Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

રાજકોટ તાલુકાના કાળીપાટ ગામના ડબલ મર્ડર કેસમાં ચાર આરોપીઓની જામીન અરજી રદ

રાજકોટ તા.૧પ : કાળીપાટના ચકચારી ડબલ મર્ડર કેસમાં ચાર આરોપીની જામીન અરજીને અત્રેની સેસન્‍સ અદાલતે નકારી કાઢી હતી.

આ બનાવમાં પોલીસ કેસની ટુંકી વિગત એવી કે તા. ૧૦/૭/ર૦૧૧ ના રોજ કાળીપાટ ગામે માતાજીના મઢ પાસે તાવા પ્રસંગે ભેગા થયેલા દરબારોએ એક કિશોરને ગાળો બોલવાની ના પાડતા આ કામના ૧૦ આરોપીઓ કે જેમાં આરોપી નં.(૧) છગન રઘાભાઇ દુધરેજીયા (ર) ધીરૂ રઘાભાઇ (૩) સુરેશ રઘાભાઇ દુધરેજીયા (૪) દિનેશ રઘાભાઇ દુધરેજીયા (પ) જેન્‍તી પ્રેમજીભાઇ દુધરેજીયા (૬) સવજી દેવશીભાઇ દુધરેજીયા (૭) બાબુ ઉકા દુધરેજીયા (૮) મનસુખ દેવશીભાઇ દુધરેજીયા તથા બે મહીલા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી તલવાર, ધારીયા તથા લોખંડના પાઇપ જેવા જીવલેણ હથીયારો ધારણ કરી દરબારો ઉપર હુમલો કરેલ જેમાં ઘવાયેલા વિશ્વજીતસિંહ જાડેજા તથા મહેન્‍દ્રસિંહ જાડેજાનું મૃત્‍યુ થયેલ તથા અન્‍ય સાત દરબાર શખ્‍સો ગંભીર રીતે ઘાયલ થયેલ.

આ બનાવની ફરીયાદ સત્‍યજીતસિંહ અનીરૂધ્‍ધસિંહ જાડેજાએ તાલુકા પોલીસમાં કરેલ જેથી પોલીસએ તપાસ પૂર્ણ કરી તમામ આરોપીઓ વિરૂધ્‍ધ ઇ.પી.કો.કલમ ૩૦ર, ૩૦૭, ૧૪૯ વિ. કલમો અન્‍વયે ચાર્જશીટ કરેલ જે કેસમાં ધરપકડ થયેલ અને જેલમાં રહેલ ચાર આરોપીઓ છગનભાઇ, ધીરૂભાઇ, સુરેશભાઇ  તથા દિનેશભાઇ પોતાના વકિલ મારફત જામીન ઉપર છુટવા માટે રાજકોટ સેશન્‍સ અદાલતમાં રેગ્‍યુલર તથા વચગાળાની જામીન અરજી કરેલ હતી.

આ જામીન અરજીનો વિરોધ સ્‍પે. અનિલભાઇ દેસાઇએ મૌખીક રજુઆતો કરી હતી તેમજ મુળ ફરીયાદી તરફે પણ વિગતવારના લેખીત વાંધાઓ જામીન અરજીના વિરોધમાં રજુ કરવામાં આવેલ હતું.

બન્ને પક્ષોની રજુઆતો કેસમાં સંજોગો ગુનાની ગંભીરતા તથા ઉચ્‍ચ ન્‍યાયાલયોના ચુકાદાઓ વિગેરે ધ્‍યાને લઇ રાજકોટના એડી.સેશન્‍સ જજ શ્રી એચ.આર. રાવલ ચારેય આરોપીઓની જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કામે સરકાર તરફે સ્‍પે. પી. પી. અનિલભાઇ દેસાઇ તથા મુળ ફરીયાદી તરફે વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ જાડેજા, મહેશ જોષી, શૈલેષગીરી ગૌસ્‍વામી, વિજય ભટ્ટ, હનીફભાઇ કટારીયા તથા શિવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રોકાયેલ હતા.

(4:10 pm IST)