Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

શાસ્ત્રી મેદાન અને પારસી અગીયારી ચોકમાં પબજી રમતાં ૩ યુવાન પકડાયા

એ-ડિવીઝન પોલીસ અને પ્ર.નગર પોલીસની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૬: પબજી મોમો ચેલેન્જ ગેમને કાણે બાળકો, યુવાનોમાં હિંસકવૃતિનું પ્રમાણ વધી રહ્યું હોઇ અને અભ્યાસ ઉપર  વિપરીત અસર પડવા ઉપરાંત બાળકો અને યુવાનોના વાણી-વર્તન-વ્યવહાર અને વિકાસ ઉપર પણ ખરાબ અસર પડી રહી હોવાથી  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોઇ તેનો કડક અમલ કરાવવા આ ગેમ રમનારા સામે ગુના નોંધવાની શરૂ થયેલી ઝુંબેશ અંતર્ગત પોલીસે દરોડાનો દોર યથાવત રાખ્યો છે. આવા વધુ બે ગુના નોંધી ત્રણ યુવાનને પકડવામાં આવ્યા છે.

એ-ડિવીઝન પોલીસનીટીમ શાસ્ત્રી મેદાનના એસ.ટી. બસ સ્ટેશનમાં ચેકીંગમાં નીકળી ત્યારે પ્લેટફોર્મ નં. ૧૯ ઉપર બે યુવાન મોબાઇલમાં પબજી રમતાં હોઇ તેની સામે કાર્યવાહી કરાઇ હતી. પોલીસે ધ્રુવીન વિજયભાઇ અજાણી (ઉ.૧૯-રહે. કુચીયાદળ, રામજી મંદિર પાસે) તથા વિશાલ દિનેશભાઇ અમીપરા (ઉ.૧૯-રહે. શાપર વેરાવળ) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી મોબાઇલ કબ્જે કર્યા હતાં. પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. વી. જોષી, જયપાલસિંહ સરવૈયા, હોમગાર્ડ જવાન અજીત ગોહેલ, હિરેન ગોહેલ સહિતે આ કામગીરી કરી હતી.

જ્યારે પ્ર.નગરના પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, અરવિંદભાઇ મકવાણા, દેવશીભાઇ રબારી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પારસી અગીયારી ચોક ખોડિયાર ટી સ્ટોલ પાસે જીલ રાજેન્દ્રભાઇ ખોખર (ઉ.૨૨-રહે. જુની ખડપીઠ) મોબાઇલમાં પબજી રમતો મળતાં તેની સામે કાર્યવાહી કરાઇ હતી.

(3:38 pm IST)