Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મેયર-સ્ટેન્ડિંગ ચેરમેન-ડેપ્યુટી મેયર કોણ? તીવ્રસ્પર્ધા

મ્યુનિ. કોર્પોરેશનના વર્તમાન પદાધિકારીઓની મુદત ૧૪ જુને પુરી થશેઃ મેયર પદે મહિલા અનામતઃ ૧૫ વિવિધ સમિતિના ચેરમેનો બદલાશે

રાજકોટ તા.૧૫: મ્યુનિ. કોર્પોરેશનના પાંચ વર્ષના શાસન પૈકી પ્રથમ અઢી વર્ષની ટર્મમાં સતા ભોગવી રહેલા મેયર,ડેપ્યુટી મેયર,સ્ટે.ચેરમેન તથા ૧૫ સમિતિના ચેરમેન સહિતના તમામ પદાધિકારીઓની મુદત આગામી તા.૧૪ જુનના રોજ પુટી થતી હોવાથી ભાજપમાં પદવાંચ્છુઓ વચ્ચે તીવ્રસ્પર્ધા શરૂ થઇ છે એમા મેયર પદ મહિલા માટે અનામત હોવાની મહિલા કોર્પોરેટરો વચ્ચે રસાકસી જામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મેયર પુર્વપટ્ટામાંથી આવશે કે પશ્ચિમમાંથી, કઇ જ્ઞાતિના હશે, કયા મહિલા કોર્પોરેટરને ભાજપના કયા નેતાનું પીઠબળ છે અને કોણ આગળ નીકળી જશે વગેરે મુદ્દાઓ પર જૂન નજીક દેખાતા શાસક પક્ષમાં ચર્ચાઓ જોર પકડયુ છે બીજી તરફ અંદરોઅંદરની ખેંચતાણ અન જુથબંધી પણ સપાટી ઉપર આવવા માંડી છે અગાઉ હોદ્દાઓ ભોગવી ચૂકેલા સિનિયર કોર્પોરેટરના જૂથના સભ્યો પણ મેયરપદ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના મહત્વના પદો માટે દોડાદોડી કરી રહ્યા છે. સ્પર્ધક દેખાતા કોર્પોરેટરની ખામીઓ, કોની સાથે ઘરોબો રાખે છે વગેરે બાબતો શોધી શોધીને તેની લીટી ટુંકી કરવાના પેંતરા પણ રચાવા માંડ્યા છે.

મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડે.મેયર, દંડક, નેતા, મોટી કમિટીઓના ચેરમેનોમાં કોણ શું કરે છે. તેની ચર્ચા ગાંધીનગર સુધી પહોંચી છે.

૧૪મી જુન મેયર.ડે. મેયરના નામો ભાજપ કાર્યાલયમાંથી આવેલા બંધ કવરમાંથી ખુલશે. ત્યારબાદ સ્ટેન્ડિંગના સભ્યો નક્કી થશે, જેમાંથી ચેરમેન ચૂંટાશે. અન્ય ૧૫ જેટલી સમિતિ પણ મહત્વની ગણાતી કમિટીમાં સ્થાન મેળવવા પડાપડી છે.

મેયર પદ મહિલા અનામત હોય,  જ્ઞાતિ સાથે શિક્ષણ અને વહીવટના અનુભવને પણ ધ્યાનમાં રાખવામાં આવે તેવી શકયતા છે. તો સ્ટે.ચેરમેન પદે લોકસભા અને આવતી કોર્પોરેશનની ચૂંટણી પણ ધ્યાને રાખી અઢી વર્ષ માટે સિનીયર પદાધિકારીનેજ આ જવાબદારી સોંપવામાં આવે તેમ, સુત્રોએ સંકેતો આપ્યા છે.

મેયર ડો.જૈમન ઉપાધ્યાયની અઢી વર્ષની ટર્મ તા.૧૪ જુનના રોજ પુરી થઇ રહી છે. બીજી ટર્મ માટે મહિલા કોર્પોરેટર મુકવાના છે. આ નામોમાંહાલ આગળ રહેલા નામમાંવર્તમાન ડે.મેયર અને વ્યવસાયે ડોકટર એવા બિનવિવાદી અને કુશળ   પદાધિકારી ડો.દર્શિતાબેન શાહનું નામ ચાલી રહ્યું છે. ગત ટર્મમાં પણ મજબુત દાવેદાર ગણાતા અને મેયર ન બની શકેલા બીનાબેન આચાર્યનુંનામ પણ સાથે ચાલે છે. આ સિવાય પાટીદારમાંથી જાગૃતિબેન ધાડીયા તથા ઓબીસી જ્ઞાતિના અંજનાબેન મોરજરીયા નામ આવી રહ્યા છે.

સ્ટે.કમીટીના અઢી વર્ષના પ્રથમ ચેરમેન બનવાની તક પુષ્કર પટેલને મળી છે અને તેઓએ આ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી પણ છે. જોકે હવેની અઢી વર્ષની ટર્મ લોકસભા અને અને અંતે કોર્પોરેશનની ચૂંટણીની પણ છે અને મેયર પદે મહિલા રહેશે તેથી સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પદે વહીવટી પકડ ધરાવતા અનુભવી કોર્પોરેટરને બેસાડાશે આથી હાલમાં સ્ટે.ચેરમેન પદે મનીષ રાડીયા, ઉદય કાનગડ તથા કશ્યપભાઇ શુકલ દાવેદાર હોવાની ચર્ચા છે.

જ્યારે ડે .મેયર પદે વોર્ડ નં.૨ના કોર્પોરેટરો જયમીન ઠાકર, દલસુખભાઇ જાગાણી, તથા રાજુભાઇ અઘેરાને પાર્ટી ખુરશી સોંપી શકે અને શાસક પક્ષ નેતાના મહત્વના પદ માટે બાબુભાઇ આહીર,  અશ્વીન મોલીયા, અશ્વીન ભોરણીયા, મુકેશ રાદડીયા ભાવિ ઉત્સાહી પદાધિકારી સાબિત થઇ શકે તેમ છે. દંડક પદે રાજુભાઇ અઘેરાની જગ્યાએ કોણ આવે છે તેની પણ ચર્ચા થઇ રહી છે.

(4:23 pm IST)