ પાકિસ્તાન અને લાગુ અરબી સમુદ્ર ઉપર છે.  વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલ તા.૧૫ થી ૨૨ મે સુધીની આગાહી કરતાં જણાવે છે કે, તા. ૧૮ (શનિવાર) સુધીમાં એકાદ-બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તેમજ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાત ઉપર ઉપલા લેવલે અસ્થિરતા છે. જેની અસરથી એકાદ-બે દિવસ છાંટાછુટી થંડરસ્ટ્રોમ (ગાજવીજ સાથે પવન)ની સંભાવના છે. જો કે વાવાઝોડુ ન કહેવાય. વંટોળીયા જેવા પવન ફૂંકાશે.

ઉકત આગાહીના દિવસોમાં તાપમાન નોર્મલ નજીક રહેશે પણ તા.૨૧-૨૨ના ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ જિલ્લાઓમાં તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો જોવા મળશે. હાલમાં ૪૦ થી ૪૧ ડિગ્રી તાપમાન રહે છે. જેમાં બે ડિગ્રીનો વધારો થશે.

પવન હાલ પશ્ચિમના છે. જે ૧૭મીથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમના થશે. સવારે ભેજ વધુ રહેશે અને સાંજે ભેજનું પ્રમાણ ગત અઠવાડીયા કરતાં ૫ થી ૧૦% વધુ રહેશે. દિવસ આથમ્યા બાદ પણ ભેજ વધુ રહેતો હોય બફારાનો અનુભવ થશે.

આઈએમડી કહે છે કે

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બંગાળની ખાડીમાં તા.૧૮-૧૯ આસપાસ એડવાન્સમાં અંદમાન નિકોબારમાં પ્રવેશ કરશે. તા.૬ જૂને કેરળમાં પ્રવેશ કરશે. જે નોર્મલ કરતાં મોડુ છે.

(3:34 pm IST)