Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

હત્યારાઓએ કહ્યું-મહેશ અમને ત્રણ મહિનાથી પગાર નહોતો દેતો અને જમવાના પૈસા પણ નહોતો દેતો એટલે મારી નાંખ્યો

રોણકી પાસે માધવન પાર્ટી પ્લોટમાં કોળી યુવાનની હત્યા કરી ભાગેલા ૪ને ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનથી દબોચ્યા : રાડો ન પાડે એટલે મોઢામાં કપડાથી ડૂચો દીધો,પાઇપથી હાથ-પગ ભાંગી નાંખ્યા...છતાં ઉભો થઇ પાછળ ન આવે એટલે પીલોર સાથે બાંધી દઇ મહેશનું પર્સ-મોબાઇલ પણ લેતા ગયા'તાઃ લૂંટની કલમનો ઉમેરોઃ રિક્ષામાં ગ્રીનલેન્ડ ચોકડીએ જઇ ત્યાંથી ઇકો કારમાં બેસી ગયા'તા : રાજસ્થાનના બાંસવાડાનું ફુલવા ગામ ૭ કિમીના વિસ્તારમાં ફેલાયેલુ હોઇ ચારેયને શોધવા પોલીસને વેશપલ્ટો કરવો પડ્યો

હત્યાના આરોપી ઝડપાયા તેની માહિતી આપી રહેલા પોલીસ અધિકારીઓ અને પાછળ કામગીરી કરનાર ટીમ તથા ઝડપાયેલા ચારેય શખ્સો (રાઉન્ડ કર્યા છે) સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ અને ઇન્સેટમાં જેની હત્યા થઇ હતી તે મહેશ કોળીનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવાના રસ્તે રોણકી પાસે માધવન પાર્ટી પ્લોટમાં રહેતાં અને મંડપ સર્વિસનું સંચાલન સંભાળતા મુળ ચોટીલાના દેવપરાના મહેશ રમેશભાઇ ઓળકીયા (ઉ.૨૫)ની ક્રુર હત્યા કરી અગાસીના પિલોર સાથે બાંધી દેવાયેલી લાશ મળી હતી. આ હત્યા તેની સાથે જ કામ કરતાં મુળ રાજસ્થાનના ચાર શખ્સોએ કર્યાની અને આ ચારેય વતન ભાગી ગયાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમે પગેરૂ દબાવી રાજસ્થાનના બાંસવાડા પંથકમાંથી ચારેયને દબોચી લીધા છે. આજે પોલીસ કમિશનર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચારેયએ એવી કબુલાત આપી હતી કે, 'મહેશે અમને ત્રણ મહિનાથી પગાર નહોતો આપ્યો અને જમવાના પૈસા પણ આપતો નહોતો, અમારે ૧ લાખ ૭૦ હજાર લેવાના થતાં હતાં. તે સતત બહાના બતાવી પૈસા ચુકવતો ન હોઇ ખાર ચડતાં અમે મારી નાંખ્યો હતો.'

હત્યા થયા બાદ ડીસીબીની અલગ-અલગ ટુકડીઓએ મંડપ સર્વિસનું કામ કરતાં શખ્સોને ચેક કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. એ દરમિયાન પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, સહિતની ટૂકડીને માહિતી મળી હતી કે હત્યા કરીને ભાગેલા ચારેય રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના વતની છે. આથી ટીમ ત્યાં રવાના થઇ હતી. ત્યાં પહોંચી સ્થાનિકોની પુછતાછ કરતાં ચારેય શખ્સો બાંસવાડાના ફલવા ગામના રહેવાસી હોવાની માહિતી મળી હતી. ટીમ ત્યાં પહોંચતા ખબર પડી હતી કે આ ગામ અંદાજીત સાત કિલોમીટર જેટલા ડુંગરાળ વિસ્તારમાં વસેલુ છે અને ઘરો પણ અલગ-અલગ છે. ભોૈગોલિક પરિસ્થિતિથી વાકેફ થઇ પોલીસ કર્મચારીઓએ સ્થાનિક લોકો પહેરે તેવી પાઘડીઓ ધારણ કરી વેશપલ્ટો કર્યો હતો. અંદાજે બારેક કલાકની શોધખોળ-રેકી બાદ ચારેયના પુરા નામ સરનામા મળતાં તેના આધારે દબોચી લેવાયા હતાં.

ચાર આરોપીઓ વિનોદ ઉર્ફ દિનેશ શકરામભાઇ ડીંડોર (રહે. ખાખરાપાડા ફુલવા), લક્ષ્ચામણ ઉર્ફ લખો કોદરભાઇ ગરાસીયા (રહે. ખાખરાપાડા), કાળુ ઉજમાભાઇ ચનળા (રહે. ખાખરાપાડા) અને શૈલેષ ઉર્ફ સુરીયો જોખાભાઇ ડીંડોર (રહે. ઘાંચડા બાંસવાડા)ને પકડીને રાજકોટ લાવવામાં આવ્યા હતાં. આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવી, પી.આઇ વી. વી. ઓડેદરાએ માહિતી આપી હતી.

આરોપીઓએ એવું કહ્યું હતું કે ચારેય  જણા મહેશ કોળી સાથે મંડપ સર્વિસમાં મજૂરી કરતાં હતાં. પણ તે પગારના હિસાબના ચડત થઇ ગયેલા રૂ. ૧,૭૦,૦૦૦ આપતો નહોતો અને જમવા માટેના પૈસા આપવાનું પણ બંધ કરતાં ચારેયની હાલત ભારે કફોડી થઇ ગઇ હતી. વારંવાર આ બાબતે ઝઘડા પણ થતાં હતાં. છેલ્લે ૧૩મીએ રાત્રે કંટાળીને અંદાજે ત્રણેક વાગ્યે મહેશને હાથ-પગમાં પાઇપના ઘા ફટકાર્યા હતાં. એ પહેલા તે બૂમો ન પાડે તે માટે મંડપ સર્વિસના કપડાથી જ તેના મોઢામાં ડૂચો દઇ દીધો હતો. બાદમાં ભાગતી વખતે તે પાછળ ન દોડે એ માટે થઇને તેને મંડપ સર્વિસના કપડાથી જ પિલોર સાથે બાંધી દીધો હતો અને ચારેય ભાગી ગયા હતાં.

માધાપર ચોકડીએ પહોંચી ત્યાંથી રિક્ષામાં બેસી ગ્રનીલેન્ડ ચોકડીએ અને ત્યાંથી ઇકો કારમાં બેસી અમદાવાદ પહોંચી ત્યાંથી એસટીમાં સંતરામપુર થઇ પોતાના વતનમાં ૧૩મીએ બપોરે ત્રણ વાગ્યે પહોંચી ગયા હતાં. ચારેયનો કબ્જો ગાંધીગ્રામ પોલીસે સંભાળ્યો છે. પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, ડી. પી. ઉનડકટ, એચ. બી. ત્રિવેદી, યુ. બી. જોગરાણા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, અમિતભાઇ ટુંડીયા, કુલદીપસિંહ જાડેજા, સોકતખાન ખોરમ સહિતે આ કામગીરી કરી હતી.

(3:55 pm IST)