Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સોનીબજારમાં સમી સાંજે જેતપુર-મુંબઈના બે વેપારીના થેલા ક્રાઈમ બ્રાન્ચના નામે ચેક કરી ૨૧ લાખના દાગીના સેરવી લીધા

જેતપુરના સોની વેપારી જયવંતભાઈ લાઠીગરાની ફરીયાદઃ નકલી પોલીસને શોધવા અસલી પોલીસની દોડધામ

રાજકોટ, તા. ૧૫ ­:. સોનીબજારમાં ચીટર ટોળકીએ મુંબઈ અને જેતપુરના બે સોની વેપારીને રોકી બે બાઈક પર આવેલા ચાર શખ્સોએ ક્રાઈમ બ્રાંચના માણસો હોવાની ઓળખ આપી પોલીસનું ચેકીંગ ચાલુ છે, કહી થેલામાંથી રૂા. ૨૧.૬૬ લાખના દાગીના સેરવી લઈ છેતરપીંડી આચર્યાની ફરીયાદ એ-ડિવીઝન પોલીસ મથકમાં થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર જૂની દેસાઈવાડી અવેડા ચોકમાં રહેતા અને સોનીબજાર મોટા ચોકમાં યમુના જ્વેલર્સ નામની દુકાન ધરાવતા જયવંતભાઈ હરીલાલ લાઠીગરા (ઉ.વ.૬૨)એ ગઈકાલે એ-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, પોતે ગઈકાલે બપોરે જેતપુરથી એસ.ટી. બસમાં રાજકોટ ભૂપેન્દ્ર રોડ પર આવેલ બંસી હોલ માર્કમાં દાગીઓમા હોલ માર્ક કરાવવા માટે નિકળ્યા હતા અને પોતાની પાસે સોનાના ચાર તૈયાર હાર, ચાર પેન્ડલ હતા. જે પોતે થેલામાં એક સ્ટીલની ડબીમાં પેક કરીને રાખ્યા હતા. બાદ સાંજે પોતે રાજકોટ જૂના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે ઉતરી ત્યાંથી રીક્ષામાં ભૂપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિર પાસેની બંસી હોલ માર્ક નામની દુકાને ગયા હતા અને ત્યાં પોતાની પાસેના દાગીનાઓમાં હોલ માર્ક કરાવી અને દાગીના ફરી સ્ટીલની ડબીમાં મુકી થેલામા મુકયા હતા અને ત્યાંથી પોતે ચાલીને દિવાનપરા થઈ મામા સાહેબ મંદિરવાળી શેરીમાંથી સોની બજારમાં સવજીભાઈની શેરીમાં દીપકભાઈ અડીવાળાની દુકાને સોની કામના ઓજાર લેવા માટે ગયા હતા. ઓજારો લઈને ચાલીને સોનીબજાર રીંગ રોડ પરથી હાથીખાના મેઈન રોડ પર આવેલ સિલ્વર માર્કેટમાં સોની કામના ઓજારો લેવામાં જતા હતા ત્યારે દશા શ્રીમાળી હોસ્પીટલ આગળ અભિષેક હોલના દરવાજા પાસે પહોંચતા પોતાને એક શખ્સે તેને રોકી કહ્યુ હતુ કે, 'અમે ક્રાઈમ બ્રાન્ચના માણસો છીએ' તેમ કહી પોતાને સાઈડમાં લઈ ગયા હતા અને ત્યાં બીજા ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરના ત્રણ શખ્સો ઉભા હતા બાદ ત્રણેય શખ્સોએ પોતાને કડક ભાષામાં કહ્યુ હતુ કે, 'હાલ પોલીસનુ ચેકીંગ ચાલુ છે તમારા થેલામાં શું છે ? કંઈ હથીયાર છે ? તેમ કહ્યુ. એક શખ્સે પોતાની પાસેનો થેલો જોવા માટે કહ્યુ હતુ. બાદ પોતે થેલાનો ચેઈન ખોલી તેને બતાવેલ. તે દરમિયાન બીજા શખ્સે પોતાને વાતોમાં વળગાળી બાદ થેલો ચેક કરીને પોતાને પરત આપી દીધો હતો ત્યાર બાદ આ ચાર પૈકી એક શખ્સે પોતાને ચાલીને સિલ્વર માર્કેટ બતાવેલ અને ચારેય બાઈકમાં નાસી ગયા હતા. પોતે સિલ્વર માર્કેટ તરફ જતા હતા ત્યારે પોતાને થેલામાં વજન ઓછો લાગતા થેલામાં જોતા તેમા રાખેલી સ્ટીલની ડબી ગાયબ હતી. ત્યારબાદ પોતે તૂર્ત જ બનાવવાળી જગ્યાએ ગયા ત્યારે ત્યાં ચાર શખ્સો જોવા મળ્યા ન હતા. ત્યારબાદ પોતે સોનીબજારમાં તેના સંબંધી દિપકભાઈ પાટડીયા સાથે એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ કરવા માટે પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં એક અન્ય વ્યકિત પણ બેઠા હતા અને તેનુ નામ કલ્પેશભાઈ સુરેશભાઈ મંડેસા (રહે. મુંબઈ, માહીમ સી-૧૨, ગણેશભવન એપાર્ટમેન્ટ) પણ પોતાના મિત્ર અંકીતભાઈ જૈન બન્ને રાજકોટ ખાતે મુંબઈના કાંદીવલી વેસ્ટ મથુરાદાસ રોડ પર આવેલ રાજ જ્વેલર્સની માલિકીના સોનાના દાગીના સેલ્સ કરવા માટે આવેલા હતા અને બપોરે યુનિવર્સિટી રોડ પર આવેલી ડી. જ્વેલર્સ નામની દુકાને દાગીના વેચવા ગયા હતા ત્યારે તેના માલિક જયેશભાઈ જાણીતા હોય અને તેઓએ એક બ્રેસલેટ હોલ માર્ક કરાવવા માટે આપ્યુ હતું. તેથી કલ્પેશભાઈ ભૂપેન્દ્ર રોડ બંસી હોલ માર્ક દુકાને બ્રેસલેટમાં હોલ માર્ક કરાવી બહાર ભૂપેન્દ્ર રોડ પર જતા હતા ત્યારે આ ચાર શખ્સોએ ક્રાઈમ બ્રાંચના માણસોની ઓળખાણ આપી બાજુની સાંકડી શેરીમાં લઈ જઈ કલ્પેશભાઈ પાસેથી થેલો ચેક કરવાના બહાને લઈ થેલામાંથી ૫૫૦ ગ્રામના સોનાના તૈયાર કડા, નેકલેસ સેટ કાઢી લીધા હતા. આ અંગે ચાર અજાણ્યા શખ્સોએ બે મોટર સાયકલમાં આવી જેતપુરના જયવંતભાઈ લાઠીગરા તથા મુંબઈના કલ્પેશભાઈ મંડેસાને જુદા જુદા સ્થળે ક્રાઈમ બ્રાંચના માણસો હોવાની ઓળખાણ આપી વિશ્વાસમાં લઈ બન્ને વેપારીઓના થેલામાંથી રૂ. ૨૧,૬૬,૦૦૦ના દાગીના સેરવી લઈ છેતરપીંડી આચરી હતી. આ અંગે એ-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ ઓડેદરા તથા રાઈટર રણજીતસિંહ અને વિજયસિંહ તપાસ આદરી છે.

(2:44 pm IST)