Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ઢેબર રોડ પર ડિમોલીશનઃ ઓટા, છાપરા હટાવાયા

વન વીક વન રોડ અંતર્ગત સેન્ટ્રલ ઝોનની ટાઉનપ્લાનીંગ શાખા દ્વારા ઢેબર ચોકથી દેના બેન્ક ચોક સુધીમાં પાર્કિંગ તથા માર્જિનમાં થયેલા ૧૦ સ્થળોએથી દબાણો તોડી પડાયા

રાજકોટ, તા. ૧૫ :. મ્યુનિ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ઢેબર ચોક, દેના બેન્ક ચોકથી ઢેબર ચોક રોડ પર 'વન વીક વન રોડ' અંતર્ગત વોર્ડ નં. ૭ માં પાર્કિંગ તથા માર્જિનમાં થયેલ દબાણ - ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૧૦ (દસ) સ્થળોએ માર્જિનમાં થયેલ ઓટા, ગ્રીલ તથા છાપરાના દબાણ દૂર કરાવવામાં આવ્યા હતા. તેમજ ન્યુસન્સ (ગંદકી) કરવા બાબતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ૫ આસામીઓને નોટીસ આપવામાં આવેલ છે.

 

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનના ટાઉનપ્લાનીંગ અધિકારી એમ.ડી. સાગઠીયાના જણાવ્યા પ્રમાણે શહેરના ઢેબર ચોકથી દેના બેન્ક સુધીમાં પાર્કિંગ-માર્જિનમાં થયેલ દબાણો દૂર કરાયા હતા. જેમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ - કેબીન, પીજીવીસીએલ સબસ્ટેશન - છાપરૂ, જ્યુબેલી ચેમ્બરના માર્જિન - બે લારી તથા એક ટેબલ, એલ.આઈ.સી. બિલ્ડીંગની સામે - કેબીન, મુતરડીના ખૂણા પર - ઓટા તથા થળા, જ્યુબેલી ગાર્ડનના દરવાજા પર - ઓટા તથા થળા, નવકાર ચેમ્બર - રેલીંગ દૂર, નવકાર ચેમ્બરની બાજુમાં ફુટપાથ - માર્બલનું હનુમાનજીનું મંદિર દૂર કરેલ, પંચનાથ ટી સ્ટોલ - ઓટા, નિર્ભય પાન - ઓટા સહિતના ૧૦ સ્થળોએથી દબાણ હટાવાયા હતા. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા 'વન વીક વન રોડ' અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોનના આસિ. ટાઉન પ્લાનર આઈ.યુ. વસાવા, એસ.એસ. ગુપ્તા, આસિ. એન્જીનીયર વિજય બાબરીયા, ઋષિ ચૌહાણ, એડીશ્નલ આસિ. એન્જીનીયર તુષાર લિંબડીયા, એસ.એફ. કડિયા તથા અન્ય સેન્ટ્રલ ઝોનનો તમામ ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર જીંજાળા તથા તેમનો સ્ટાફ તેમજ દબાણ હટાવ શાખાના અધિકારી બી.બી. જાડેજા તથા તેમનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તથા ફાયરબ્રિગેડ શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાના અધિકારીઓ તથા તેમનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા.(૨-૨૩)

(4:23 pm IST)