Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મેડીકલમાં પૈસાથી પાસ ? કથિત સીડીની તપાસ સમિતિની રચના

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અચ્છે દિનની શિલાન્યાસ વિધિ કરતા પ્રમાણીક કુલપતિ ડો.કમલ ડોડીયા : પ્રમાણીક કુલપતિ ડો.કમલ ડોડીયાનો મેડીકલની ગંદકી સાફ કરવા મહાયજ્ઞઃ સમિતિમાં પણ કોઇની શેહ ન રાખનાર ડો. જતીન ભટ્ટ, ડો.નંદીની દેસાઇ, ડો.નિદત બારોટ અને પ્રતાપસિંહ ચૌહાણનો સમાવેશ : ટુંક સમયમાં કડાકા-ભડાકાઃ વહીવટકારોમાં ફફડાટ

રાજકોટ, તા., ૧પઃ છેલ્લા કેટલાક સમયથી એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૈસાના જોરે કોલેજ મંજુરી, પરીક્ષામાં પાસ, ભરતી સહિતની અનેક ફરીયાદો ઉઠી હતી. પરંતુ કોંગ્રેસ-ભાજપની મીલી ભગતને પરીણામે કોઇ નક્કર પગલા લેવાતા ન હતા. પરંતુ તાજેતરમાં સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજમાંથી એક વિદ્યાર્થી અને એક કર્મચારી વચ્ચે થયેલો વાર્તાલાપ ખુબ ચર્ચાસ્પદ બન્યો છે. ભાજપની વિદ્યાર્થી પાંખ, અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ અને કોંગ્રેસ દ્વારા આ કથીત વિડીયોની સત્યતા ચકાસવા માંગ ઉઠાવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રમાણીક કુલપતિ અને સંઘના ડો.કમલ ડોડીયાએ આ ગંભીર કથીત સીડી અંગે વ્યાપક રજુઆતને અંતે તપાસ સમીતીની રચના કરી છે. તપાસ સમીતીમાં નખશીખ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ડો.જતીન ભટ્ટ, ડો. નંદીનીબેન દેસાઇ, ડો.નિદત બારોટ અને  પ્રતાપસિંહ ચૌહાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કુલપતિ ડો.કમલ ડોડીયા દ્વારા તપાસ સમીતીની રચના થતા જ મેડીકલ ઉપરાંત અન્ય ફેકલ્ટીમાં પૈસાથી કામ કરાવતા વહીવટકારોમાં રીતસર ફફડાટ મચી ગયો છે. આવનારા દિવસોમાં આ તપાસ સમીતી સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની ચર્ચા ચાલી રહી છે.

તપાસ સમીતી દ્વારા આ કથીત વીડીયો શું સાચો છે? વાર્તાલાપ કરનાર કોણ? શું અગાઉ પરીક્ષાનું કામ પૈસા લઇને કરવામાં આવ્યું છે? યુનિવર્સિટીના કોઇ કર્મચારી સંડોવાયા છે કે કેમ? યુનિવર્સિટીમાં કોઇ સેનેટ-સીન્ડીકેટ કે એકેડેમીક કાઉન્સીલ કે કોઇ વહીવટકાર સંડોવાયા છે કે કેમ? સહીતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે.

મેડીકલ ફેકલ્ટીમાં વર્ષોથી એક હથ્થુ શાસન કરનાર તબીબો સામે ભારે રોષ ફેલાયો છે. આ સ્થાનીક તબીબોને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કરતા પૈસાના જોરે વધુ ગુણ મેળવતા હોવાનો વ્યાપક ગણગણાટ કેમ્પસમાં ચાલી રહયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા સિન્ડીકેટ સેનેટ અને ફેકલ્ટીની ચૂંટણીમાં કિંગમેકર તરીકે છેલ્લા ૬ વર્ષથી ઉભરી રહેલા ડો. નિદત બારોટે આજે પ્રમાણિક કુલપતિ ડો. કમલ ડોડીયાને પત્ર પાઠવી જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સી.યુ. શાહ મેડીકલ કોલેજમાં વિદ્યાર્થી અને કોઈ કર્મચારી વચ્ચે થયેલ સંવાદની સીડી વાયરલ થયેલ છે. તબીબી ક્ષેત્રમાં વિદ્યાર્થીને પાસ કરાવવા માટે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય તે અત્યંત ગંભીર બાબત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આ ઘટના તમામની પ્રતિષ્ઠા અને નૈતિકતા સામે પ્રશ્નાર્થ ઉભો કરે છે. હોમીયોપેથીમાં થયેલ કૌભાંડ હજુ જુનુ થયુ નથી ત્યારે તબીબી ક્ષેત્રની મેડીકલ કોલેજમાં આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવી આવશ્યક છે.

કોંગ્રેસના પ્રવકતા ડો. નિદત બારોટે કુલપતિ ડો. કમલ ડોડીયાને વધુમાં રજૂઆત કરી જણાવ્યુ છે કે, આપના તરફથી ઉચ્ચ કક્ષાની સમિતિ નિમવામાં આવે. જરૂર પડયે વિદ્યાર્થીઓને જાહેરમાં અપીલ કરી આ અંગેની વિશેષ જાણકારી મેળવવામાં આવે અને જવાબદારો સામે કડક પગલા લેવામાં આવે તેવી માગણી સાથે સીડી પણ મોકલુ છું જેની ગંભીરતાથી તપાસ કરવા અનુરોધ કરૂ છું.

કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયાને રજૂ થયેલી સીડીમાં વિદ્યાર્થી અને કોઈ કર્મચારી વાર્તાલાપ કરતા હોય છે. જેનો વાર્તાલાપ દ્રશ્યમાન થાય છે. જેમા સુરેન્દ્રનગર જિલ્લાના સી.યુ. શાહ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની એટીકેટીમાં પાસ કરવા માટે ચાર કે છ ગુણ વધારે આપવા માટે રૂ. સવા લાખનો ભાવ લેવાતો હોવાની ચોંકાવનારી હકીકતો વિડીયોમાં દ્રશ્યમાન થાય છે. આ વિડીયોનો વાર્તાલાપ કોલેજમાં જ થયો હોવાનું બહાર આવી રહ્યુ છે.

(4:10 pm IST)