Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

'મદદ'ના નામે 'મલાઇ' તારવવાનો મયુર ગોસાઇ અને સંજય ગોસ્વામીનો ભૂંડો પ્લાન ઉંધો વળ્યો

ચોટીલાના સાધુએ મદદ માંગી'તી કે મારા સગા કોવિડમાં છે તેનું ધ્યાન રાખજો...પણ આ બંનેએ તો આ'ને રૂપિયા રળવાની તક સમજી લીધી! : પ્ર.નગર પોલીસે અરજીને આધારે શરૂ કરેલી તપાસમાં ચોંકાવનારૂ શરમજનક સત્ય સામે આવતાં જ ગુનો નોંધી મયુરને દબોચ્યોઃ ભાજપ આગેવાન સંજયની શોધખોળઃ કાવત્રુ, ઠગાઇ સહિતની કલમો હેઠળ કાર્યવાહી : પૈસા મળે તો બધુ કરાય...સંજય ડોકટરનો સ્વાંગ રચી બેઠો, પણ કાયદાનું ઇન્જેકશન ખાવાની વેળા આવી : મયુર ચોટીલામાં ઇમિટેશન જ્વેલરી વેંચતો હોઇ ત્યાંના સાધુ ઓળખતા હોઇ તેમની ભલામણ આવી અને સંજય સાથે મળી ઇન્જેકશનના નામે ૪૫ હજાર દર્દીના સગા પાસેથી પડાવવા કાવત્રુ ઘડ્યું'તું

રાજકોટ તા. ૧૫: સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ મહિલા દર્દીના સગાને મદદ કરવા માટે ચોટીલાના સાધુએ ચોટીલામાં ઇમિટેશન જ્વેલરીની દૂકાન ધરાવતાં અને રાજકોટ રેલનગર સ્ટાર રેસિડેન્સીમાં રહેતાં મયુર હસમુખભાઇ ગોસાઇ (ઉ.વ.૨૭)ને તે સિવિલમાં કોન્ટેકટ ધરાવતો હોઇ મદદ કરવાનું કહેતાં મયુરે મદદ કરવાને બદલે 'મલાઇ' તારવવાના ઇરાદે સિવિલમાં જ બેઠક ધરાવતાં ભાજપ આગેવાન સંજય બચુગીરી ગોસ્વામી સાથે મળી દર્દીને ટોસિલિઝુબેમ ઇન્જેકશન આપવા પડ્યા છે, અમે અપાવી દીધા છે...કહી રૂ. ૪૫ હજાર દર્દીના સગા પાસેથી પડાવી લેવાનો ભૂંડો પ્લાન ઘડ્યો હતો. પણ દર્દીના સગાની શંકા ઉપજતાં પોલીસમાં અરજી કરતાં પ્ર.નગર પોલીસે અરજીની તપાસ કરતાં ચોંકાવનારી અને શરમજનક વિગતો ખુલતાં તુરત ગુનો નોંધી મયુરને દબોચી લીધો છે અને ભાગી ગયેલા સંજયની શોધખોળ હાથ ધરી છે. સેવાના ભેખધારીની છાપ ઉભી કરનારા સંજયએ આ વખતે ડોકટરનો સ્વાંગ રચ્યો હતો, પણ દાવ ઉલ્ટો પડી ગયો હતો અને કાયદાનું ઇન્જેકશન ખાવાની વેળા આવી હતી.

આ બનાવમાં પોલીસે લક્ષ્મીવાડી-૧૫ 'દેવછા' નામના મકાનમાં રહેતાં ૭૦ વર્ષના જેન્તીભાઇ ત્રિભોવનભાઇ શીશાંગીયા નામના વૃધ્ધની ફરિયાદ પરથી મયુર ગોસાઇ અને ડોકટર તરીકે ઓળખ આપનાર સંજય બચુગીરી ગોસ્વામી સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી, ૧૭૦ મુજબ ગુનો નોંધ્યો છે. જેન્તીભાઇએ ફરિયાદમાં લખાવ્યું છે કે મારા ભાણેજ ઉર્મિલાબેન કોરોના પોઝિટિવ હોઇ તેને સિવિલ હોસ્પિટલમાં ૮/૪ના દાખલ કરવામાં આવી છે. તા. ૮થી તા. ૧૨ સુધીના સારવારના સમયગાળામાં મયુર તથા મયુર સાથે ફોનમાં વાત કરનાર અને પોતાને ડોકટર તરીકે ઓળખાવનાર શખ્સે અમને કહેલુ કે તમારા ભાણેજને ટોસિલિઝુમેબ ઇન્જેકશન આપવાની જરૂરીયાત ઉભી થઇ છે.

આથી અમે આ ઇન્જેકશન શોધવા પ્રયાસ શરૂ કર્યા હતાં ત્યાં મયુર અને ડોકટર તરીકે ઓળખ આપનારે પોતે જ ઇન્જેકશન બહારથી મંગાવી આપશે તેમ કહ્યું હતું. એ પછી આ ઇન્જેકશન દર્દીને અપાઇ ગયું છે અને તેના રૂ. ૪૫ હજાર થયા છે તેવું કહી આ રકમ અમારી પાસે માંગી હતી. પરંતુ ઇન્જેકશન અમારા દર્દીને ખરેખર અપાયુ જ નથી છતાં પૈસા માંગવામાં આવી રહ્યા છે તેવી શંકા ઉપજતાં અમે તપાસ કરાવી હતી અને તેમાં કંઇક ખોટુ હોવાનું જણાતાં અમે પોલીસમાં અરજી કરી હતી. અંતે મયુર અને ડોકટરનો સ્વાંગ રચનાર બંને સામે કાવત્રુ રચી વિશ્વાસઘાત, ઠગાઇ કરવાની કોશિષ કરવાનો ગુનો નોંધાવ્યો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ ડી. કે. પટેલ, એએસઆઇ સંજયભાઇ દવે, હેડકોન્સ. જનકભાઇ કુગશીયા, દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. હરેશભાઇ કુકડીયા, અશોકભાઇ હુંબલ, અક્ષયભાઇ ડાંગર, મહાવીરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ સહિતે ગુનો નોંધી મયુર ગોસાઇની ધરપકડ કરી લીધી છે.

મયુરે પુછતાછમાં કહ્યું હતું કે પોતાને ચોટીલામાં દુકાન હોઇ અને પોતે રાજકોટ સિવિલમાં સંજય ગોસ્વામી સાથે બેઠક ધરાવતો હોઇ જેથી ચોટીલાના સાધુ કે જે  જેન્તીભાઇ શીશાંગીયાના પરિચીત છે એ સાધુએ અમને જેન્તીભાઇના ભાણેજ કોવિડમાં દાખલ હોઇ મદદ કરવા ભલામણ કરી હતી. એ પછી મેં અને સંજય ગોસ્વામીએ મળી છેતરપીંડીથી પૈસા મેળવવા પ્લાન ઘડ્યો હતો. જેમાં સંજય ગોસ્વામીએ પોતે ડોકટર છે તેવી ઓળખ આપી હતી.

સંજય પરમ દિવસથી પોતાનો ફોન બંધ કરી ગાયબ થઇ ગયેલ છે અને ઘરે પણ મળી આવ્યો ન હોઇ પોલીસે તેની શોધખોળ યથાવત રાખી છે.

(12:48 pm IST)
  • જામનગર કલેકટરની લોકોને ગંભીર અપીલ : લોકો મહેરબાની કરીને કોરોનાનો પ્રોટોકોલ અનુસરે, અન્યથા કોરોનાની ટ્રીટમેન્ટ નહિ થઈ શકે : હોસ્પિટલના ડોકટરોએ છેલ્લા 8 - 9 દિવસથી આરામ પણ નથી કર્યો : કોવિડ હોસ્પિટલની હાલત પણ ખૂબ ગંભીર બની છે access_time 11:57 pm IST

  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ભયજનક સપાટીએ : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 698 અને ગ્રામ્યના 64 કેસ સાથે કુલ અધધધ 762 રેકર્ડબ્રેક નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો ભયભીત access_time 7:41 pm IST

  • દિલ્હીમાં પણ વીક એન્ડ કર્ફયુની જાહેરાત કરતી કેજરીવાલ સરકાર કોરોનાના બેફામ કેસો વધતા કેજરીવાલ સરકારે વીક એન્ડ કર્ફયુની જાહેરાત કરતાં કહ્નાં છે કે વીક એન્ડમાં જીમ, મોલ, સ્પા બંધ રહેશે : લગ્ન પ્રસંગ માટે પાસ ઈસ્યુ કરવામાં આવશે : શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધીનો કર્ફયુ લાદી દેવાયો છે access_time 1:19 pm IST