Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ગોંડલ રોડ પર હ્યુન્ડાઈ શો રૂમના કર્મચારીની આંખમાં મરચુ છાંટી ૬ લાખની રોકડ લૂંટી બે બુકાનીધારી બાઈકસવાર છૂ

ધોળા દિવસે લૂંટની ઘટનાથી સનસનાટીઃ એ-ડિવીઝનના પી.આઈ. વિજય ઓડેદરા સહિતની કાફલો ઘટના સ્થળે દોડી ગયો

રાજકોટઃ ગોંડલ રોડ ઉપર બોમ્બે હોટલ પાસે બેન્કમાં પૈસા જમા કરાવવા જઇ રહેલા હોન્ડાઇ શોરૂમના કર્મચારી દિલીપ ચૌહાણની આંખમાં મરચુ છાંટી બાઇક સ્વાર લુંટારૂએ ૬ લાખની રોકડ ભરેલા થેલાની લુંટ ચલાવ્યાનો બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઉપરોકત તસ્વીરમાં જયાં બનાવ બન્યો તે સ્થળ, બાજુમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, પીઆઇ એચ.એમ.ગઢવી, પીએસઆઇ જાડેજા, ઘનશ્યામસિંહ સહીતનો કર્મચારી દિલીપ ચૌહાણને સાથે રાખી બનાવની હકીકત જાણી હતી અને તેની પુછપરછ કરતા ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૫ :. ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે આજે બપોરે ધોળા દિવસે હ્યુન્ડાઈના શો રૂમના કર્મચારીની આંખમાં મરચુ છાંટી બે બુકાનીધારી બાઈકસવાર શખ્સો છ લાખની રોકડ ભરેલો થેલો લૂંટી છનન થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ હ્યુન્ડાઈના શો રૂમમા નોકરી કરતા દિલીપભાઈ ચૌહાણ નામના કર્મચારી આજે બપોરે શો રૂમમાં આવેલ ૬ લાખની રોકડ રકમ સાથેનો થેલો લઈ એચડીએફસી બેન્કમાં જમા કરાવવા જતા હતા ત્યારે ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે રાજ પાંઉભાજી નજીક બાઈકમા આવેલા બે બુકાનીધારી શખ્સોએ બાઈક આડુ નાખી દિલીપભાઈની આંખમાં મરચુ છાંટી એકટીવાની આગળ ૬ લાખની રોકડ રકમ ભરેલો થેલો લૂંટી નાસી ગયા હતા.

દિલીપભાઈએ દેકારો કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જો કે તે પૂર્વે બન્ને બુકાનીધારી શખ્સો તેનુ કામ પુરૂ કરી છુ થઈ ગયા હતા. બનાવ અંગે એ-ડિવીઝન પોલીસને જાણ કરાતા પી.આઈ. વિજય ઓડેદરા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફુટેજને આધારે બન્ને બુકાનીધારી શખ્સોની શોધખોળ હાથ ધરી છે અને ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.(૨-૨૫)

(4:24 pm IST)