Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

હથિયાર-કાર્ટીઝ સાથે વધુ બે શખ્સોને દબોચી લેતી ક્રાઇમ બ્રાંચ

ક્રાઇમ બ્રાંચની ટીમે માધાપર બસ સ્ટોપ પાસેથી છગનલાલ ઉર્ફે સુનિલ અને જામનગર બાયપાસ પાસેથી કરશન રંગપરાને ઝડપી લીધાઃ કુલ ૧૮ હથિયાર કબ્જે

હથિયાર સાથે પકડાયેલા બે શખ્સો નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧પ :.. મુળીના વગડીયાના  ચા ના ધંધાર્થી વિપુલ ભરવાડને ક્રાઇમ બ્રાંચે ત્રણ પિસ્તોલ સાથે પકડયા બે શખ્સોના નામ ખુલતા ક્રાઇમ બ્રાંચની ટીમે બે શખ્સોને પકડી તેની પાસેથી વધુ બે હથિયાર કબ્જે કર્યા છે.

મળતી વિગત મુજબ શહેર ક્રાઇમ બ્રાંચે દસ દિવસ પહેલા મુળીના વગડીયા ગામના  ચાની હોટલ ધરાવતા વિપુલ વેલાભાઇ ચાનીયા (ઉ.રપ) ને ત્રણ હથિયાર અને દસ કાર્ટીઝ સાથે  પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા તેણે આ હથીયાર સોનગઢના કરશન રંગપરા અને જામનગરના છગનલાલ ઉર્ફે સુનીલનું નામ ખુલતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમીશનર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી ઝોન-૧ ના રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-ર ના મનોહરસિંહ જાડેજાની સુચના થી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, હેડ કોન્સ. જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી, ભરતભાઇ વનાણી, સંજયભાઇ રૂપાપરા, યુવરાજસિંહ ઝાલા, અને પ્રદિપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે મયુરભાઇ પટેલ, યુવરાજસિંહ અને પ્રદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે છગનલાલ ઉર્ફે સુનિલ બહાદુરભાઇ ભુરીયા  (ઉ.૪ર) (આદીવાસી) (રહે. જામનગર એરપોર્ટ રોડની બાજુમાં રામાપીર મંદિરની બાજુમાં આર. ટી. ઓ.ના બીલ્ડીંગમાં) મુળ કોકાવદર તા. રોતલા જી. જાંબવા) ને જામનગર રોડ માધાપર બસ સ્ટોપ પાસેથી બાર બોરના દેશી કટ્ટા સાથે પકડી લીધો હતો. અને કરશન ગોવિંદભાઇ રંગપરા (રહે. સોનગઢ તા. થાન) ને અમદાવાદ હાઇવે જામનગર બાયપાસ પાસેથી દેશી બનાવટની એક પીસ્તલ અને પાંચ જીવતા કાર્ટીઝ સાથે પકડી લીધો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી કુલ રૂ. ર૧૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે ગત તા. ૧૬-ર ના રોજ ક્રાઇમ બ્રાંચે નેહરૂનગરમાં અલ્લાઉદીનભાઇ ઘર ઉપર ફાયરીંગ કરી હત્યાના પ્રયાસના ગુનામાં વસીમ જુસબ દલવાણીને બે હથીયાર સાથે ઝડપી લીધો હતો.

તેની પુછપરછ દરમ્યાન શિવા નામના શખ્સનું નામ ખુલતા મધ્ય પ્રદેશના શિવમ ઉર્ફે શિવો ઇન્દરસિંગ ડામોરને ૧૧ પિસ્ટલ અને તમંચા સાથે ઝડપી લીધા બાદ તેની પુછપરછ દરમ્યાન વિપુલ વેલાભાઇ સાનીયા (ભરવાડ) ને ત્રણ હથીયાર અને ૧૦ કાર્ટીઝ સાથે ઝડપી લીધો હતો. આમ પોલીસે કુલ ૧૮ હથીયાર કબ્જે કર્યા હતાં.

(3:56 pm IST)