Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ગ્રીન લીફના ચોરાયેલ ૪૫ લાખ સાથે ત્રણેય નેપાલી સુરતથી ઝબ્બે

મુખ્ય આરોપીએ ફોન પર બે વખત કરેલ વાતચીતના કારણે પગેરૂ દબાવી ત્રણેયને મુદ્દામાલ સાથે 'દબોચી' લીધા : જયદીપસિંહ સરવૈયા, કાનમીયા સહિતના કાફલાએ સતત રાત ઉજાગરો કરીને શહેર પોલીસની આબરૂ વધારી : ત્રણેય ચોર નેપાલ પહોંચે તે પહેલા ફરીયાદી મંજુનાથ પૂજારી નેપાલ પહોંચી ગયા'તા!!

રાજકોટ, તા. ૧૫ : જામનગર રોડ પર આવેલ હોટલ ગ્રીન લીફ એન્ડ વોટર પાર્કમાંથી રૂપિયા ૪૫ લાખ રોકડા ચોરીને નાસી છૂટેલા નેપાલી બાજી લુહાર ઉર્ફે વિરાજ ભટ્ટ તથા અન્ય બે નેપાલીને આજે બપોરના સુરતથી રાજકોટની ક્રાઈમ બ્રાંચે દિલધડક ઓપરેશન કરીને ઝડપી લેતા રાજકોટ પોલીસની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાવી ગયા છે. ક્રાઈમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયા, ફોજદાર કાનમીયા સહિતની ટીમે રાત - ઉજાગરો કરી ત્રણેય નેપાલીઓનું સાયબર નેટવર્ક દ્વારા પગેરૂ દાબી ૪૫ લાખ રોકડા સાથે ઝડપી લીધા છે.

આ લખાય છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમ તથા ક્રાઈમ બ્રાંચ ''સાવ શાંતિ છે'' તેવી આલબેલ પોકારી રહી છે પરંતુ વાસ્તવમાં ક્રાઈમ બ્રાંચે સતત રજળપાટ કરીને જબરી સફળતા મેળવી છે.

આગલી રાત્રે હોટલ ગ્રીન લીફ એન્ડ વોટર પાર્કમાં થોડા સમયથી ફરી કામે લાગેલા બાજી લુહાર ઉર્ફે વિરાજ ભટ્ટ નેપાલી બે અન્ય નેપાલી છોકરાને કામે રાખવાના છે તેવા બહાના હેઠળ હોટલ ગ્રીન લીફમાં રાત્રી રોકાણ કરાવ્યુ હતું પરંતુ વહેલી સવારે ૨૦૦ થી ૨૫૦ કર્મચારીઓના પગારની રકમ તથા શનિવાર અને રવિવારનો વકરો લઈને નાસી છૂટ્યા હતા.

બાજી ઉર્ફે વિરાજ તથા બે અજાણ્યા નેપાલી શખ્સોએ હોટલના કેસ કાઉન્ટરમાં રાખેલા રૂ.૪૫ લાખ રોકડા કાઉન્ટરનું લોક તોડીને ઉઠાવી જઈને નાસી છૂટ્યો હતો.

બાજી લુહાર હોટલમાં વેઈટર તરીકે કામ કરતો હતો. સવારે હોટલ ગ્રીન લીફ એન્ડ વોટર પાર્કની સમગ્ર દેખભાળ તથા સંચાલન કરતા મુળ બેંગ્લોર જીલ્લાના કનકપુરા તાલુકાના ચીકા મુઢવાપીના ચીકેનાલીના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી ઘંટેશ્વરના રાજપૂત ક્ષત્રિય અગ્રણી ખોડુભા જાડેજાનો વ્યવસાય સંભાળતા મંજૂનાથ પુતાસ્વામી પૂજારી (શેટ્ટી) કેશ કાઉન્ટર તૂટેલુ જોઈને હતપ્રત થઈ ગયા હતા.

મંજૂનાથ પૂજારીએ તુરંત જ હોટલ માલિક ખોડુભા જાડેજાને જાણ કરી સત્વરે ગાંધીગ્રામ - ૨ (યુનિવર્સલ) પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીને ૪૫ લાખની રોકડની ચોરીની જાણ કરી હતી.

આ ઘટનાના ફરીયાદી મંજૂનાથ પૂજારીએ પોલીસ પહોંચે તે પહેલા રોકડની શોધખોળ કરતા ખ્યાલ આવ્યો હતો કે અગાઉ દોઢેક વર્ષ હોટલમાં કામ કરી ગયેલા અને થોડા દિવસથી ફરી કામે લાગેલો વેઈટર બાજી લુહાર ઉર્ફે વિરાજ ભટ્ટ નેપાલી તથા બનાવની રાત્રી તેને ત્યાં રોકાયેલા અન્ય બે નેપાલી શખ્સો ગાયબ છે.

ગ્રીનલીફ હોટલમાંથી રૂપિયા ૪૫ લાખ રોકડાની ચોરી થતા પોલીસ પણ હેબત ખાઈ ગઈ હતી અને તાકીદે ફરીયાદી પાસેથી બાજી લુહાર ઉર્ફે વિરાજના મોબાઈલ નંબર મેળવી ફોનને ઓબ્ઝર્વેશનમાં રાખતા બાજી લુહારે તેના ફોનમાંથી બે ફોન કરી લાંબી વાતો કરી હતી અને બાદમાં ફોન ફરી બંધ કરી દીધો હતો.

બાજી લુહારે ફોન કરતા તેનું લોકેશન સુરતમાં મળતા જ ક્રાઈમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયાએ શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર દિપકકુમાર ભટ્ટી, ડીસીપી શ્રી કરણરાજ વાઘેલા, અડીશ્નલ ડીસીપી શ્રી હર્ષદ મહેતા સાથે આરોપીને ઝડપી લેવાની વ્યૂહરચના ગોઠવી પી.આઇ.ગઢવી તથા ફોજદાર કાનમીયા અને ટીમને સત્વરે દોડાવ્યા હતા.

ફોજદાર કાનમીયા તથા સ્ટાફે એક મિનિટનો પણ વ્યય કર્યા વિના સુરતની વાટ પકડી હતી અને આખી રાતનો ઉજાગરો કરીને આજે બપોરના બાજી લુહાર સહિત ત્રણેય નેપાલી શખ્સોને ૪૫ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.

સંપૂર્ણ મુદ્દામાલ હાથ લાગી જતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો હશે અને ઈડરીયો ગઢ જીત્યાની લાગણી પણ અનુભવી હશે.

એમ કહેવાય છે કે ફોજદાર કાનમીયા અને તેના સફળ જાંબાઝ મદદનીશોએ રાજકોટ ખાતે ઉચ્ચ અધિકારીઓને ફતેહ મેળવ્યાની ખુશખબરી આપીને ત્રણેય નેપાલી ચોર તથા ૪૫ લાખના નગદ નારાયણ સાથે રાજકોટની વાટ પકડી છે.

હોટલ માલિક ખોડુભા જાડેજાના અત્યંત વિશ્વાસુ અને વફાદાર સંચાલક મંજુનાથ પૂજારીની તો ૪૫ લાખની ચોરી સાથે જ ઉંઘ હરામ થઈ ગઈ હતી અને એમ કહેવાય છે કે બાજી લુહારના સંપર્કોની કડી મેળવીને હવાઈ માર્ગે રાતોરાત ફરીયાદી મંજૂનાથ પૂજારી નેપાલ પહોંચી ગયા હતા.

સંપૂર્ણ રોકડ મુદ્દામાલ ૪૫ લાખ સાથે ત્રણેય નેપાલી મળી આવતા મંજૂનાથ જેટલી સ્પીડે ગયા હતા તેનાથી વધુ સ્પીડે પરત આવવા રવાના થયાનું મનાય છે. મોટી રકમ ચોરાઈ જતા જીવ તાળવે ચડી ગયો હતો. પરંતુ દુઃખ કે વિપદા પછીનું સુખ કે શાંતિની પણ મજા કંઈક ઓર હોય છે જેનો મંજૂનાથે અહેસાસ કર્યો હશે.

જો કે આ લખાય છે ત્યારે પણ હજુ મુદ્દામાલ કબ્જે થયાનું અને ત્રણેય આરોપી ઝડપાઈ ગયા અંગે પોલીસ વર્તુળો ભારે ચુપકીદી સેવી રહ્યા છે.(૩૭.૧૫)

'બિચારા' ચોર ૪૫ લાખમાંથી પાંચ - છ હજાર વાપરી શકયા?

રાજકોટ, તા. ૧૫ : ત્રણેય નેપાલી શખ્સો ૪૫ લાખની રોકડ સાથે ઝડપાઈ ગયાની વાત પોલીસ અત્યંત ચીવટતાપૂર્વક ગુપ્ત રાખી રહી છે પરંતુ એવુ જાણવા મળે છે કે અત્યંત સફળતાપૂર્વક મોટા દલ્લો ચોરી ભાગેલા કમનસીબ ત્રણેય નેપાલી ચોરના નસીબમાં માત્ર રૂપિયાના 'દર્શન' કરવાના જ આવ્યા હતા. આ રકમમાંથી જરૂરીયાત પૂરતા ૫ થી ૧૦ હજાર વાપરી શકયા હશે ત્યાં જ ઝડપાઈ ગયા.(૩૭.૧૫)

(4:21 pm IST)