Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

બેડી અને રાજગઢમાં ઘર-મકાનમાં લૂંટ, ચોરીઓ કરનાર બે ઝડપાયા

પાંચ મહિના પહેલા હડમતીયા બેડીમાં ભાણાભાઇના પરિવારને રૂમમાં પુરી લૂંટ કરી'તીઃ રાજગઢના મંદિરની ચોરી પણ કબુલીઃ વધુ ત્રણેક ભેદ ખુલવાની આશા હેડકોન્સ. પ્રકાશભાઇ વાંકની બાતમી પરથી એમ.પી.ના બે શખ્સને દબોચી લેવાયા

પોલીસે જેને સકંજામાં લીધા છે એ બંને શખ્સો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૫: પાંચ મહિના પહેલા કુવાડવા પોલીસ મથક તાબેના હડમતીયા બેડી ગામમાં રાત્રીના સમયે વાડીમાં ત્રાટકેલા લૂંટારૂ મુળ ઉનાના ભાણાભાઇ શીયાળ (ઉ.૩૫) તથા તેના પરિવારના મહિલા સભ્યોને માર મારી રોકડ, સોનાની વાળી, બે મોબાઇલ ફોનની લૂંટ કરી પરિવારજનોને રૂમમાં પુરી ભાગી ગયા હતાં. આ ઉપરાંત નજીકના રાજગઢ ગામમાં એક મંદિરમાંથી ચાર-પાંચ કિલો ચાંદીની ચોરી થઇ હતી. આ લૂંટ-ચોરીનો ભેદ કુવાડવા રોડ પોલીસે ઉકેલી નાંખી મધ્યપ્રદેશના બે શખ્સને દબોચી લીધા છે. ત્રીજાનું નામ ખુલ્યું છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, એસીપી બી. બી. રાઠોડ અને પી.આઇ. એ.આર. મોડીયાની રાહબરીમાં પી.એસ.આઇ. ઝાલા, ડી. સ્ટાફના હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, કોન્સ. મનિષભાઇ ચાવડા, સલિમભાઇ, હરેશભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. પ્રકાશભાઇ વાંકને મળેલી ચોક્કસ બાતમી પરથી હાલ રાજગઢની સીમમાં રહેતાં મુળ મધ્ય પ્રદેશના ગુમાન મહેન્દ્ર અને કલમેશ રામસિંગને દબોચી લઇ પુછતાછ કરવામાંઆવતાં આ બંનેએ ગયા ઓકટોબર મહિનામાં હડમતીયા બેડીમાં વાડીમાં ત્રાટકી લૂંટ કર્યાની કબુલાત આપી છે. આ બંને સાથે કમલેશનો પિતા રામસિંગ અજનારી પણ સામેલ હોવાનું ખુલ્યું છે. આ ત્રણેયે મળી રાજગઢના એક મંદિરની ચોરી પણ કરી હોવાની કબુલાત આપી છે. વિશેષ પુછતાછમાં વધુ બે ઘરફોડી અને એકાદ લૂંટનો ભેદ ખુલવાની પણ શકયતા છે. પ્રકાશભાઇ વાંકની બાતમી પરથી આ કામગીરી થઇ છે. તેણે અગાઉ પણ દારૂ ભરેલી ગાડી પકડવા ઉપરાંત અનેક ડિટેકશનમાં મહત્વની કામગીરી કરી છે.

(4:38 pm IST)