Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

આજે બપોર બાદ છુટા છવાયા સ્થળોએ કમોસમી વરસાદની શકયતાઃ કાલે વાતાવરણ ચોખ્ખુ થઈ જશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સવારે ચોમાસા જેવું વાતાવરણઃ વાદળો છવાયા

રાજકોટ,તા.૧૫: છેલ્લા બે સપ્તાહથી ઉનાળાનો આકરો મીજાજ જોવા મળી રહ્યો છે. રાજયના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીની નીચે જોવા મળતો નથી. દરમિયાન ગઈકાલથી રાજયના કેટલાક શહેરોમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. દક્ષ્ણિ ગુજરાતમાં એકાદ બે શહેરોમાં કમોસમી વરસાદ પડયો હતો.

હવમાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાંથી આવતું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. જેનો દક્ષિણ તરફ ઝુકાવ વધુ છે. જેની અસરથી ભેજનું પ્રમાણ પણ વધુ છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતના કોઈ- કોઈ સ્થળોએ આજે કમોસમી વરસાદની સંભાવના છે. આકાશમાં વાદળો પણ છવાયેલા જોવા મળે છે. ભેજના વધારે પ્રમાણના લીધે બપોર બાદ કોઈ- કોઈ સ્થળોએ કમોસમી વરસાદની શકયતા વધારે છે. આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ થઈ જવાની સંભાવના છે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ છેલ્લા બે દિવસથી આકરા તાપથી રાહત મળીયો છે. આજે સવારથી વાદળો છવાઈ ગયા છે. વાદળોની સાથે ૧૮ થી ૨૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાઈ રહ્યા છે. જાણે ચોમાસાની ઋતુ હોય તેવું વાતાવરણ જોવા મળે છે.

(3:46 pm IST)