Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

પાટીદાર એકતા તોડવા સોશ્યલ મીડિયા દ્વારા નકારો પ્રયાસો : જેરામભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૫ : પાટીદાર સમાજની એકતા વધુ મજબૂત બને અને સમાજની કોઈ વ્યકિતને હેરાનગતિ ન થાય તેવા એકમાત્ર હેતુથી તન - મન અને ધનથી સેવા કરી રહેલા જાહેર જીવનના અગ્રણી અને ઉમિયા માતાજી મંદિર (સિદસર)ના ઉપપ્રમુખ જેરામભાઈ વાસજાળીયાને સોશ્યલ મીડિયામાં બદનામ કરવા માટે થઈ રહેલા પ્રયાસ સામે સમાજમાં ભારે રોષ છવાયો છે. આવા તત્વોને ઉઘાડા પાડવા માટે પોલીસમાં ફરીયાદ પણ કરવામાં આવી હોવાનું આજે સવારે રાજકોટ ખાતે સરકીટ હાઉસમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું.

 

વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી જેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે જેરામભાઈ વાસજાળીયા છેલ્લા ત્રણ દાયકાથી સમાજસેવાનું કાર્ય કરી રહ્યા છે. તેઓ સીદસર ઉમિયાધામ માતાજી ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. ઉપરાંત ધ્રોલ કન્યા છાત્રાલયના પ્રમુખ, જાંબુડા કડવા પટેલ કેળવણી મંડળના પ્રમુખ, સમસ્ત પાટીદાર સંસ્થાના ટ્રસ્ટી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને સરદારધામ સંસ્થામાં ટ્રસ્ટી સહિતની ૧૫ થી ૧૭ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આવા સેવાભાવી જેરામભાઈ વાસજાળીયા સામે પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે.

આજે પત્રકાર પરિષદમાં ખુદ જેરામભાઈ વાસજાળીયાએ કહ્યું હતું કે સારા કામમાં સો વિઘ્ન આવે તે રીતે કેટલાક લોકોએ સોશિયલ મીડીયાનો સહારો લઈને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ સમગ્ર સમાજ જાણે છે કે હું માત્ર સમાજનું સંગઠન વધુ મજબૂત બને તે માટે જ કામ કરૂ છું. મારી સામે સંસ્થા સાથે અને સગા - વ્હાલા સાથે છેતરપીંડી કર્યાનો જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તે તદ્દન મનઘડત છે અને તેમાં સહેજ પણ તથ્ય નથી.

તેમણે કહ્યું હતું કે હું વર્ષોથી સમાજ સેવા કરતો આવ્યો છું અને સારા કાર્યો થકી પ્રતિષ્ઠા મેળવી છે ત્યારે આ પ્રતિષ્ઠા જોઈ ન શકનારા ભુપતભાઈ દલસાણીયા (રહેવાસી ફલ્લા) અને મહેન્દ્રભાઈ ખાંટ નામની વ્યકિતએ સોશિયલ મીડિયામાં અમારી સામે કાદવ ઉછાળવાની હીન પ્રવૃતિ કરી છે.

આ પત્રકાર પરિષદમાં મુળજીભાઈ ભીમાણીએ કહ્યું હતું કે જેરામભાઈ નખશીખ પ્રમાણિક છે અને તેમને બદનામ કરવા માટે કોઈએ પ્રયાસો કર્યા છે. જેરામભાઈએ તો પાટીદારોની ૬ મોટી સંસ્થા ખોડલધામ ટ્રસ્ટ, સીદસર ઉમિયાધામ ટ્રસ્ટ, સમસ્ત પાટીદાર સંસ્થા, ઉંઝા ઉમિયાધામ ટ્રસ્ટ, સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વચ્ચે સંકલન કરવાનું ભગીરથ કાર્ય કર્યુ છે.

પોપટભાઈ કગથરાએ કહ્યું હતું કે સોશ્યલ મીડિયામાં જેરામભાઈ સામે સગાવહાલા સાથે છેતરપીંડી કરી છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે પણ તેમાં તથ્ય નથી અને એક પણ વ્યકિતએ પોતાની સાથે છેતરપીંડી થઈ છે એવુ કહ્યુ નથી. તેમણે સમાજના લોકોને આવા મેસેજથી ગેરમાર્ગે નહિં દોરવવા વિનંતી પણ કરી છે. સોશ્યલ મીડીયામાં આવા મેસેજ વાયરલ કરનારા સામે સખત કાનુની કાર્યવાહી કરવાની માગણી પણ કરી હતી.

આ પત્રકાર પરિષદમાં રમેશભાઈ રાણીપા, વલ્લભભાઈ ભલાણી, જયેશભાઈ પટેલ, નાથાભાઈ કાલરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૩૭.૯)

(12:40 pm IST)