Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ભગવાન શ્રીકૃષ્ણની અનન્ય ભકિતના પાવનકારી પુરૂષોત્તમ અધિકમાસનો મહિમા

અધિકમાસનો પ્રારંભ તા. ૧૬ ને બુધવારે થઇ રહ્યો છે. અધિકમાસ પુરૂષોત્તમ માસ દર ત્રીજા વર્ષે આવતો અધિકમાસ પાવનકારી માસ છે. આપણા ઠાકોરજીને લાડ લડાવવાનો આ પવિત્ર અવસર છે. આમ જોઇએ તો ખગોળ ગણિત મુજબ વર્ષના ૧૨ મહિના ચંદ્રની ગતિ સ્થિતિ મુજબ હોય છે. આ ચંદ્ર વર્ષ કહેવામાં આવે છે. ચંદ્ર વર્ષ ૩૫૪ દિવસ ૮ કલાક ૪૮ મિનિટ અને ૨૪ સેકન્ડનું છે. પશ્ચિમી ગણત્રી મુજબ સૌર વર્ષની લંબાઇ ૩૬૫ દિવસ અને ૬ કલાક ૬ મિનીટ અને ૯ સેકન્ડ છે. આ બંને વચ્ચે દર વર્ષે ૧૦ દિવસ ૨૧ કલાક ૨૦ મિનીટ અને ૪૫ સેકન્ડનો તફાવત પડે છે. સૌર વર્ષ કરતા ચંદ્ર વર્ષ આશરે ૧૧ દિવસ નાનું છે. આથી તહેવારો દર વર્ષે ૧૧ દિવસ પાછળ ખસતા જાય. આથી કદાચ નવરાત્રી કાળક્રમે ઉનાળામાં પણ આવે. આમ ન થાય તે શુભ હેતુથી ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોએ અધિકમાસનું નિર્માણ કરેલ છે. આ અધિકમાસ મનોરથ અને ભકિત ભાવના તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુષ્ઠાનના પાઠ, જલ મંગલના પાઠ અને ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભકિતનો પાવનકારી માસ છે. પુરૂષોત્તમ જે કરે છે તેના પાપ ધોવાય છે, અધિકમાસ સુર્યના સંક્રામણમાં ન હોવાથી સુર્યે તેનો સ્વીકાર કર્યો નહિ.આથી આ માસના કોઇ અધિષ્ઠા દેવ રહ્યા નહિ. બધા આ માસ ને મળ માસ કહેવા લાગ્યા. મળ માસે શ્રી ૮ લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનને દુઃખી થઇને વિષ્ણુ ભગવાનને વાત કરી અને પ્રભુને બે હાથ જોડીને પ્રાર્થના કરી કહે છે કે, હે વિષ્ણુ ભગવાન, હે પ્રભુ, સંસારના માણસો મારો તિરસ્કાર કરે છે. હે દિનાનાથ શ્રી વિષ્ણુ ભગવાન આપતો શરણાગત વત્સલ અને દયાળુ દેવ છો, મારો સ્વીકાર કરી મને અપનાવી લ્યો. શ્રી વિષ્ણુ ભગવાને આ માસ ઉપર કૃપા કરી કૃપાળુ પુરૂષોત્તમ ભગવાને તેનો હાથ જાલ્યો અને કહેવા લાગ્યા. હુ જે ગુણોથી પુરૂષોત્તમ તરીકે જાણીતો છુ, તે બધા ગુણો તને આપુ છુ અને હવે તારૂ નામ પુરૂષોત્તમ માસથી જાણીતું થશે. અધિકમાસ વંદનીય અને પૂજય બનશે. અધિકમાસ આવતી શુકલપક્ષની એકાદશી અને કૃષ્ણપક્ષની એકાદશી સંતાન સુખ આપનારી છે, મોક્ષ આપનારી છે. શ્રી યમુનાજીનો ભાવ ધરાવે છે. અધિક સુખ આપનારી છે. શ્રી યમુનાજી અધિકમાસ ચૈત્ર માસથી આસો મહિના સુધીમાં જ આવે છે. કારતક થી ફાગણ સુધી અધિકમાસ આવતો નથી. પાવનકારી પુરૂષોત્તમ માસમાં ભગવાનને શ્રી કૃષ્ણભગવાન શ્રી હરિને પ્રણામ અને વંદના. પુરૂષોત્તમ ભગવાનને પ્રણામ - વંદના.

શાસ્ત્રી બટુક મહારાજ,

કાળીપાટ ગામના શાસ્ત્રી,

સ્વામિનારાયણ મંદિરના પૂજારી મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(11:47 am IST)