Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ-ઉપપ્રમુખની જગ્યા માટે બકુલ રાજાણીએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી

આવતીકાલે પ્રમુખપદ માટે અર્જુનભાઇ પટેલ અને તેની પેનલ ઉમેદવારી નોંધાવશે

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં આજે પ્રમુખપદ માટે અને ઉપપ્રમુખપદ એમ બંને જગ્યા ઉપર સૌરાષ્ટ્ર-કચ્છ લોયર્સ ફેડરેશનના પ્રમુખ અને જાણીતા એડવોકેટ બકુલભાઇ રાજાણીએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવીહતી. જયારે કાલે અર્જુનભાઇ પટેલ અને તેમની પેનલના ઉમેદવારે ઉમેદવારી નોંધાવશે.

ગઇકાલે સેક્રેટરીની જગ્યા ઉપર સ્વતંત્ર ઉમેદવાર તરીકે દિલીપભાઇ જોષીએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે પ્રમુખ માટે હરિસિંહ વાઘેલાએ પણ ઉમેદવરી નોંધાવી છે. બકુલભાઇ એ આજે ઢોલ નગારા વગાડી વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.

કારોબારીની જગ્યા માટે કૌશીક વ્યાસ ત્થા વિપુલ રાણીંગાએ ઉમેદવારી નોંધાવી  છે. આવતીકાલ બપોર સુધી ફોર્મ ભરવાની મુદત  હોય વધુ ફોર્મ ભરાઇને આવે તેવી શકયતા છે.  જો કે, હજુ પ્રમુખપદ માટે કોઇ વજનદાર બે વકીલોના ફોર્મ ભરાયેલ ન હોય ચૂંટણીમાં હાલના તબકકે નિરસ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

આગામી તા. ર૬ મીએ બાર એસો.ની ચૂંટણી યોજાવવાની છે. અને સવારના ૯ કલાકે મતદાન શરૂ કરવામાં આવશે. અને આજ દિવસે મોડી રાત્રીના મત ગણતરી પુરી થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

આ વર્ષ કારોબારીની જગ્યામાં એક મહિલા અનામતની જગ્યા તેમજ લાયબ્રેરી સેક્રેટરીની જગ્યામાં વધારો થતાં કુલ પ્રમુખ  - ઉપપ્રમુખ સહિતના કુલ છ હોદેદારો અને ૧૦ કારોબારી મળી કુલ ૧૬ જગ્યાઓ માટે ચુંટણી યોજાશે.

રાજકોટ બારની ર૬ ફેબ્રુઆરી અને ગુજરાત બાર કાઉન્સીલની ર૮ માર્ચે ચૂંટણી યોજાવવાની હોય વકીલોમાં ચૂંટણી ફીવર છવાયો છે.

(4:22 pm IST)