Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

વિધવા અને નિરાધાર મહિલાઓ માટે આર્શીવાદરૂપ બનતી વિધવા સહાય યોજના : દિપક મદલાણી

રાજકોટ, તા. ૧૫ : રાજય સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી વિધવા સહાય યોજના વિધવાને નિરાધાર મહિલાઓ માટે આર્શીવાદરૂપ સાબિત થવા સાથે આર્થિક રીતે સહાયરૂપ બની રહી છે. આ યોજનાના કારણે અનેક વિધવા મહિલાઓને આર્થિક મદદ મળી રહી છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ યોજના દ્વારા વિધવા મહિલાઓને આત્મ નિર્ભર બનવામાં મદદ કરી હોવાનું જણાવી વિધવા અને અસહાય મહિલાઓને રાજય સરકારની આ યોજનાનો લાભ લેવા રાજકોટ જિલ્લા ભાજપ વેપાર ઉદ્યોગ સેલના કન્વીનર દિપક મદલાણીએ અપીલ કરી છે.

રાજકોટ જિલ્લા ભાજપ વેપાર ઉદ્યોગ સેલના કન્વીનર દિપક મદલાણી (મો.૮૦૦૦૦ ૦૦૨૩૪)એ આ યોજના અંગે આપેલી વિગતો મુજબ જો ૨૧ વર્ષથી ઉપરની ઉંમરનો પુત્ર ન હોય તો નિરાધાર વિધવાઓને દર માસે રૂ.૭૫૦ અને બાળકદીઠ રૂ.૧૦૦ પ્રમાણે સહાય (૨ બાળકોની મર્યાદામાં) ચૂકવવાનું રાજય સરકારે નક્કી કર્યુ હતું. તેમાં હવે રાજય સરકારે સુધારો કરી હવેથી તા.૧-૧૧-૨૦૧૬થી વિધવા લાભાર્થી મહિલાઓને એક સરખા દરે રૂ.૧૦૦૦ની સહાય દર માસે ચૂકવવાનું ઠરાવ્યું છે.

અરજદાર વિધવાની પોતાની જંગમ તથા સ્થાવર મિલ્કતના રોકાણમાંથી વ્યાજ સહિત બધા સાધનોમાંથી (૧) ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૪૭,૦૦૦/- અને (૨) શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૬૮,૦૦૦/-થી ઓછી હોય તેવી નિરાધાર વિધવા મહિલા આ સહાય મેળવવા પાત્ર ગણાશે.

રાજય સરકારની યોજના મુજબ જે મહિલાના પતિનું અવસાન થયું હોય તેવી મહિલાઓ વિધવા થયાની તારીખથી બે વર્ષની સમય મર્યાદામાં વિધવા સહાય મેળવવા ફોર્મ ભરવાની સમય મર્યાદા જે હતી તે રદ્દ કરવામાં આવી છે. પરંતુ સહાયનો લાભ ફકત ફોર્મ ભર્યાની તારીખથી મળવાપાત્ર થશે. ગુજરાત રાજયમાં વસવાટ કરતી અને ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેવી નિરાધાર વિધવા બહેનો આ યોજનાનો લાભ મળવાપાત્ર હોવાનું યાદીના અંતમાં જણાવાયંુ છે.

(4:21 pm IST)