Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ધો.૧૦-૧૨ની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ : ૯૫,૧૩૬ પરીક્ષાર્થીઓ કસોટી આપવા ઉત્સુક

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રથમ બેઠકમાં એકશન પ્લાન જાહેરઃ વિવિધ સ્તરની કામગીરી માટે બેઠકોનો દોર શરૂ થશે

રાજકોટ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૫ માર્ચથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરીક્ષા આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ન્યાયિક માહોલમાં યોજાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા અન્ય સરકારી વિભાગોની મદદથી ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨માં કુલ ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની મહત્વની કસોટી આપવા ઉત્સુક છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો એકશન પ્લાન તેમજ તેમના માર્ગદર્શન તળે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ગઈકાલે પરીક્ષા સમિતિની બેઠક અધ્યક્ષ કલેકટર શ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સરકારના અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેલ. પરીક્ષાનંુ સંચાલન સુચારૂ રીતે થાય તે માટે જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટ શહેર જિલ્લામાં કુલ ૩૩૮ બિલ્ડીંગો અને ૩૨૭૭ બ્લોક ઉપર ૯૫૧૩૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો.૧૦માં ૫૪,૫૭૯, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૧,૦૭૭ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૪૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો.૧૦-૧૨ની પરીક્ષા માટે રાજકોટ જીલ્લાની પ્રથમ બેઠકમાં એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં બિલ્ડીંગ સુપરવિઝન સહિત તમામ સ્તરોએ બેઠકનો દોર શરૂ થશે.

ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે મોટાભાગના કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. ધો.૧૦માં ગોંડલ દેરડી, રૂપાવટી જયારે ધો.૧૨ પડધરી, ભાયાવદર, વીરપુરમાં સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે.

(3:27 pm IST)