Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

'હું એકલો જ નકલી લર્નિંગ લાયસન્સ બનાવતો'તો...': હેમાંશુ વાળાની કબુલાત પોલીસને ગળે ઉતરતી નથી

બે વર્ષમાં ખાલી ૩૦ નકલી લાયસન્સ બનાવ્યાનું રટણ પણ સાચુ જણાતું નથી : ૧૮મી સુધી રિમાન્ડ પર રહેલા એજન્ટને સાથે રાખી આરટીઓમાં તપાસઃ અંદરના કોઇકની સંડોવણીની દ્રઢ શંકા

રાજકોટ તા. ૧૫: આરટીઓ કચેરી પાસે જ માધવ એજન્સી નામે આરટીઓ એજન્ટની ઓફિસ ધરાવતો મનહર સોસાયટી-૬માં રહેતો મોચી શખ્સ હેમાંશુ હસમુખભાઇ વાળા (ઉ.૨૬) બોગસ લર્નિંગ  લાયસન્સ તેમજ હેવી લાયસન્સ માટે બોગસ સર્ટિફિકેટ બનાવી આપતો હોઇ ગુનો નોંધી એસઓજીએ તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં ૧૮મી સુધીના રિમાન્ડ મંજુર થયા છે. તેણે પોલીસની પુછતાછમાં પોતે એકલો જ નકલી લાયસન્સ બનાવતો હોવાનું રટણ ચાલુ રાખ્યું છે. જો કે પોલીસને તેની આ કબુલાત ગળે ઉતરતી ન હોઇ આરટીઓ કચેરીના અંદરના કોઇકની સંડોવણીની દ્રઢ શંકા ઉપજતાં આજે હેમાંશુને સાથે રાખી આરટીઓમાં તપાસ કરવામાં આવશે.

એસઓજીએ હેમાંશુ સામે આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં આ શખ્સ અઢી વર્ષથી કલર સ્કેનર-પ્રિન્ટરની મદદથી નકલી લર્નિંગ લાયસન્સ રૂ. ૧૦ હજાર લઇને બનાવી આપતો હોવાનું કબુલ્યું હતું. તેમજ હેવી વ્હીકલ માટેના લાયસન્સમાં જરૂરી સર્ટિફિકેટ પણ પૈસા લઇને નકલી ઉભા કરી દેતો હોવાનું કહ્યું હતું. પોલીસ સમક્ષ હેમાંશુએ અત્યાર સુધીમાં માત્ર ત્રીસ જ નકલી લર્નિંગ લાયસન્સ બનાવ્યાનું રટણ કર્યુ છે. પરંતુ પોલીસને લાગે છે કે વધુ સંખ્યામાં આવા લાયસન્સ બનાવ્યા હશે.

હેમાંશુની ઓફિસમાંથી લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, કલર સ્કેનર, સીપીયુ, એક પેનડ્રાઇવ (જેમાં તમામ દસ્તાવેજની સોફટ કોપી છે), મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ શખ્સ સ્કેનર વડે એડિટીંગ કરેલા આધાર કાર્ડ, જન્મના દાખલા, મરણના દાખલા, ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એક જ નંબરની પરંતુ નામ વગરની અલગ-અલગ ત્રણ માર્કશીટ તથા અન્ય બે માર્કશીટ  તેમજ રાજકોટ જીલ્લા શહેરની અલગ-અલગ સ્કૂલોના છાત્રોના નામ, સરનામા વગરના સ્કૂલના સહી સિક્કાવાળા બોગસ તરીકે ઉપયોગમાં લેવા માટેના સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટનો ઉપયોગ નકલી લાયસન્સ અને નકલી સર્ટિફિકેટ બનાવવામાં કરતો હતો. ધોરણ-૮ પાસ ન હોય તેવા ગ્રાહકો ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા આવે તો તેને પૈસા લઇ આઠ પાસનું નકલી સર્ટિફિકેટ કાઢી આપતો હતો. આવા દાખલા પરથી લાયસન્સ મેળવી ચુકેલા શખ્સો વિશે પણ પોલીસ તપાસ કરશે. આરટીઓના અંદરના કોઇકની મીલભગત હોવાની શંકાએ હેમાંશુને સાથે રાખી સંભવતઃ બપોર બાદ એસઓજીની ટીમ આરટીઓ ખાતે પહોંચી તપાસ કરશે.

હેમાંશુના અદાલતે ૧૮મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હોઇ પી.આઇ. આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ખાચર, પીએસઆઇ એચ. એમ. રાણા, વિજયભાઇ શુકલા , મનરૂપગીરી, ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. જયંતિગીરી, ગિરીરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ચુડાસમા, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ તપાસ કરે છે.

(3:43 pm IST)