Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

આવકવેરાના અધિકારીઓએ વકીલોને હરાવ્યો મેચઃ ચીફ કમિશ્નર વિનોદકુમાર પાંડેએ અભિનંદન આપ્યા

રાજકોટ : તાજેતરમાં રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ ઈન્કમટેક્ષ ઓફીસર્સ અને રાજકોટ ટેક્ષ કન્સલટન્ટ સોસાયટી વચ્ચે ક્રિકેટ મેચ યોજાયેલો હતો અને આ મેચની યાદગાર બાબત એ રહી હતી કે ખૂબ જ રસાકસીભર્યા જંગ બાદ આવકવેરા અધિકારીઓએ દેશ કન્સલટન્ટ સોસાયટીને હાર આપી હતી. શ્રી અરવિંદભાઈ મણીઆર ટ્રોફી અંતર્ગત છેલ્લા ૨૪ વર્ષથી યોજાતી આ ટુર્નામેન્ટમાં ઈન્કમટેક્ષ ઓફીસનો વિજય થતાં ચીફ કમિશ્નર વિનોદકુમાર પાંડેએ જણાવેલુ કે વિજેતા ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આવકવેરાના અધિકારીઓ અને ટેક્ષ કન્સલટન્ટ વચ્ચે યોજાયેલ આ મેચ એક આવકારદાયક અને રોમાંચક પહેલ છે. બંને વચ્ચે દરરોજ કામકાજનો નાતો છે. પરંતુ પારિવારિક માહોલમાં, સ્ટ્રેસ મુકત રમતથી નિખાલસતા અનુભવાય છે. આ તકે તેમણે જણાવેલ કે આવતુ વર્ષ સિલ્વર જ્યુબીલી એટલે કે આ ટુર્નામેન્ટને ૨૫ વર્ષ થશે એટલે આનાથી વધુ સારી રીતે ઉજવાય તેવી આશા વ્યકત કરી હતી.

જયોતિન્દ્રભાઈ મહેતાએ જણાવેલુ કે વકીલોની હાર તથા ઓફીસરની જીત કરતા ખરેખર ક્રિકેટની જીત થઈ છે. રાજકોટના પ્રથમ ચૂંટાયેલા મેયર અને કરવેરાના સલાહકાર અરવિંદભાઈ મણીઆરની સ્મૃતિમાં આ ટ્રોફી યોજાય છે ત્યારે રોજબરોજ સાથે કાર્ય કરતા લોકો આ પ્રકારના માહોલથી વધુને વધુ નજીક આવે છે અને તે થકી પારીવારીક માહોલ સર્જાય છે. વિશેષમાં ટેક્ષ કન્સલટન્ટ આવકવેરાની કામગીરી કરતાં હોવાથી ડિપાર્ટમેન્ટ માટે હેલ્પીંગ હેન્ડ સમાન છે અને અમારૂ મિશન દેશ માટે રેવન્યુ કલેકશન કરવાનું છે.

આ ક્રિકેટ મેચમાં વિનોદકુમાર પાંડે (ચીફ કમિશ્નર ઓફ ઈન્કમટેક્ષ), ગોવિંદલાલ (સીઆઈટી), રણજીતસિંહ (સીઆઈટી અપીલ), જયોતિન્દ્રભાઈ મહેતા (ટ્રસ્ટી, અરવિંદભાઈ મણીઆર ટ્રસ્ટ), પંકજ શ્રીવાસ્તવ (અડીઆઈટી) ઉપરાંત રણજીત લાલચંદાણી (પ્રમુખ - આરટીસીએસ), રાજીવ દોશી, એન.આર. સરખેડી, રશેષ વખારીયા, નીકુંજ ધોળકીયા, એમ. એફ. સાદીકોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આકવેરાની ટીમ પંકજ શ્રીવાસ્તવ અને આરટીસીએસની ટીમ રાજુ પરસાણાની કેપ્ટનશીપ હેઠળ ક્રિકેટ મેચ રમાયેલો. આરટીસીએસમાંથી હર્ષદ (સીએ) મેન ઓફ ધી મેચ, પ્રકાશ ભટ્ટ (બેસ્ટ બેટ્સમેન) રહ્યા હતા. મેચની રનીંગ કોમેન્ટ્રી ક્રિષ્ણકુમારે આપી હતી.

(4:57 pm IST)