Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી વિશ્વશાંતિ સ્થપાશેઃ શ્રી નિખિલેશ્વરાનંદજી

કે.એસ.પી.સી. દ્વારા ઉત્પાદકતા દિવસ તથા સપ્તાહની ઉજવણીનો પ્રારંભઃ 'પ્રોડકટીવીટી વે ઓફ લાઇફ' વિષય પર રસપ્રદ વાર્તાલાપ સાથે સમારોહનું ઉદ્દઘાટનઃ ઇન્ડસ્ટ્રી ૪.૦ને શિરિષ પાલીવાલે ઔદ્યોગીક ક્રાંતિ ગણાવી

રાજકોટ તા. ૧પઃ કચ્છ સૌરાષ્ટ્ર-પ્રોડકટીવીટી કાઉન્સીલ, રાજકોટ દ્વારા રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહ ઉજવાઇ રહ્યો છે. આ વર્ષે દેશભરમાં ''ઇન્ડસ્ટ્રી ૪.૦, લીપફ્રોગ ઓપોચ્યુંનીટી ફોર ઇન્ડીયા'' થીમ આધારીત ઉત્પાદકતા સપ્તાહ ઉજવાય રહ્યું છે.

આ સંદર્ભમાં કેએસપીસી, રાજકોટ દ્વારા ઉત્પાદકતા દિવસના ઉદ્દઘાટન સમારોહ અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીનો ''પ્રોડકટીવીટી-વે ઓફ લાઇફ'' વિષયે એક રસપ્રદ વાર્તાલાપ કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના અધ્યક્ષ સ્થાને અને એનપીસી, ગાંધીનગરના રિજીયોનલ ડાયરેકટર શિરિષ પાલીવાલના અતિથિ વિશેષપદે યોજાઇ ગયો.

કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના ઉપપ્રમુખ ડી. જી. પંચમીયાએ કાર્યક્રમની પ્રાથમિક ભુમિકા અને ઉપસ્થિત મહેમાનો તથા વકતાનો પરિચય આપ્યો હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવે તથા માનદ મંત્રીશ્રી મનહરભાઇ મજીઠીયાના હસ્તે અનુક્રમે મુખ્ય વકતા સ્વામી નિખિલેશ્વરાનંદજી તથા શિરિષ પાલીવાલને મોમેન્ટો અને બુકે અર્પણ કરવામાં આવેલ.

કાર્યક્રમના મુખ્ય વકતા સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી વરદ હસ્તે ઉત્પાદકતા દિવસનું દિપ પ્રાગટયથી ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું. એનપીસી, ગાંધીનગરના રિજીયોનલ ડાયરેકટરશ્રી શિરિષ પાલીવાલના હસ્તે આ વર્ષની ઉત્પાદકતા થીમને વૈચારીક દ્રષ્ટિ પ્રદાન કરતા મલ્ટીકલર ''સ્લોગન પોસ્ટર્સ'' સંપુટનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી શિરિષ પાલીવાલે જણાવેલ હતું કે ઉત્પાદકતા વધારવામાં કેએસપીસીનો ખુબ જ સક્રિય સહયોગ છે. આજે દુનિયા ઇન્ડસ્ટ્રી ૪.૦ રિવોલ્યુશન તરફ જઇ રહી છે. ઇન્ડસ્ટ્રી ૪.૦ એ ઔદ્યોગિક ક્રાંતિ છે. સૌ પ્રથમ સ્ટીમ એટલે કે વરાળ શકિતથી ઉત્પાદન કરવામાં આવતું ત્યારબાદ ઇલેકટ્રીસીટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેટના માધ્યમથી ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ આવી છે તે ઇન્ડસ્ટ્રી ૪.૦ છે. ઇન્ડસ્ટ્રી ૪.૦ એ આપણું ભવિષ્ય છે.

કાર્યક્રમના અધ્યક્ષ હસુભાઇ દવેએ પ્રાસંગીક પ્રવચનમાં ઉત્પાદકતા દિવસ તથા ઉત્પાદકતા સપ્તાહની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું.

મુખ્ય વકતા સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ જણાવેલી હતું કે ઉત્પાદકતા વધારવી એ આજના સ્પર્ધાત્મક યુગની એક તાતી જરૂરીયાત છે. નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સીલના ૬૦ વર્ષ પૂરા થયાને ડાયમંડ જયુબીલી વર્ષની શુભકામનાઓ. આખું વિશ્વ આજે ઇન્ડસ્ટ્ર ૪.૦ એટલે કે ચોથી ક્રાંતિથી એક થઇ રહ્યું છે. પહેલા વિશ્વ કોમ્યુનિકેશન ટેકનોલોજીથી જોડાયેલું નહોતું. ગ્લોબલાઇઝેશન દ્વારા આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રવેશી કરી શકીશું. સ્વામી વિવેકાનંદજીએ આ વાત ૧૦૦ વર્ષ પહેલા કહેલી હતી. આજે અમેરીકન કંપનીઓ ઇન્ડીયન સ્ટાઇલ ઓફ મેનેજમેન્ટનો ઉપયોગ કરી રહી છે અને તેને ''કર્મો કેપીટાલીઝમ'' નામ આપેલ છે. હાર્વર્ડ યુનિવર્સીટી અને ઘણી બધી કંપનીઓના એકઝીકયુટીવ્સને તેઓ ''મેનેજમેન્ટ એન્ડ લીડરશીપ બાય ભગવદ ગીતા'' દ્વારા માર્ગદર્શન આપી રહ્યા છે.

વધુમાં માહિતી આપતા સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ જણાવેલ હતું કે આજે મેનેજમેન્ટમાં પોલીસ્ટીકસ સ્ટાઇલ ઓફ મેનેજમેન્ટ બેઇઝડ ઓન ઇન્ડીયન વેદાંત એન્ડ ફીલોસોફીનો ઉપયોગ થાય છે. જેમાં સ્ટ્રેસ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. જેનાથી આજે લોકો યોગા તરફ વળી રહ્યા છે.

જો આખું વિશ્વ આજે વૈશ્વીકરણની સાથે ''વસુધૈવ કુટુમ્બકમ''ની ભાવનાથી આગળ વધશે તો વિશ્વશાંતિ સ્થાપી શકાશે. વધારે પ્રોડકશન કરવાથી ઉતપાદકતા વધી તેમ ન કહી શકાય. સાથે સાથે વેચાણ પણ થવું જરૂરી હોવાનું સ્વામીએ જણાવ્યું હતું.

કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના કો-ચેરમેન દિપકભાઇ સચદેએ કરેલ હતું. આ કાર્યક્રમમાં ગર્વનીંગ બોડીના સભ્યો હિરાભાઇ માણેક, દિલીપભાઇ ઠાકર, કિરીટભાઇ વોરા, પ્રો. જયોતિન્દ્ર જાની, ડો. હિતેશ શુકલ, ભરતભાઇ દુદકીયા, વૈશાલી પારેખ, સોનલબેન ગોહેલ તેમજ અન્ય સભ્યોમાં ગવર્નમેન્ટ એન્જીનીયરીંગ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. સી. એચ. વીઠલાણી, મનસુખલાલ જાગાણી, સોનલબેન આહયા, રાજકોટ ડેરીના અધિકારીઓ, આત્મીય કોલેજ, આર. કે. યુનિવર્સિટી, ગીતાંજલી કોલેજ તથા વિવિધ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી. એકઝીકયુટી સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરેલ હતી.

(5:04 pm IST)