Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

યાર્ડની આગનો ભેદ ઉકેલવા ૨૬ કેમેરાના ફૂટેજની ચકાસણી

બી-ડિવીઝન પોલીસ અને એફએસએલની ટીમો કામે લાગીઃ ગુજકોટ કર્મચારીઓ, સિકયુરીટી ગાર્ડ સહિત ૨૦ના નિવેદનો નોંધાયા : આસપાસની દૂકાનો, બેંકના કેમેરા પણ ચકાસવામાં આવશેઃ પોલીસ કહે છે-બંડીવાળો મજૂર 'આગ લાગી' એવું સિકયુરીટીમેનને દર્શાવતો કેમેરામાં દેખાયો છેઃ એણે જ આગ લગાડી એ કહી શકાય નહિઃ એ શખ્સની શોધખોળ : બળેલા કોથળા નીચેથી હજુ આજે પણ લબકારાઃ ફાયર બ્રિગેડની ટીમો સતત ૪૮ કલાકથી કાર્યરત

 યાર્ડમાં તાલપત્રી ઉંચકીને બહાર નીકળેલો 'બંડીધારી' શખ્સ કોણ?તેનો શું રોલ?: સીસીટીવી ફૂટેજને આધારે આ શખ્સની થઇ રહી છે શોધખોળ : .જુના માર્કેટ યાર્ડમાં લાગેલી આગનો ભેદ ઉકેલવા પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. એક કેમેરામાં જે શેડમાં કોથળા હતાં અને આગ લાગી તેમાંથી આગ લાગ્યા પહેલા એક કાળી બંડી પહેરેલો શખ્સ બહાર નીકળતો દેખાયો હતો. આ શખ્સ તાલપત્રી ઉંચકી બહાર નીકળે છે અને નજીકના ટ્રક પાછળ જઇ બીજા એક શખ્સને મળે છે, એ પછી તરત જ આગ લાગતાં આ બંડીધારી શખ્સ સિકયુરીટી ગાર્ડને આગ લાગ્યાની જાણ કરે છે અને સિકયુરીટી ગાર્ડ નજીકની ગુજકોટ ઓફિસમાં જાણ કરવા દોડી જાય છે...આ દ્રશ્યો ફૂટેજમાં દેખાય છે. આગની ઘટનામાં બંડીધારી શખ્સનો કોઇ રોલ છે કે કેમ? આગ લાગી કે લગાડાઇ? આ સવાલો હાલ નિરૂત્તર છે. એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. આર. એસ. ઠાકર અને ટીમ તપાસ ચલાવે છે. તપાસનીશના કહેવા મુજબ બંડીધારી શખ્સે જ આગ લગાડી છે તેવું માનવાનું હાલ કોઇ કારણ નથી. આ શખ્સ મળે પછી તેનો શું રોલ? તે સ્પષ્ટ થઇ શકે. આગ લાગી કે લગાડાઇ? એ રહસ્ય હજુ જેમનું તેમ છે. ૨૬ સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ યાર્ડમાં આવેલી અન્ય દૂકાનો, બેંકના કેમેરાના ફૂટેજ પણ ચેક કરવામાં આવશે.

રાજકોટ તા. ૧૫: જુના માર્કેટ યાર્ડમાં મંગળવારે સાંજે લાગેલી આગથી અંદાજે ૧૭ કરોડના ૨૦ લાખ બારદાન (કોથળા) બળીને ખાક થઇ ગયા છે. તો યાર્ડનો શેડ પણ બળી જતાં અઢી કરોડનું અલગથી નુકસાન થયું છે. ગુજકોટ દ્વારા મંગાવાયેલઆ આ બારદાનનો જથ્થો ખુલ્લા શેડમાં રખાયો હતો. તેમાં આગ લાગી કે લગાડાઇ? તે રહસ્ય અડતાલીસ કલાક પછી પણ અકબંધ છે. પોલીસે જ્યાં આગ ભભૂકી હતી એ વિભાગના ૨૬ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા ડીવીઆર કબ્જે કર્યુ છે. તમામ કેમેરાના ફૂટેજો ચકાસવામાં ખુબ સમય લાગશે. પ્રાથમિક તબક્કે એક બંડીવાળો શખ્સ કે જે મજૂર જેવો લાગે છે તે શેડમાંથી નીકળતો અને સિકયુરીટીમેનને આગ લાગી તેમ દેખાડતો કેમેરામાં દેખાયો છે. આ શખ્સે આગ લગાડ્યાની શંકા ઉદ્દભવી હતી. પરંતુ પોલીસ કહે છે કે આ શખ્સ હાથમાં આવ્યા પછી જ એ નક્કી થશે કે આગ લાગી કે લગાડાઇ? હાલ સીસીટીવી ફૂટેજને આધારે જ તપાસ થઇ રહી છે. બીજી તરફ આજે પણ બળેલા કોથળાઓના ઢગલા નીચે આગના લબકારા દેખાતા હોઇ ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી યથાવત રખાઇ છે.

સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કર્યુ હોઇ તેના માટે ગુજકોટ દ્વારા બારદાન ખરીદ કરવામાં આવ્યા હતાં. કુલ ૨૫ લાખ ૧૫ હજાર બારદાન ખરીદીને જુના યાર્ડમાં તાલપત્રીની આડશો બાંધીને   તેમાં બારદાન રાખવામાં આવ્યા હતાં. આ જથ્થામાંથી આગમાં બળી જતાં અને પલળી જતાં ૨૨ લાખ બારદાન નાશ પામ્યા છે.  બારદાનનો ૧૯ કરોડનો વીમો હોવાનું પણ જાણવા મળ્યું છે. ગુજકોટ દ્વારા ખરીદાયેલા બારદાન રાખવા માટે યાર્ડના સત્તાધીશો પાસેથી જગ્યા માંગવામાં આવી હતી. આ જગ્યા વાપરવાના કોઇ લેખિત કરાર થયા નહોતાં.

યાર્ડના સત્તાધીશોએ પોલીસને તપાસ કરવા અનુરોધ કર્યા બાદ બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર અને ડી. સ્ટાફની ટીમ કામે લાગી ગઇ છે. પોલીસે યાર્ડમાં તપાસ કરતાં બકાલા વિભાગમાં ૧૪ સીસીટીવી કેમેરા અને આગ લાગી તે વિભાગમાં ૨૬ કેમેરા હોવાનું માલુમ પડતાં હાલ ૨૬ કેમેરાનું ડીવીઆર કબ્જે કરી તેના ફૂટેજો ચકાસવાનું શરૂ કર્યુ છે. પોલીસે સ્પષ્ટ કર્યુ છે કે બંડીવાળો શખ્સ શેડમાંથી બહાર નીકળી સિકયુરીટીમેન રામભાઇને આગ લાગી તેમ ઇશારો કરતો દેખાય છે. પરંતુ એ બંડીવાળાએ જ આગ લગાડી કે કેમ? તે નક્કી થઇ શકે નહિ. આ શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસે ગુજકોટની ઓફિસના કર્મચારીઓ અને યાર્ડના સિકયુરીટી ગાર્ડ મળી વીસ જેટલા લોકોના નિવેદનો લીધા છે. આ લોકોની પુછતાછમાં પણ આગ લાગી કે લગાડાઇ? તેની કોઇ માહિતી બહાર આવી નથી.

યાર્ડમાં અન્ય દૂકાનો અને બેંકોના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવશે. પી.આઇ. ઠાકર સાથે પી.એસ.આઇ. પટેલ, પી.એસ.આઇ. સાકરીયા, મહેશગીરી, વિરમભાઇ ધગલ, અજીતભાઇ, કયાબેન ચોટલીયા, નિશાંતભાઇ, મહેશ મંઢ, મહેશ ચાવડા, દેવેન્દ્રસિંહ, એભલભાઇ બરાલીયા સહિતની ટીમ તપાસ કરી રહી છે.

આગ સંપૂર્ણપણે કાબૂમાં આવે પછી એફએસએલ દ્વારા તપાસ શરૂ થશે થશેઃ ફોરેન્સિક અધિકારી ચાવડા

. એફએસએલ અધિકારી શ્રી પી. બી. ચાવડા અને ટીમ પણ પોલીસ સાથે તપાસમાં સામેલ થઇ છે. શ્રી ચાવડાએ કહ્યું હતું કે અમે હજુ ઘટના સ્થળે પ્રાથમિક ચકાસણી કરી છે. પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે. આગ લાગી કે લગાડાઇ? કોઇ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થયો કે પછી તણખાથી લાગી? આ મુદ્દાઓ પર કોઇપણ નિર્ણય હાલના તબક્કે લઇ શકાયો નથી. આગ સંપૂર્ણ ઓલવાઇ જાય પછી અમારી કાર્યવાહી શરૂ થશે.

(3:51 pm IST)