Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ગરમી હજુ હાહાકાર મચાવશેઃ હીટવેવની આગાહી

દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લોપ્રેસર ઉદ્દભવ્યુ, પણ તે સૌરાષ્ટ્ર - ગુજરાતને અસરકર્તા નથી : આજે - કાલે ૪૧ થી ૪૪, ગુરૂ - શુક્ર ૪૨ થી ૪૫ ડિગ્રી (કયાંક - કયાંક હિટવેવ સાથે ગરમીના વિસ્તાર પણ વધશે), શનિ - રવિ- સોમ ૪૧ થી ૪૪ ડિગ્રીની રેન્જ : તા.૨૨થી ગરમીમાં રાહત મળશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલ : પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાશે : કચ્છ- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૯મી સુધી પવનનું જોર રહેશે

રાજકોટ, તા. ૧૫ : સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. પશુ - પંખીઓ પણ બાકાત નથી. લોકોની હાલત દયનીય છે. બપોરના સમયે લોકોને ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા સુચન પણ કરાયુ છે. દરમિયાન ગરમીથી હજુ રાહત મળવાની નથી. એક સપ્તાહ દરમિયાન અમુક દિવસોમાં હિટવેવની પણ આગાહી કરાઈ છે.

જાણીતા વેધરએ નાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે તા.૧૫ થી ૨૨ મે દરમિયાન ગરમીનો માહોલ યથાવત રહેશે. અમુક દિવસે હજુ પણ ગરમી વધશે. તા.૧૫ થી ૨૧ (મંગળ-સોમ) દરમિયાન તા.૧૫, ૧૬ (મંગળ-બુધ) ૪૧ થી ૪૪ ડિગ્રી, તા.૧૭, ૧૮ (ગુરૂ-શુક્ર) ૪૨થી ૪૫ ડિગ્રી (કયાંક - કયાંક હિટવેવ, ગરમીના વિસ્તાર પણ વધશે), તા.૧૯, ૨૦, ૨૧ (શનિ-રવિ-સોમ) ૪૧ થી ૪૪ ડિગ્રી વચ્ચે ગરમીની રેન્જ રહેશે. તા.૨૨ (મંગળ)ના ગરમીમાં રાહત રહેશે. પારો ૪૦ થી ૪૩ ડિગ્રી વચ્ચે જોવા મળશે.

પવનો મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના ફૂંકાશે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તા.૧૯ સુધી પવનનું જોર રહેશે.

દરમિયાન અશોકભાઈ પટેલે ગત આગાહી કરેલી જે મુજબ તા.૧૩-૧૪ના ગરમીમાં આંશિક રાહત જોવા મળી હતી. ગરમ સેન્ટરોના વિસ્તારો પણ ઘટ્યા હતા. અમરેલી ૪૨.૪, રાજકોટ ૪૧.૯, ઈડર ૪૧.૬ ડિગ્રી (જે તમામ નોર્મલથી ૧ ડિગ્રી ઉંચા રહેલ) જયારે કંડલા એરપોર્ટ ૪૩.૧ ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૨ ડિગ્રી એમ બે સેન્ટર ગરમ નોંધાયા હતા. (૩૭.૧૧)

(4:19 pm IST)