Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ચૂંટણી પ્રચારમાં રાજકિય પક્ષોના અવનવા કીમિયા : સાયકલ - કમળ - પ્લેકાર્ડ - ડી.જે. રેલી

ધીમી ગતીએ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે : વોર્ડ નં. ૭માં કોંગ્રેસના રણજીત મુંધવાએ પેટ્રોલ - ડિઝલના ભાવ વધારાનો વિરોધ દર્શાવવા સાયકલ યાત્રા કાઢી : વોર્ડ નં. ૩ના ભાજપ ઉમેદવારો હાથમાં કમળનું ફુલ લઇને નિકળ્યા : 'આપ'ની બાઇક રેલી : વોર્ડ નં. ૧માં કાર્યકરે જીવના જોખમે મોબાઇલ ટાવર પર ભાજપનો ઝંડો લહેરાવ્યો

રાજકોટ તા. ૧૫ : મ.ન.પા.ની ચૂંટણીને આડે હવે ચોખ્ખા ૭ દિવસ છે અને પ્રચાર માટે માત્ર પાંચ દિવસ જ છે ત્યારે હવે છેલ્લે છેલ્લે ચૂંટણી પ્રચારનો માહોલ ધીમી ગતિએ જામી રહ્યો છે. કોરોના કાળમાં પ્રચાર માટે સોશ્યલ ડિસ્ટન્સ, નાઇટ કર્ફયુ સહીતની અનેક સમસ્યાઓ છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો કાર્યકરો પ્રચારમાં મતદારોનું ધ્યાન આકર્ષવા અવનવા બિનપરંપરાગત કીમિયા અજમાવી રહ્યા છે અને પ્રચાર માટે સાયકલ, કમળ, ડી.જે. સાઉન્ડ સીસ્ટમ, બાઇક રેલી વગેરેનો સહારો લઇ રહ્યાનું જોવા મળી રહ્યું છે.

આ અંગેની વિગતો જોઇએ તો દેશમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૭ના કોંગ્રેસના ઉમેદવારો આજે સાઇકલ લઈને પ્રચાર કર્યો હતો. બીજી તરફ વોર્ડ નં.૩દ્ગક્ન ભાજપના ઉમેદાવારો પાર્ટીના ચિન્હન કમળના ફૂલ સાથે પ્રચાર કરવા નીકળ્યાં હતા.

વોર્ડ નં. ૭ના કોંગ્રેસના ઉમેદવાર રણજિત મૂંધવા, કેતન જરીયા, અલ્પાબેન રવાણી અને વૈશાલી પડ્યા સાઇકલ પર ચૂંટણી પ્રચારમાં નીકળ્યાં હતા. કોંગ્રેસના ઉમેદવાર રણજીત મૂંધવાએ જણાવ્યું હતું કે, સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે લોકોની વચ્ચે મોંઘવારીનો મુદ્દો લઈને જઇ રહ્યા છીએ. રાજકોટમાં ઇ-મેમોથી લોકો ત્રસ્ત થયા છે. ત્યારે બાઇક લઈને નહિં પરંતુ સાઇકલ લઈને પ્રચારમાં જોડાયા છીએ.

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલના ભાવમાં આજે ૨૮ પૈસાનો વધારો થતાં ૮૫.૭૩ અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો થતાં ૮૪.૯૪ રૂપિયા પહોંચ્યો છે. સતત ભાવ વધતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચારમાં પણ મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે.

મનપાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના ગઢ સમાં રાજકોટના વોર્ડ નંબર ૩માં ભાજપના ઉમેદવારોનો અનોખો પ્રચાર જોવા મળ્યો છે. રાજકોટના વોર્ડ નંબર ૩માં આજે ભાજપના ઉમેદવારો હાથમાં કમળ લઇ અને પ્રચારમાં નીકળ્યા હતા. રાજકોટ વોર્ડ નંબર ૩માં વર્ષોથી લોકો પંજાને એટલે કે કોંગ્રેસને મત આપી રહ્યા છે અને વર્ષોથી આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયને આવી રહ્યા છે. માટે આ વખતે ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, અલ્પાબેન દવે અને કુસુમબેન ટેકવાણીએ ખાસ નવી પદ્ઘતિ અપનાવી છે. જેમાં તેઓ હાથમાં કમળ લઇ અને લોકોને કમળને મત આપવા અપીલ કરી રહ્યા છે.

વોર્ડ નંબર ૩ વર્ષોથી કોંગ્રેસનો ગઢ છે અને આ વોર્ડમાં વર્ષોથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયને આવી રહ્યા છે. આ વર્ષે સૌથી વધુ મતદારો આ વિસ્તારમાં નોંધાયા છે. કારણ કે, આ વોર્ડમાં રાજકોટ મનપામાં નવા ભળેલા વિસ્તારનો સમાવેશ થયો છે અને આ વોર્ડમાં ફરી એક વખત કોંગ્રેસ પક્ષ દ્વારા જૂના ૨ ઉમેદવારોને રિપીટ કર્યા છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાનો પણ સમાવેશ થાય છે. ત્યારે ભાજપના ઉમેદવારોનો કમળ પ્રચાર જનતાને આકર્ષિત કરશે કે પછી કોંગ્રેસનો પંજો ફરી કમળને ભારે પડશે તે આગામી સમય બતાવશે.

આ ઉપરાંત વોર્ડ નં. ૧નાં મુખ્ય રાજમાર્ગ પર મોબાઇલ ટાવરની ટોચ ઉપર ભાજપના કાર્યકરે જીવના જોખમે પહોંચી અને ભાજપનો ઝંડો લહેરાવ્યો હતો.

આમ જોખમી પ્રચાર પણ થઇ રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોના કાર્યકરોમાં હવે પ્રચારનું ઝનુન પણ જોવા મળી રહ્યું છે.

(3:21 pm IST)