Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

અમેરિકાના એટલાન્ટામાં ડો. માર્ટીન લ્યુથર કિંગની નેશનલ હિસ્ટોરીક સાઈટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સંસ્મરણો જીવંત કરવા ગાંધી ફાઉન્ડેશન ઓફ યુએસએ દ્વારા સંનિષ્ઠ પ્રયાસો

ધ ગાંધી ફાઉન્ડેશન ઓફ યુએસએના ચેરમેન અને કો-ફાઉન્ડર સુભાષ રાઝદાન, ટ્રેઝરર મોહસીન ભારમલ વગેરે અકિલા કાર્યાલયની મુલાકાતેઃ એટલાન્ટામાં દર વર્ષે લાખો પ્રવાસીઓ ડો. માર્ટીન લ્યુથરને જાણવા આવે છેઃ જો રાષ્ટ્રપિતાની પ્રતિમા સાથે તેમના સંસ્મરણો જોડાય તો વિશ્વ આ બન્ને વિભૂતિઓના આદર્શો અને અહિંસાને અનુસરી શકે

ગાંધી ફાઉન્ડેશન ઓફ યુએસએ (એટલાન્ટા)ના સભ્યો ગઈકાલે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા તેની તસ્વીરો. તસ્વીરમાં સુભાષ રાઝદાન અને મોહસીન ભારમલ વગેરે દેખાય છે. તસ્વીરમાં નીચે સીનીયર જર્નાલીસ્ટ માસુમા ભારમલ, બાલેન્દ્રભાઈ તથા અકિલા પરિવારના શૈલેષ દવે પણ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૫ :. સત્ય, અહિંસા, સાદગી, તમામ ધર્મો પ્રત્યે વિશેષ આસ્થા જેવો સંદેશ સમગ્ર વિશ્વને આપનાર યુગ પુરૂષ મહાત્મા ગાંધી પ્રત્યે સમગ્ર વિશ્વ આદર ધરાવે છે, તેમની સમક્ષ નતમસ્તક થાય છે. એ જ રીતે જેમને અમેરિકાના ગાંધી કહેવાય છે એવા ડો. માર્ટીન લુથર કિંગ, જૂનીયરે પણ માનવ અધિકારો માટે અહિંસાત્મક આંદોલનનું સંચાલન કરી સંતની માન્યતા મેળવી હતી. આફ્રિકી-અમેરિકી નાગરિક અધિકારોના સંઘર્ષના તેઓ પ્રમુખ નેતા પણ હતા. મહાત્મા ગાંધી અને ડો. માર્ટીન લુથર કિંગ, જૂનીયરના સુભગ સમન્વય વડે વિશ્વભરમાં આ બન્ને હસ્તીઓના વિચારો, બન્નેના આદર્શો અને બન્નેની નીતિઓનો પ્રચાર અને પ્રસાર કરવાનુ બીડુ અમેરિકાના એટલાન્ટા સ્થિત ગાંધી ફાઉન્ડેશન ઓફ યુએસએના ચેરમેન અને કો-ફાઉન્ડર સુભાષ રાજદાન, મોહસીન ભારમલ સહિતનાઓએ ઝડપ્યુ છે. આ માટે તેઓ ગાંધીજીને સ્પર્શતી બાબતો જેમ કે તેમના પુસ્તકો, તેમના લેખો, તેમના પત્રો, ચિત્રો, તેમની અલભ્ય તસ્વીરો વગેરેને અમેરિકાના એટલાન્ટા શહેરમાં કે જ્યાં ડો. માર્ટીન લુથરની એમએલકે હીસ્ટોરીક સાઈટ ખાતે પૂ. મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપવામાં આવી છે તે સ્થળે લઈ જવા હાલ રાજકોટ અને પોરબંદરની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓએ ગઈકાલે અકિલા કાર્યાલયની મુલાકાત લીધી હતી અને ફાઉન્ડેશનની અમેરિકામાં ગતિવિધિ અને આગામી દિવસોમાં તે શું કરવા માગે છે ? તેની વિગતો સવિસ્તર વર્ણવી હતી.

અકિલા કાર્યાલયની મુલાકાત દરમિયાન ચેરમેન સુભાષ રાજદાન અને ટ્રેઝરર મોહસીન ભારમલે વધુમાં જણાવ્યુ હતુ કે, આ ફાઉન્ડેશન અમેરિકાના એટલાન્ટા શહેરમાં વિશ્વના બે મહાન શાંતિદૂતોની શાંતિ અને અહિંસાની બાબતોને જીવંત રાખવા પ્રયાસ કરે છે અને આ બન્ને મહાન હસ્તીઓના વિચારો, આદર્શો સમગ્ર વિશ્વ જાણે એ માટે પ્રયાસ કરી રહ્યુ છે. તેઓએ ઉમેર્યુ હતુ કે, ડો. માર્ટીન લુથર કિંંગ, જૂનીયરની એમએલકે નેશનલ હીસ્ટોરીક સાઈટ ખાતે ૬ ફુટ ઉંચી મહાત્મા ગાંધીની પ્રતિમા પ્રસ્થાપિત થયેલી છે. જે ઘણું મહત્વ ધરાવે છે કારણ કે પહેલીવાર અમેરિકાની ભૂમિ ઉપર ત્યાંના ઈન્ટીરીયર મંત્રાલયે આ પ્રકારના મેમોરીયલને મંજુરી આપી છે. આ સ્થળે ડો. માર્ટીન લ્યુથરના સંસ્મરણો જીવંત છે, યાદો તાજી થયેલી છે અને વસ્તુઓ સંગ્રહાયેલી છે જો ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે જોડાયેલી યાદગીરીઓ મુકવામાં આવે તો સમગ્ર વિશ્વ આ બન્ને મહાપુરૂષોના વિચારો અને આદર્શોમાંથી પ્રેરણા લઈ શકે, તેઓને જાણી શકે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં ઐતિહાસિક સાઈટના પ્રવાસે આવે છે આ બધાને આ બન્ને વિભૂતિઓના દર્શનનો લાભ મળે એટલું જ નહીં તેઓમાંથી પ્રેરણા પણ મળે.

રાજકોટ અને પોરબંદર કે જે બાપુ સાથે જોડાયેલા છે ત્યાંથી સાત સમંદર પાર અમેરિકાના એટલાન્ટા શહેરમાં આ ફાઉન્ડેશન પૂજ્ય ગાંધીજીની યાદોને વખતોવખત જીવંત કરે છે. ગાંધી જન્મ જયંતિ હોય કે પછી ગાંધી પૂણ્યતિથિ હોય અહીં આ બધાની ઉજવણી થતી હોય છે. આ ફાઉન્ડેશનની ઈચ્છા છે કે રાજકોટ અને પોરબંદર આ ઐતિહાસિક સાઈટ ઉપર આવેલ કિંગ સેન્ટરમાંના ગાંધી રૂમમાં ઐતિહાસિક વસ્તુઓ મુકવા માટે સહકાર આપે. આ ફાઉન્ડેશનના પ્રણેતાઓ આ બાબતે રાજકોટના મેયરને પણ મળ્યા હતા. તેમણે સકારાત્મક અને સહકાર આપવા ખાતરી આપી હતી. તેઓનું કહેવુ છે કે અહીં આવતા પ્રવાસીઓ ડો. માર્ટીન લ્યુથરની સાથે ગાંધીજીને પણ જાણે અને તેઓ તેમના વિચારોને અનુસરે. છેલ્લે તેનો લાભ ભારતને જ થવાનો છે. ફાઉન્ડેશનના પ્રણેતાઓ ઈચ્છે છે કે વિશ્વની યુવા પેઢી પૂજ્ય બાપુના સત્ય, અહિંસા, શાંતિ, સદાચાર, સાદગીના આદર્શોને અનુસરે.

આ મુલાકાત વેળાએ રાજકોટના સીનીયર જર્નાલીસ્ટ માસુમા ભારમલ તથા બાલેન્દ્રભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:54 am IST)