Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

હિન્દુ-મુસ્લિમ સાથે મળીને નાગરીકતા સુધારણા કાયદાનું સમર્થન કરે : મુકેશભાઇ મલકાણ

ભારતમાં અરાજકતા સર્જવાનો મનસુબો સેવતા અન્ય દેશોને ઓળખી લેજો

રાજકોટ તા. ૧૫ : 'વિશ્વના કેટલાક દેશો ભારતમાં અરાજકતા અને અશાંતિનો માહોલ સર્જી ધર્મ અને સંપ્રદાયો વચ્ચે વૈમનશ્ય સર્જવા સતત પ્રયાસો કરતા રહે છે. ત્યારે તેમને બરાબર ઓળખી લઇ જો ભારતને ગુલામીમાંથી બહાર લાવવુ હોય અને એકતા અખંડીતતા પ્રસ્થાપિત કરવા હોય તો હિન્દુ - મુસ્લિમોએ સાથે મળીને નાગરિકતા સુધારણા કાયદાનું સમર્થન કરવુ પડશે' તેમ રાજકોટ ખાતે યોજાયેલ વિશાળ તિરંગા યાત્રાના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઇ મલકાણે જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે વિશ્વમાં ૫૬ જેટલા દેશોમાં મુસ્લિમ વસતી છે. વિશ્વના ૫૩ દેશોમાં શાંતિ અને અમન છે. સખત કાનુન છે. ફકત પાકિસ્તાન, અફઘાનીસ્તાન  વિદેશી તાકાતનો હાથો બની ગયા અને આતંકી દેશ તરીખે ઓળખાવા લાગ્યા.

શ્રી મલકાણે પોતાનો અનુભવ પ્રસંગ વર્ણવતા જણાવેલ કે થોડા વર્ષો પહેલા હું પરિવાર સાથે દુબઇ, શાહજહાં, અબુધાબી વગેરે સ્થળોએ ફરવા ગયો હતો. ફરતા ફરતા જોયું ત્યાંની કાનુની વ્યવસ્થા, સભ્યતા, ચોખ્ખાઇ ઉડીને આંખે વળગતા જોવા મળ્યા. જો દુબઇ, મસ્કત કે શાહજહા જેવા દેશો આજે પણ નાગરીકતા આપે તો લેવા માટે હિન્દુ - મુસ્લિમો લાઇનમાં ઉભા છે.

આપણે ત્યાં હિન્દુ - મુસ્લિમ વ્યવસાય તો સાથે મળીને કરી શકે છે. પરંતુ ખરા સમયે એકતા દર્શાવવામાં પાછા પડી જાય છે. એક સમય હતો કે વિખ્યાત ગાયક મહમદ રફી, પ્રખ્યાત કલાકાર મહેમુદ કે પુર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામનું નામ સાંભળતા માનથી પ્રણામ થઇ જતા. આવા લોકો માટે સ્વ સમાજ કરતા પણ વધારે વિશ્વાસ હતો. તો હવે કેમ બધુ બદલાય ગયુ.

આવો આપણે સી.એ.એ. ને સમર્થન કરીએ અને આતંકી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશને વિશ્વ સમક્ષ ખુલ્લા પાડીએ. ધર્મ અને સંપ્રદાયમાં ગુમરાહ કરી ફાટા પડાવનારાઓને ઓળખી લઇએ અને રાષ્ટ્રની એકતા અખંડીતતાના દર્શન કરાવીએ તેમ મુકેશભાઇ મલકાણે પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ.

(3:25 pm IST)