Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ભરતમુનિ જયંતિની કલામય ઉજવણી

રાજકોટઃ સંસ્કાર ભારતીની રાજકોટ શાખા દ્વારા નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરતમુનિ જયંતિ ની ઉજવણી સરગમ કલબના સંયુકત ઉપક્રમે યોજાઈ હતી.  કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય નાટ્ય ફળિયુંના કૌશિકભાઈ સિંધવ, ઉત્સવ એકિટંગ એકેડમીના નિર્લોકભાઈ  પરમાર,અર્જુનલાલ હીરાણી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસના નૃત્યવિભાગના આસી. પ્રોફેસર ડો.જુલીબેન અનડકટ,હેમ શૈલ સંસ્થાના સ્થાપક ઉન્નતિબેન અજમેરા તથા નટવરી નૃત્યમાલાના હીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. ભરતમુનિને પુષ્પાંજલિ દ્વારા  પૂજન કર્યા બાદ સંસ્કારભારતી રાજકોટના કલા વિધાના પ્રમુખ અને જાણીતા આંતરરાષ્ટ્રીય ચિત્રકાર ઉમેશભાઈ કયાડાએ  કલા વિશે માહિતી આપી હતી.

ભરત મુનિએ નાટ્ય શાસ્ત્રમાં આઠ પ્રકારના રસનું વર્ણન કર્યું છે. જેમાંથી હાસ્ય, કરુણ,રૌદ્ર અને વીર રસ વિષે ઉન્નતીબેન અજમેરાએ નૃત્ય સાથે સમજુતી આપી હતી. ઉન્નતીબેન ભરત નાટ્યમ વિશારદ છે. તેમણે મુંબઈ યુનીવર્સીટીમાંથી ડો. કનક રેલેના માર્ગદર્શન હેઠળ મોહિનીઅટ્ટમ નૃત્ય શૈલીમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે  અને રાજકોટમાં મોહિનીઅટ્ટમની તાલીમ માટે હેમશૈલ નામની સંસ્થા સ્થાપી છે.  જયારે ડો. જુલીબેને શૃંગાર, અદ્બુત,ભયાનક અને બિભત્સ (જોવું ન ગમે,ચીતરી ચડે તેવું ) રસ વિષે સમજુતિ આપી હતી. જુલીબેને કથ્થકમાં પીએચડી કર્યું છે અને કૃષ્ણ અને કથ્થક વિષય પર પુસ્તક પણ લખ્યું છે.

જાણીતા નાટ્ય કલાકાર  કૌશિકભાઈ સિંધવે આ પ્રસંગે પોતાના અભિનયના સંસ્મરણો વાગોળ્યા હતા. અને સંવાદ રજુ કરી વાચિક અભિનય દ્વારા ભરતમુનિને અભિનયાંજલિ આપી હતી. તો તેવા જ બીજા નાટ્ય કલાકાર નિર્લોકભાઈ પરમારે આ પર્વની ઉજવણી રાજકોટમાં પ્રથમ વખત થતી હોય સંસ્કારભારતીના આ અભિગમને બિરદાવ્યો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ રંગમંચની પ્રાર્થના આંગીકમ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમની સફળતા માટે ગુણવંભાઈ ડેલાવાળા, વિવેકભાઈ પંડયા, મીતેશભાઈ ટંકારીયા અને શિવ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી.

(12:57 pm IST)