News of Thursday, 15th February 2018

રાજકીય દબાણથી પોલીસે ગંભીર પ્રકારનો ગુન્હો દાખલ કર્યાનો હાઇકોર્ટમાં ધડાકો

સેજપાલ એસોસીએટસ્ની દલીલો માન્ય રહી : સૌરાષ્ટ્રમાં ચકચારી 'જીરા' ગામના દારૂ કેસમાં જામીન મંજૂર

રાજકોટઃ અમરેલીના ધારી તાલુકામાં આવેલ જીરા ગામની રનાળા સીમમાં બાતમીના આધારે અમરેલી એલ.સી.બી.એ. તા.ર૧-૦૧-ર૦૧૮ના રોજ રેડ દરમ્યાન ખેતરમાંથી રોયલ સ્ટેગ કલાસીક વિસ્કી લખેલ બનાવટી ઇંગ્લીશ દારૂની ૧૩૮૦ બોટલ તેમજ તે બનાવવા માટેનું કેમીકલ અને અન્ય સાધનો મુદ્દામાલ તરીકે કબજે કરેલ. તેમજ તા.ર૩-૧-ર૦૧૮ના રોજ ધારી પોલીસે બાતમીના આધારે જીરા ગામની આથમણી સીમમાં આવેલ મકાનમાંથી પરપ્રાંતના બનાવટી દારૂની ત્રણ બોટલ અને બનાવટી દારૂ બનાવવાનું કેમિકલ રેડ દરમ્યાન કબ્જે કરેલ. ત્યારબાદ પોલીસે પ્રોહિબીશન અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધી ખેતરના તેમજ આ મકાનના માલિક અને કબ્જેદાર અનિરૂદ્ધભાઇ અમકુભાઇ વાળા વિરૂધ્ધ અલગ અલગ ગુન્હા દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ. જેથી આરોપીએ રાજુલા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ અને તે રદ થતા હાઇકોર્ટ પાસે માંગણી કરતા જેની સુનાવણી અનુક્રમે તા.૧ર-ર-૧૮ અને તા.૧૪-ર-૧૮ના રોજ રાખેલ. જેમાં આરોપીની દલીલ માન્ય રાખી આરોપીને આગોતરા જામીન  ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ બાબતે આરોપી તરફે એડવોકેટ દિવ્યેશ સેજપાલ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ કે, પોલીસે ગુન્હો નોંધતી વખતે કોઇ પ્રાથમિક તપાસ કરેલ નથી, કે ગુન્હાવાળી જગ્યાનો માલીક કે કબ્જેદાર કોણ છે અને સીધુ જ રાજકિય દબાણના હિસાબે આરોપીનું નામ ફરિયાદમાં લખી લીધેલ છે. અરજદાર જીરા ગામના સરપંચ હોવાથી તાજેતરમાં ગયેલ ચુંટણી દરમ્યાન જે કોઇ કામગીરી કરવામાં આવેલ હોઇ તેનો રાગદ્રેશ રાખી આરોપી સામે આવો ગંભીર પ્રકારનો ગુન્હો દાખલ કરેલ છે.

વધુમાં કોર્ટને ગુન્હાવાળી જગ્યાનો આધાર પુરાવામાં જમીનના ૭-૧ર બતાવી દલીલ કરવામાં આવેલ હતી કે, આ જમીન કોઇ પરબતભાઇ નરશીભાઇની માલીકીની છે જેમાં આરોપીને કોઇ લેવા-ઘ્ેવા નથી. વળી, બીજી એફ.આઇ.આર.માં જેમાં મકાનનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે પડતર જમીનમાં હોવાથી જેનો કોઇ માલિકી કે કબ્જાનો પુરાવો નથી. આ સંજોગો ધ્યાને રાખી આરોપીની ધરપકડ કરવામાં આવે તો તેને આગોતરા જામીન ઉપર છોડવા હુકમ કરવો જરૂરી છે અને આવી ખોટી ફરિયાદથી સામાજીક આડઅસરો પણ ઉભી થઇ શકે જેથી ધરપકડ સામે અરજદારનું હિત જાળવવુ જરૂરી છે. જયારે એ.પી.પી. દ્વારા દલીલ કરવામાં આવેલ કે, પોલીસને નોટીસ કરવામાં આવે તો સવાલવાળી  જમીનના કબજા સંદર્ભે સ્પષ્ટતા થઇ શકે પરંતુ  કોર્ટ દ્વારા આ દલીલ માન્ય રાખવામાં આવેલ નહી અને જણાવેલ કે, જો જમીનનો કબ્જો આરોપીનો હોય તો ૭-૧રમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવો જોઇએ. જેથી આરોપીની બન્ને અરજી મંજુર કરી અનિરૂદ્ધભાઇને આગોતરા જામીન ઉપર છોડવાનો હુકમ કરી દેવામાં આવેલ છે. અરજદાર અનિરૂદ્ધભાઇ વાળા તરફે સેજપાલ એસોસીએટસ તેમજ અમરેલીના ડી. એન. ખાચર અને રાજુલાના કનુભાઇ કામળીયા એડવોકેટ તરીકે રોકાયેલા હતા.

(4:44 pm IST)
  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST

  • બિહારની ધર્મશાળામાં બોમ્બ બ્લાસ્ટ : આરા ખાતે થયેલા વિસ્ફોટનો મુખ્ય આરોપી જીતેન્દ્રકુમારની ધરપકડ : કલકત્તાથી ૫ હુમલાખોરો આવ્યા'તા : ૧ હુમલાખોર ઘાયલ, ૩ ફરાર access_time 12:25 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST