Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

રાજકોટ યાર્ડ દ્વારા શહિદો માટે એકત્રીત કરાયેલ ૧૪ લાખનો ફાળો કાલે કલેકટરને અર્પણ કરાશે

શ્રધ્ધાંજલી રૂપે ધંધા-રોજગાર બંધ રાખવાને બદલે ચાલુ રાખી એક દિ'ની આવક શહીદોના પરીવારોને અર્પીત કરાઇ : યાર્ડના વેપારીઓ, મજુરોએ એક દિવસની તથા કર્મચારીઓએ બે દિવસનો પગાર અને યાર્ડે એક દિ'ની સેસની રકમ શહિદોના પરીવારોને આપવાનું નક્કી કર્યુ'તું

રાજકોટ, તા., ૧પઃ પુલવાના આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોના પરીવારોને મદદ માટે રાજકોટ યાર્ડ દ્વારા એકત્રીત કરાયેલ ૧૪ લાખનો ફાળો આવતીકાલે અર્પણ કરાશે.

રાજકોટ યાર્ડના વેપારીઓ, મજુરો અને કર્મચારીઓએ સમાજને એક નવો રાહ ચિંધી શહીદોને શ્રધ્ધાંજલી આપવા માટે પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાને બદલે ચાલુ રાખી એક દિવસની જે આવક થાય તે શહીદ પરીવારોને આપવાનું નક્કી કરાયું હતું. આ ફંડમાં તમામ વેપારીઓ, મજુર ભાઇઓએ પોતાની એક દિવસની આવક અર્પણ કરી હતી. જયારે યાર્ડના કર્મચારીઓએ બે દિવસનો પગાર અને માર્કેટ યાર્ડ તરફથી એક દિવસની સેસની આવક સહીત કુલ ૧૪ લાખનો ફાળો એકત્રીત કરાયો હતો. આ ફાળો આવતીકાલે ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં કલેકટરશ્રીને અર્પણ કરવામાં આવશે.

આ કાર્યમાં માર્કેૈટ યાર્ડના ચેેરમેન ડી.કે.સખીયા, વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, સેક્રેટરી તેજાણી, દલાલ મંડળના ઉપપ્રમુખ કિશોરભાઇ દોંગા, શરાફી સહકારી મંડળીના પ્રમુખ અમીતભાઇ બારસીયા તથા કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીનો સહકાર મળ્યો હતો.

(3:56 pm IST)