Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

મોરબી રોડના આધુનિક કોમ્યુ. હોલમાં તાકિદે કોવિડ સેન્ટર-મેડિકલ સેવા ઉભી કરો

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને કોંગી અગ્રણી ઠાકરશીભાઇ ગજેરા દ્વારા મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત

રાજકોટ, તા. ,૧પ :  વર્તમાન કોરોનાં મહામારીની સ્થિતિને ધ્યાને લઇ શહેરના વોર્ડ નં. ૪ મોરબી રોડ, જુના જકાતનાકા પાસે, આવેલ આધુનિક સુવિધાથી સજજ કોમ્યુનિટી હોલને કોવિડ સેન્ટરમાં ફેરવી તાત્કાલીક મેડીકલ સુવિધા ઉભી કરવા પુર્વ વિપક્ષી નેતા અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા કોંગી અગ્રણી ઠાકરશીભાઇ ગજેરાએ મ્યુ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આ અંગે ગાયત્રીબા અને ઠાકરશીભાઇ એ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અને રાજયમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે. સમયસર અને અપૂરતી સારવાર દવાનો અભાવ, રેમડેસીવીર ઇન્જેકશનની તંગી, આધુનિક કોવિડ સેન્ટરો અને પુરતી સંખ્યામાં બેડનાં અભાવે શહેરમાં લોકોનાં મૃત્યુ થઇ રહ્યા છે. તંત્ર અને સરકારનાં પુરતાં સમયગાળા દરમ્યાન અસરકારક આયોજનનાં અભાવે નિર્દોષ પ્રજા રોગચાળાનાં ખપ્પરમાં હોમાઇ રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં ગાયત્રીબા અને ઠાકરશીભાઇએ જણાવ્યું હતુ કે સામાન્ય માણસને પરવડી શકે તે પ્રકારની મેડીકલ સુવિધા મ.ન.પા. દ્વારા ઉભી કરવી જોઇએ. તાજેતરમાં જ વોર્ડ  નં. ૪ માં મોરબી રોડ ઉપર અતિઆધુનીક સુવિધા સાથેનું કોમ્યુનીટી હોલ બનાવવામાં આવ્યો છે. આ હોલના ગ્રાઉન્ડ ફલોર ઉપર ટેસ્ટીંગની પ્રક્રિયા થાય છે. પરંતુ હોલના ઉપરના બન્ને માળ ખાલી છે ત્યારે આ હોલને જો મનપા દ્વારા કોવીડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવે તો લોકોને સારી સુવિધા પ્રાપ્ત થઇ શકે તેમ છે.  અંતમાં ગાયત્રીબા અને ઠાકરશીભાઇ મનપાના શાસકો એસી ઓફીસમાંથી બહાર નીકળી આ પ્રકારની કામગીરીના પ્રયાસો કરે. અને આ મહામારીમાં લોકોને સારી સુવિધા પ્રાપ્ત થાય તે બાબતે તાત્કાલીક પગલાઓ ભરે એવી માંગ કરવામાં આવી છે.

(4:03 pm IST)