Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કોણ હલાવે લીમડી (ગ્રીલ)?ને કોણ ઝુલાવે... તંત્ર ઝુલાવે!!!

રાજકોટ : શહેરમાં હાલ બ્યુટીફીકેશન માટે રીતસર હોડ ચાલી રહી છે ત્યારે શહેરના હાર્દ એવા રેસકોર્ષ રીંગ રોડ ફરતે જૂની ગ્રીલ (જાળી) કાઢી નવી ગ્રીલ નાખવાનું કામ ચાલી રહ્યુ છે પણ આ કામની પોલ મેયરશ્રીના બંગલાની નજરની સામેની તરફ જ ખુલી પડી ગઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી નખાતી ગ્રીલમાં મોટો ભગો કે પછી લોટ - પાણીને લાકડાની જેમ કામ કરવામાં આવી રહ્યાનું સામે આવ્યુ છે. મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયના રેસકોર્ષ સ્થિત નિવાસસ્થાન મેયર બંગલા સામે નાખવામાં આવેલ નવી ગ્રીલનું ફીટીંગ ઝુલો હોય તેમ કરવામાં આવ્યુ છે. આ ગ્રીલમાં હકીકતે ત્રણ જગ્યાએ નટ-બોલ્ટ ફીટ કરવા પડે છે પણ ફકત વચ્ચેના ભાગે જ નટ-બોલ્ટ ફીટ કરી બાકીના બંને ખુણા ફીટીંગ વગરના રખાતા લોકો ટેકો દેતા રીતસર આગળ - પાછળ ગ્રીલને ધક્કો મારી હીંચકા જેવી અનુભૂતિ કરી શકે છે.

આ ઉપરાંત ગ્રીલના ફાઉન્ડેશનમાં પણ નટબોલ્ટ મારવાને બદલે લાકડાની ફાંચ મારી ''ટેકો'' આપી ફીટીંગનો સંતોષ માની લેવામાં આવ્યો છે સાથોસાથ ગ્રીલમાં લાઈટ ફીટ કરવાનું પણ તંત્ર વિચારી રહ્યાનું જાણવા મળ્યુ છે. પણ પારીમાં કયાંય પણ ઈલેકટ્રીક પોઈન્ટ નજરે પડતા નથી. આવામાં લાઈટીંગ ડેકોરેશન કેવી રીતે શકય બને તે વિચારવા જેવી બાબત છે.

હાલ કોર્પોરેશનના તંત્ર વાહકો વિદેશના પ્રવાસે છે અને ત્યાં વિવિધ પ્રોજેકટો અંગે માહિતી મેળવવાના છે તો તેઓ થોડુ ગ્રીલ ફીટીંગ વિશે પણ જાણીને આવે તો રેસકોર્ષ ગ્રીલની ફીટીંગ સમસ્યા સુલજાવી શકાય તેમ છે!!! (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:02 pm IST)