Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

લવ મેરેજ કરનાર પતિ-પત્નિને પોલીસ પ્રોટેકશન આપવા હાઇકોર્ટનો આદેશ

રાજકોટ, તા.૧૫: લવ મેરજ કરનાર પાલનપુરના પતિ-પત્નિને પોલીસ પ્રોટેશન આપવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

પાલનપુરમાં અલગ-અલગ જ્ઞાતીના બે પ્રેમીઓએ લવ-મેરેજ કર્યા બાદ, મહિલા અરજદારના કુટુંબ તરફથી તેણીના પતિને અલગ-અલગ કેસમાં ફસાવી દેવાની ધમકીને કારણે મહિલા અરજદારએ ગુજરાત હાઇકોર્ટનું શરણ લેવા ફરજ પડેલ.

ફરીયાદની વિગતો મુજબ પાલનપુરા રહેવાસી રીતુકુમરી મોહનલાલ જાંન્ગીડ કે જે કાર્તિકકુમાર પ્રમુખભાઇ પટેલના પત્નિ છે, તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશીયલ ક્રિમિનલ એપ્લીકેશન દાખલ કરેલ. તેમાં જણાવ્યા મુજબ તેણીના લગ્ન કાર્તિક સાથે તા.૩-૪-૯ના રોજ થયેલ તેણીના કુટુંબીજનો આ લગ્નની વિરૂધ્ધમાં હોય તેણીને પોતાના જીવનું જોખમ જણાતા તેમજ તેણીના કુટુંબીજનો ખોટા કેસમાં સંડોવી દે તેવો ભય છે.

તેણીએ તેની અરજીમાં જણાવેલ કે લગ્ન બાદ તેણી તેના પતિ સાથે સુખેથી રહે છે. પરંતુ તેણીના કુટુંબીજનો કોઇ પણ રીતે લગ્ન તોડાવવા પ્રયત્નશીલ છે. તેના માટે તેઓ તેના પતિને ત્યાં વારંવાર જાય છે અને હેરાન કરે છે. અને આવો ક્રુર વહેવાર કરી તેઓ તેણીને પરત ઘેર લાવી અન્યત્ર પરણાવી દેવા માંગે છે. આ બાબતે અરજદારએ પી.એસ.આઇ.પાલનપુર તથા એસ.પી.બનાસકાંઠાને અરજી આપેલ છે પરંતુ કોઇ પગલા લેવામાં આવેલ નથી કે કોઇ રક્ષણ આપવામાં આવેલ નથી. જેથી અરજદાર તથા તેમના પતિની જીંદગી જોખમમાં હોય એસ.પી.બનાસકાંઠાને પોલીસ પ્રોટેકશન આપવા અરજી કરવામાં આવેલ.

કોર્ટએ બંને પક્ષકારોને સાંભળી ઠરાવેલ કે અરજદાર સુપ્રિમ કોર્ટએ શકિતવહિની વિરૂધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કામમાં ઠરાવ્યા મુજબની દાદ મેળવવા હકકદાર છે. જેથી અરજદારની અરજી ગ્રાહય રાખવામાં આવેલ છે. અને પોલીસ ઓફીસર પાલનપુર વેસ્ટને આદેશ કરવામાં આવે છે કે વિશેષ સમય ગુમાવ્યા વગર, અરજદારોને પ્રોટેકશન આપવું. અને આ પ્રોટેકશન કેટલા સમય માટે આપવું તે એસ.પી નકકી કરશે તેવું ઠરાવેલ છે.

ઉપરોકત કેસમાં અરજદારો વતી ગુજરાત હાઇકોર્ટમાં બ્રિજ શેઠ, મુકુંદકુમાર ઠક્કર તથા સતીષકુમાર પ્રજાપતિ એડવોકેટ દરજજે રોકાયેલ હતા.

(3:27 pm IST)